Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

રાજકોટમાં ગુજરાતની પ્રથમ એઈમ્સ જનતાને સમર્પિત કરતા પીએમ નરેન્દ્રભાઈ મોદી

સવેરા ગુજરાત,રાજકોટ  તા 25

રાજકોટ,  – વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજકોટના પરા પીપળીયા પાસે રૂ. ૧૧૯૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલી ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં તેઓએ એઈમ્સમાં આઈ.પી.ડી.નું નિરીક્ષણ કર્યું હતું તેમજ અહીં ઉપલબ્ધ વિવિધ મેડિકલ સારવાર સુવિધાઓ અને વ્યવસ્થાઓ નિહાળી વિગતવાર જાણકારી મેળવી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બપોરે દ્વારકાથી હવાઈમાર્ગે રાજકોટ એઈમ્સ આવ્યા હતા. બાદમાં તેઓએ એઈમ્સ પરિસરમાં બનેલા ઓ.પી.ડી. સહિતના વિવિધ વિભાગો તેમજ સમગ્ર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ આઈ.પી. ડી. બિલ્ડિંગ ખાતે પધાર્યા હતા. અહીં એઈમ્સની તકતી અનાવરણ કર્યા બાદ રીબીન કાપીને, ગુજરાતની પ્રથમ એઈમ્સને લોકોને સમર્પિત કરી હતી.

પ્રધાનમંત્રીએ એઈમ્સ હોસ્પિટલના ભવિષ્યના વિકાસની બ્લુપ્રિન્ટ એવા મોડેલનું અને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની તેમજ ભારતની પ્રાચીન ચિકિત્સા પરંપરાથી લઈને જીનેટિક ટેકનોલોજી સુધીની સફરની ઝાંખી કરાવતી ટેપેસ્ટ્રીનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે હોસ્પિટલના વિવિધ વિભાગો, ઓપરેશન થિયેટર તેમજ આઈ.પી. ડી.ની મુલાકાત લઈને વિવિધ વ્યવસ્થાનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું. એઈમ્સ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. સી.ડી.એસ કટોચે વડાપ્રધાનશ્રીને એઈમ્સના વિવિધ વિભાગોની જાણકારી આપી હતી.

આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, નવસારીના સાંસદ સી.આર. પાટીલ, રાજ્યના મુખ્ચ સચિવ રાજકુમાર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવ અપૂર્વા ચંદ્રા, નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટર સુશ્રી રેમ્યા મોહન, રાજકોટ એઈમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર પુનિત અરોરા વગેરે સાથે જોડાયા હતા.

આ પહેલા વડાપ્રધાન રાજકોટ એઈમ્સ હેલિપેડ પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવસારી સાંસદ સી. આર. પાટીલ, ડી.જી.પી. વિકાસ સહાય, રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી, રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ વગેરેએ હેલિપેડ ખાતે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

નોંધનીય છે કે, રાજકોટની ભાગોળે ખંઢેરી ગામમાં ૨૦૧ એકર જેવી વિશાળ જગ્યામાં રૂ. ૧૧૯૫ કરોડના ખર્ચે આ એઈમ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને સાવ નજીવા ખર્ચે મલ્ટી- સ્પેશિયાલિટી સારવાર મળી રહેશે. કુલ ૭૨૦ બેડની આ હોસ્પિટલમાં મેજર સુપર સ્પેશિયાલિટી ફેસિલિટીઝ, આઈ.સી.યુ. સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. અહીં ૨૦ મેજર તથા ૩ માઈનોર મળીને કુલ ૨૩ અદ્યતન ઓપરેશન થિયેટરની સુવિધા રહેશે.

આ એઈમ્સમાં વર્ષ ૨૦૨૧ના ડિસેમ્બર મહિનાથી, ૧૪ મલ્ટી સ્પેશિયાલિટી વિભાગો સાથેનો આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓ.પી.ડી.) કાર્યરત થઈ ગયો છે. દરરોજ સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી ઓ.પી.ડી. ચાલી રહી છે, જેમાં સરેરાશ ૪૦૦થી ૫૦૦ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. દર્દીઓને જરૂરી દવા પણ અહીંથી જ આપવામાં આવે છે. ઓ.પી.ડી.ના દર્દીઓ માટે આભા કાર્ડ પણ બનાવવામાં આવી રહ્યા છે. ફેબ્રુઆરીના આરંભ સુધીમાં ૧,૪૪, ૬૧૪ દર્દીઓ ઓ.પી.ડી.સેવાનો લાભ લઈ ચૂક્યા છે.

આ એઈમ્સમાં ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨થી ટેલિમેડિસિન સેવા (ઈ-સંજીવની) સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ચુકી છે. રોજના સરેરાશ ૧૩૨ વ્યક્તિને ટેલિફોનથી દવા-ઉપચાર અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ૭૦,૩૩૭ લોકોએ ટેલિ-મેડિસિન સેવાનો લાભ લીધો છે.

લોકાર્પણ સાથે રાજકોટ એઈમ્સમાં ૨૫૦ બેડની ક્ષમતા સાથેનો ઈનડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ – (આઈ.પી.ડી.) શરૂ થયો છે, જ્યાં હોસ્પિટલમાં ભરતી કરનાની જરૂરિયાતવાળા દર્દીઓની સારવાર કરાશે. આ સાથે ૩૦ બેડનો આયુષ બ્લોક પણ દર્દીઓની સારવાર માટે શરૂ કરવામાં આવ્યો છે.

આઈ.પી.ડી.માં ઈમરજન્સી અને ટ્રોમાની સ્થિતિમાં ઉત્તમ સારવાર વિના વિલંબે મળી રહે તે માટે ૩૫ બેડની સુવિધા ઉપલબ્ધ છે. જ્યાં મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથે ઓર્થોપેડિક, જનરલ સર્જરી, ઓબસ્ટ્રક્ટ અને ગાયનેકોલેજી, ઈ.એન.ટી., ઓપ્થેલ્મોલોજી અને ડેન્ટલ સર્જરીની સેવાઓ ઉપલબ્ધ છે.

Related posts

લોકસભા ચૂંટણીમાં વિપક્ષની સાથે ગઠબંધનની શક્યતા મમતાએ નકારી

saveragujarat

રાજ્યમાં અંદાજે ૧૬૦૦ થી વધુ ગૌશાળા-પાંજરાપોળના પાંચ લાખ જેટલા પશુઓને મળશે યોજનાકિય લાભ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

saveragujarat

અમદાવાદ નિકોલ કેસમાં હાર્દિક પટેલની ગેરહાજરી

saveragujarat

Leave a Comment