અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરની અધ્યક્ષતામાં અમદાવાદ બાળ અધિકાર સંરક્ષણના અમલીકરણ સંદર્ભે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અમદાવાદ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા તેમજ અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરને વિવિધ બાબતો અને મુદ્દાઓ અંગેના જવાબદાર રેકર્ડ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં વિવિધ એજન્ડાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા કક્ષાની જુદી-જુદી કચેરીઓ દ્વારા બાળ કલ્યાણને અનુલક્ષીને કરવામાં આવેલ વિવિધ કાર્યો, સંબંધિત કામગીરીને વધુ શ્રેષ્ઠ કરવા માટેના સૂચનોને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી હતી. આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે માહિતી મેળવીને બેઠકની સમીક્ષા કરી હતી તેમજ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં પ્રધાનમંત્રી બાળ પુરસ્કૃત શ્રી ઓમ વ્યાસનું સન્માન આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી ઓમ વ્યાસને 5,000થી વધુ સંસ્કૃત શ્લોક મુખે હોવાથી તેમને એવોર્ડ એનાયત થયેલ છે.
આ બેઠકમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, એડિશનલ કલેક્ટર શ્રી યોગેશભાઈ ઠક્કર તેમજ વિવિધ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.