Daily Newspaper

Modasa: દેવચકલીને ઉડાડતાં લીલા વૃક્ષ પર બેઠી, વર્ષ સારું રહેવાના સંકેત

Modasa: દેવચકલીને ઉડાડતાં લીલા વૃક્ષ પર બેઠી, વર્ષ સારું રહેવાના સંકેત


આદિવાસી વિસ્તારોમાં દરેક તહેવાર પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. તેમાંય પ્રકૃતિને આધારે વર્ષફળ જાણવા માટે ઉત્તરાયણ પર્વની ખાસ રીતે ઉજવણી કરવામાં આવે છે. અરવલ્લી જિલ્લાના કેટલાક ગામોમાં પરંપરાગત રીતે કરવામાં આવતી ઉજવણી મુજબ દેવચકલીને ઉડાડવામાં આવે છે અને આ વર્ષ કેવું રહેશે તેનો વર્તારો નક્કી કરાય છે.

ભિલોડા તાલુકાના ખિલોડા ગામમાં પોષ મહિનાના પ્રથમ શુક્રવારે દેવચકલી ઉડાડવામાં આવી હતી. જે લીલા ઝાડ પર બેસતાં આ વર્ષ સારું રહેવાના સંકેતો મળ્યા છે.અગાઉના સમયમાં વડીલો આગવી કોઠા સૂઝથી પશુ-પક્ષીઓના સંકેત આધારે વર્ષની જાણકારી મેળવતા હતા. તેમાંય ચોમાસું કેવુ રહેશે તે જાણવા દેવ ચકલી ઉડાડી તેમજ હોળીના પવન આધારે વર્ષનો આધાર નક્કી કરવામાં આવતો હતો અને આજેય આ પરંપરા ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. આ પરંપરા મુજબ મુજબ દર વર્ષે પોષ મહિનાના પ્રથમ શુક્રવારે પક્ષીની જાતોમાં શુકનિયાળ ગણાતી દેવચકલીને ઉડાડવામાં આવે છે. ગામના લોકો ગામ આગેવાન કે મુખીના ઘેર ભેગા થઈ વહેલી સવારે યુવાનો દ્વારા વન વગડામાં જઈ દેવચકલીને પકડી લાવી ગામ આગેવાન દ્વારા ગોળ, ઘી ખવડાવી ઢોલ નગારા સાથે દેવચકલી ઉડાડવામાં આવે છે. જો દેવચકલી પ્રથમવાર સૂકા પથ્થર કે સૂકી જમીન પર બેસે તો વર્ષ નબળુ અને જો લીલા વૃક્ષ ઉપર બેસે તો સારૂ વર્ષ રહે એવી માન્યતા હોય છે. આ વર્ષે ગત તા. 03જી જાન્યુઆરી શુક્રવારના રોજ ખિલોડા ષામે ગામની ભાગોળમાંથી દેવ ચકલી પકડી લાવી ગામના આગેવાન શંકરભાઈ ગામેતીના ઘરે ગામના આગેવાનો પૂર્વ સરપંચ હસમુખભાઈ મેણાત તથા યુવાનો તિલકભાઈ, યોગેશભાઈ, કાંતિભાઈ, બિપિનભાઈ, રાઘવભાઈ તેમજ સ્મિતભાઈ, ધનેશ્વર મહિપાલ, ઉજવલ કૌશિક સહિતે મળીને ચકલીને ઘી અને ગોળ ખવડાવી ઉડાડી હતી. દેવચકલી ઉડાડયા બાદ યુવાનો દ્વારા તપાસ કરતાં તે લીલા વૃક્ષ ઉપર બેસતાં આ વર્ષનું ચોમાસું સારૂ રહેવાનો સંકેત જોવા મળ્યો છે. ભિલોડા તાલુકાના અનેક ગામોમાં વર્ષોથી આ પરંપરા મુજબ ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આ વર્ષે લીલા ઝાડ પર ચકલી બેઠી છે, ચોમાસું સારું રહેવાની આશા

આ અંગે ગ્રામજનોએ જણાવ્યુ હતું કે,અમારા આદિવાસી સમાજના વડવાઓ ઉત્તરાયણ પર્વને અનોખી રીતે ઉજવતા આવ્યા છે. જેમાં દર વર્ષે પોષ મહિનાના પહેલા શુક્રવારે ગામ આગેવાનના ઘેર યુવાનો, વડીલો ભેગા થાય દેવચકલી પકડી ઘી ગોળ ખવડાવી આગેવાનો દ્વારા ઉડાડવામાં આવે અને આષામી વર્ષનો વરતારો જોવાય છે. આ વર્ષે દેવ ચકલી લીલા વૃક્ષ પર બેસતાં વર્ષ સારું રહેવાના સંકેતો મળ્યા છે.

બે તાલુકામાં પરંપરા ધીરે ધીરે લુપ્ત પણ થવા માંડી

ભિલોડા અને મેઘરજ તાલુકામાં ઉતરાયણ પર્વ નિમિત્તે દેવ ચકલી ઉડાડી વર્ષનો વર્તારો મેળવવામાં આવતો હતો. થોડા વર્ષો અગાઉ બંને તાલુકાના ગામેગામ દેવ ચકલી ઉડાડવામાં આવતી હતી. પરંતુ હવે ધીમે-ધીમે આ પરંપરા લુપ્ત થઈ રહી છે. જિલ્લાના અમુક ગામોમાં જ લોકો દેવ ચકલી ઉડાડી વર્ષનો વર્તારો મેળવે છે.



Source link

error: Content is protected !!