અમદાવાદ, : ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકની કચેરી તેમજ MICAના તાબા હેઠળના સેન્ટર ફોર ડેવલપમેન્ટ મેનેજમેન્ટ એન્ડ કમ્યુનિકેશન (CDMC) વચ્ચે થયેલા MoUના અનુસંધાને માહિતી વિભાગના રાજ્ય પત્રિત અધિકારીઓ માટે
“સ્ટ્રેટેજીક કમ્યુનિકેશન અને ડોક્યુમેન્ટેશનઃ આધુનિક પડકારો માટેના સાધનો” વિષય પર દ્વિદિવસીય તાલીમ કાર્યક્રમનું માઈકા અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૬ થી ૭ ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહેલી આ તાલીમનો ઉદ્દેશ માહિતી અધિકારીઓની વ્યૂહાત્મક સંચાર ક્ષમતામાં વધારો કરવાનો છે, જેથી તેઓ અસરકારક સંચાર યોજનાઓ ડિઝાઇન કરી શકે, મીડિયા નૅરેટિવ્સનું મોનિટરિંગ કરી શકે અને ડિજિટલ પ્લેટફોર્મનો અસરકારક ઉપયોગ કરી શકે.
તાલીમના મહત્વ અંગે
માહિતી નિયામક કે. એલ. બચાણીએ જણાવ્યું હતું કે, આજના ઝડપી બદલાતા મીડિયા જગતમાં રાજ્ય સરકાર દ્વારા પ્રચાર-પ્રસારને વધુ મજબૂત બનાવવા અને માહિતી વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓના જ્ઞાન અને કુશળતામાં વધારો કરવા માટે MICA સાથે એક સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો છે.
આ MoU અંતર્ગત MICA દ્વારા તાલીમ કાર્યક્રમ દરમિયાન માહિતી વિભાગના અધિકારીઓને વ્યૂહાત્મક સાધનો પ્રદાન કરવામાં આવશે, જે પારદર્શકતા,એકસૂત્રતા અને સરકારી યોજનાઓના પ્રભાવને વધારવામાં સહાયરૂપ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં માહિતી નિયામકએ કહ્યું હતું કે, સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મની વધતી જતી અસર સાથે રાજ્ય સરકારે પણ ડિજિટલ અને સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા વધુ પ્રભાવશાળી, સ્પષ્ટ અને સુલભ બનવાની દિશામાં અનેક પગલા ભર્યા છે. આ તાલીમ દ્વારા અમારાં અધિકારીઓને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ, પ્રોત્સાહક પહેલો અને નીતિઓને અસરકારક રીતે જનતાને પહોંચાડવાની કુશળતા પ્રાપ્ત થશે.
સાથે જ, ખોટી માહિતી સામે હકીકતલક્ષી માહિતી નાગરિકો સુધી સાતત્યતાપૂર્ણ રીતે પહોંચાડવા માટે યથાસંભવ યોગ્ય પગલા લેવાની સમજણ પણ મળશે. આ પહેલ સરકારના પ્રચાર-પ્રસારના પ્રયત્નોને વધુ મજબૂત બનાવશે અને ગુજરાતમાં નાગરિક કેન્દ્રિત શાસનદૃષ્ટિને પ્રોત્સાહન આપશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
MICAના પ્રોફેસરો અને મીડિયા, સંચાર તેમજ જનસંપર્ક ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા વિવિધ વિષયો પર તાલીમમાં માર્ગદર્શન આપવામાં આવશે. ઇન્ટરએક્ટિવ સત્રો અને કેસ સ્ટડીના માધ્યમથી અધિકારીઓના જ્ઞાન અને લેખન કૌશલ્યમાં વૃદ્ધિ થશે. આ પહેલ રાજ્યના ડિજિટલ સશક્તિકરણ અને અસરકારક જાહેર સંચાર દ્વારા સુશાસનને વધુ મજબૂત બનાવવાની દિશામાં સહાયરૂપ થશે.