અરવલ્લી જિલ્લા પંચાયતના માર્ગ- મકાન વિભાગમાં આચરવામાં આવેલા કૌભાંડનો ઓડિટમાં પર્દાફાશ થયા બાદ જિલ્લાભરમાં જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્યના મંત્રીએ આ બાબતે ગાંધીનગરમાં સરકારનું ધ્યાન દોરી તપાસ થશે તેવું જણાવ્યું હતુ. જ્યારે જિલ્લા કોંગ્રેસે આ મુદ્દે આક્રમક કાર્યક્રમો આપવાનું જણાવ્યું છે.
અરવલ્લી જિલ્લામાં અધિકારીરાજ પ્રવર્તતું હોય તેમ ચૂંટાયેલા જનપ્રતિનિધીઓની રજૂઆતો કે ફરિયાદો ધ્યાને લેવામાં આવતી ન હોવાની લાગણી જોવા મળે છે. જિલ્લાના કોઈ વિભાગમાં ભ્રષ્ટાચાર કે કૌભાંડની રજૂઆત લઈને જનપ્રતિનિધીઓ જાય ત્યારે અધિકારીઓ તેમની ફરિયાદોનો ડૂચો વાળી ડસ્ટબિનમાં ફેંકી દેતાં હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આવામાં ભ્રષ્ટ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો- એજન્સીઓને ઘી-કેળાં હોવાની સ્થિતિ સર્જાઈ છે. બેફામ બનેલા અધિકારીઓને કોઈની લગામ જ ન હોય તેવી ખાડે ગયેલી પરિસ્થિતિ નિર્માણ પામી હોવાની લાગણી લોકોમાં પ્રવર્તી રહી છે. જિલ્લા સેવા સદનમાં ચાલતી ચર્ચાઓ પ્રમાણે ટુંકા ગાળામાં મલેશીયા અને સિંગાપોરનો પ્રવાસ કરનારા અધિકારીની સરકાર ખાનગી રાહે તપાસ કરાવે તો અનેક મોટા કોન્ટ્રાક્ટરો અને સરકારને ચુનો ચોપડનારી એજન્સીઓની મિલીભગતનો ભાંડો ફુટી શકે તેમ છે. આ અંગે સંદેશ દ્વારા સિલસિલાબદ્ અહેવાલો પ્રસિદ્વ કરાયા બાદ ભ્રષ્ટ અધિકારીઓ દોડતા થયા છે. આ અંગે રાજ્યના મંત્રી અને અરવલ્લી જિલ્લાના વરિષ્ઠ નેતા ભીખુસિંહ પરમારનો ટેલીફોનિક સંપર્ક કરાતાં તેમણે જણાવ્યું કે, સંદેશ દ્વારા પ્રસિદ્વ અહેવાલો મારા ધ્યાનમાં છે. ગાંધીનગર સરકારનું ધ્યાન દોરી તપાસ કરાવીશ તેવું તેમણે જણાવ્યું હતુ. બીજી તરફ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારનો ટેલીફોનીક સંપર્ક કરાતા તેમણે જણાવ્યું કે જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા પાસે માર્ગ- મકાન વિભાગના કૌભાંડોની વિગતો મગાવી છે. આ મામલે કોંગ્રેસ આક્રમકતાથી ભ્રષ્ટ અધિકારીઓનો ભાંડો ફોડશે તેવું તેમણે ઉમેર્યું હતુ. જ્યારે માર્ગ- મકાન પંચાયત વિભાગમાં સ્થળ પર કામો કર્યા વિના જ આજે પણ લાખો- કરોડો રૂપિયાના બિલો બનાવી સરકારની તિજોરી ખાલી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જિલ્લાના ટોચના અધિકારીઓનું ભેદી મૌન બેફામ બનેલા અધિકારીઓ માટે મૂક સંમતિ છે કે કેમ ? તેવા સવાલો જિલ્લાવાસીઓ ઉઠાવી રહ્યા છે.