અમદાવાદ અને અમેરિકાના તબીબોએ બે બાળકીઓને અત્યંત જટીલ એવી સ્કોલિયોસીસ સર્જરી દ્વારા ખુંધની તકલીફથી પીડામુક્ત કરી
દર વર્ષે અમેરિકન તબીબો સાથે આ પ્રકારની સર્જરી કરવા સરકારી સ્પાઇન ઇન્સિટ્યુટ દ્વારા કરાર કરવામાં આવ્યા
૫ થી ૬ કલાક ચાલતી આ સર્જરી ખાનગી હોસ્પિટલમાં અંદાજીત રૂ. ૬ થી ૮ લાખના ખર્ચે થાય છે જે સરકારી હોસ્પિટલમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂર્ણ કરાઇ
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી સરકારી સ્પાઇન ઇન્સિટ્યુટ દ્વારા સ્પાઇનની અત્યંત જટીલ સર્જરી માટે અમેરિકી તબીબોના સહયોગથી બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ગત્ મહિને તા. ૯ અને ૧૦ જાન્યુઆરીએ યોજાયેલ આ વર્કશોપમાં સ્પાઇન ડીફોર્મીટી કરેક્શન એટલે કે કરોડરજ્જુમાં ઉદ્ભવેલ ખામીને દૂર કરવા માટે આ વર્કશોપ હતું.
જેમાં અમેરિકાની સિનસિનાટી ચિલ્ડ્રન હોસ્પિટલના નિષ્ણાંત પીડિયાટ્રિક સ્પાઇન સર્જન ડૉ.વિરલ જૈન, ડૉ.હર્ષ પટેલ અને તેમની તજજ્ઞોની ટીમ તેમજ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેકટર અને નિષ્ણાંત સ્પાઇન સર્જન ડૉ.પિયુષ મિત્તલ,ડો પ્રેરક યાદવ,ડો.રીમા વણસોલા અને તેમની ટીમ દ્વારા સર્જરી હાથ ધરાઇ હતી.
મધ્યપ્રદેશ અને ગુજરાતના બે દર્દીઓમાં રહેલી Scoliosis (ખૂંધ ) ડિફોર્મિટીની કરેક્શન કરવા માટે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સહયોગ કરી સફળ સર્જીકલ કેમ્પનું આયોજન કરાયું હતુ.
અત્યંત જટીલ કહી શકાય તેવી આ સર્જરી કરીને બંને બાળાઓને પીડામુક્ત કરવામાં આવી છે. આ સર્જરીમાં અત્યંત આધુનિક ગણાતા સાધનો જેવા કે ન્યુરોટ્રંસ્મિટર મોનિટર અને Scoliosis ના ખુબજ કિંમતી એવા ઇમ્પ્લાંટસ પણ અમેરિકાની ટીમ દ્વારા સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. આ પ્રકારની સર્જરી ની કિંમત ખાનગી હોસ્પિટલ મા ૬ થી ૮ લાખ રૂપિયા થાય છે. જે સરકારી સ્પાઇન ઇન્સિટ્યુટમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે કરાઇ.
આ સફળ ઉપક્રમથી પ્રેરાઇને હવેથી દર વર્ષે આ પ્રકારનું જોડાણ ચાલુ રાખવાના કરાર પણ કરવામાં આવેલ છે.
આમ સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટએ પ્રકારના જોડાણ થકી રાજ્યમાં મેડિકલ ટુરીઝમને પણ પ્રોત્સાહન મળશે અને આવા પ્રકારના દર્દિઓને વિના મુલ્યે સારવાર મળી રહેશે.
અત્રે નોંધનીય છે કે, સરકારી સ્પાઇન ઇન્સિટ્યુટ દ્વારા સ્કોલિયોશીશ જેવી અત્યંત જટીલ કહી શકાય એવી કુલ ૧૫ જેટલી સર્જરી છેલ્લા એક વર્ષમાં સફળતાપૂર્વક પૂર્ણ કરાઇ છે.
આ સર્જરી જટીલ કેમ ?
સ્કોલિયોસીશ સર્જરી દરમિયાન કરોડરજ્જુ અને નર્વસ સિસ્ટમને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તેની સાવચેતી રાખીને આ પ્રકારની ખુંધ સાજી કરવાની સર્જરી કરવામાં આવતી હોય છે. જેમાં ન્યુરોમોનીટરીંગની પણ સતત જરૂર પડે છે.
સ્કોલિયોસીશની એક સર્જરી પૂર્ણ થતા અંદાજીત 5 થી 6 કલાકનો સમય લાગે છે. આ સર્જરી દરમિયાન અન્ય નસોને પણ નુકશાન થવાનું રીસ્ક રહેલું હોય છે. માટે આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને આ પ્રકારની સ્કોલિયોસીશ સર્જરી કરવામાં આવે છે જે ખુબ જ જટીલ અને પડકારજનક છે.