ગાંભોઈથી 15 કિલોમીટર દૂર આવેલ અડપોદરા ગામે ડુંગરોની ગિરિમાળામાં આવેલ ઝાલા બાવજીના મંદિરે રવિવારે ભવ્ય મેળો ભરાયો હતો. આ મેળામાં આસપાસના વિસ્તારોમાંથી મોટી જનમેદની ઉમટી પડી હતી.
મેળાને પગલે માર્ગો ઉભરાયા હતા અને ચાર કિમી સુધી ટ્રાફિક જામ થયો હતો. હજારો ભક્તોએ ઝાલા બાવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગાંભોઈ પાસેના અડપોદરા ગામની પાદરે આવેલા ઝાલા બાવજી મંદિરે દર વર્ષની જેમ ભાદરવા મહિનાના બીજા રવિવારે ભવ્ય લોક મેળો ભરાયો હતો. લોક સંસ્કૃતિથી ઉભરાતા આ લોકમેળામાં સાબરકાંઠા જિલ્લા ઉપરાંત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને મેળાની મજા માણી હતી. ગ્રામ્ય વિસ્તારના લોકો અબોલા પશુધનને રોગચાળા સામે રક્ષણ આપવા ઝાલા બાવજીને ચોખ્ખા ઘીનો દીવો ધરી બાધા પૂર્ણ કરતા હોય છે. રવિવારે મેળામાં હજારોની જનમેદની મેળામાં ઉમટી પડતાં ચાર કિમી સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પોલીસ તંત્ર ટ્રાફિક નિયમનમાં નિષ્ફળ રહેતાં લોકોમાં રોષ ઉભો થયો હતો. મેળામાં અડપોદરા પાટીદાર સમાજ યુવક મંડળના યુવકો દ્વારા મોટીસંખ્યામાં ઉમટેલા શ્રાધ્ધાળુઓ માટે પીવાના પાણીની સેવા કરવામાં આવી હતી