Daily Newspaper

દ્વારકા પદયાત્રીઓના સેવાર્થે જામનગરમાં યોજાયેલા કેમ્પોની મુલાકાત લેતા કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા

દ્વારકા પદયાત્રીઓના સેવાર્થે જામનગરમાં યોજાયેલા કેમ્પોની મુલાકાત લેતા કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા

જામનગર , દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જઈ રહ્યા છે. ત્યારે તેમના સેવાર્થે સેવાભાવીઓ દ્વારા સેવાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી મુળુભાઈ બેરાએ વિવિધ કેમ્પોની મુલાકાત લીધી હતી.

મંત્રીશ્રીએ સ્વામી નારાયણ મંદિર પાસે અગ્રણી વિજયભાઈ નંદાણીયા દ્વારા આયોજિત રાધે ક્રિષ્ના પદયાત્રા સેવા કેમ્પની તથા ન્યારા કંપની દ્વારા આયોજિત પદયાત્રી સેવા કેમ્પની મુલાકાત લીધી હતી. ન્યારા કંપની દ્વારા અંબાજી પગપાળા યાત્રાની જેમ દ્વારકા પગપાળા યાત્રાના માર્ગો પણ પ્લાસ્ટિક મુક્ત બને તે હેતુથી અગ્રણીઓ, વિવિધ કંપનીઓ, નગરપાલિકાઓ, જિલ્લા વહીવટી તંત્ર અને લોકોના સહયોગથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સેવા કેમ્પો બંધ થયે જે કચરો હશે તેનો પણ તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા નિકાલ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પણ વિવિધ જગ્યાએ પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળવાના બેનરો લગાવવામાં આવ્યા છે. તેમજ ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ન કરવા જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મંત્રી મુળુભાઈ બેરાએ સેવા કેમ્પોની મુલાકાત લઈ આયોજકોની કામગીરી અને મહેનતની પ્રશંસા કરી હતી. તેમજ દ્વારકા પગપાળા યાત્રાને ઝીરો વેસ્ટનો ઉદ્દેશ બનાવવા તેમજ સ્વચ્છતા જાળવવા મંત્રીએ અપીલ કરી હતી. ફૂલડોલ ઉત્સવમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી મંત્રીએ યાત્રા શાંતિપૂર્વક પૂર્ણ થાય તેમજ સાવચેતી અને સલામતી સાથે ચાલવા પણ જણાવ્યું હતું.

Shivkumar Sharma

error: Content is protected !!