અરવલ્લી જિલ્લામાં એક જ દિવસમાં ગાંજાના બે કેસ કરવામાં આવ્યા હતા. જેમાં માલપુરના પરસોડા ગામે એક શખ્સના પાછળ વાવેતર કરેલ ગાંજાનો છોડ મળી આવ્યો હતો. અન્ય એક કેસમાં મોડાસા નજીક બસમાંથી એક શખ્સ પાસેથી બે કિલો જેટલો ગાંજો જપ્ત કરાયો હતો. આ મામલે પોલીસે અલગ-અલગ બે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અરવલ્લી એલસીબી ટીમે બાતમીના આધારે માલપુરના પરસોડા ગામેથી ગાંજાનું વાવેતર ઝડપી લીધુ હતું. પરસોડા ગામે પટેલ ફળીમાં રહેતા અભુ ઉર્ફે ફુલા હીરાભાઈ ખાંટે ઘર પાછળ ગાંજાનું વાવેતર કર્યુ હોવાની બાતમી મળતાં પોલીસે પંચો, વિડીયોગ્રાફરને સાથે રાખી છાપો માર્યો હતો. દરમ્યાન આ શખ્સના ઘર પાછળ ગાંજાનો એક છોડ વાવેતર કરાયેલ હોવાનું સામે આવ્યુ હતું.
પાંચ કિલો 560 ગ્રામનો અને 55600 રૂપિયાની કિંમતનો છોડ જપ્ત કરી અભુ ઉર્ફે ફુલા ખાંટ વિરૂધ્ધ માલપુર પોલીસ સ્ટેશનમાં નોરકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિકની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અરવલ્લી એસઓજી ટીમે પણ મોડાસા-શામળાજી હાઈવે પર એક બસમાંથી બે કિલો 820 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. બાતમીને આધારે એસઓજી ટીમે ગાજણ નજીક વૉચ ગોઠવવામાં આવી હતી અને બસમાં તપાસ કરતાં એક શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે બે કિલો 820 ગ્રામ ગાંજો જપ્ત કરી આ મામલે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં દેશી અને વિદેશી દારૂ બાદ માદક પદાર્થોની પણ હેરાફેરી વધતાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા થવા લાગ્યા છે.