દિલ્હીમાં રાજકિય રેલીને સંબોધતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આક્રમક મોડમાં જોવા મળ્યા હતા. આ રેલી દરમિયાન જનસભાને સંબોધતા તેઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આડે હાથ લીધા હતા. યમુના નદીની વણસેલી સ્થિતિ મુદ્દે યોગીએ પોતાના વાકબાણ છોડ્યા હતા. આમ આદમી પાર્ટીએ જનતાને માત્ર ઠાલા વચનો આપ્યા હોવાનુ પણ જણાવ્યુ હતુ. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સીએમ યોગી મેદાને ઉતર્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જનમેદની સંબોધી રહ્યા છે. તેમની પ્રથમ જનસભા કિરાડી વિધાનસભા ક્ષેત્રમાં યોજાઇ હતી. યોગી આદિત્યનાથે પોતાના ભાષણની શરુઆત પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના નામે કરી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે, મહાકુંભમાં કરોડોની સંખ્યામાં ભક્તો આવે છે. તેમ છતાં અહીં સ્વચ્છતા, વીજળી, પાણી અને યોગ્ય માર્ગ પરિવહનની સુવિધા જોવા મળે છે.
યમુનામાં સ્નાન કરવાનું સાહસ છે? : યોગી
સીએમ યોગીએ વધુમાં જણાવ્યુ હતુ કે, અરવિંદ કેજરીવાલ અને તેમની સરકારે યમુના નદીને પ્રદુષિત કરી છે. સીએમ યોગીએ પડકાર આપતા કહ્યુ હતુ કે શુ કેજરીવાલ અને તેમના કેબિનેટ મંત્રીઓમાં સાહસ છે કે તેઓ યમુના નદીમાં ડુબકી લગાવી શકે અને સ્નાન કરી શકે. પવિત્ર નદી યમુનાને દિલ્હી સરકારે એક ગંદુ નાળુ બનાવી દિધુ છે.
સીએમ કેજરીવારના ખોટા વચનો : યોગી
સીએમ યોગીએ પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમના નેતાઓએ દિલ્હીના લોકો સાથે દગાબાજી કરી છે. અહીં રસ્તાઓમાં ખાડા પડ્યા છે કે ખાડાઓમાં રસ્તાઓ છે. તે જાણી શકાય નહી. આમ આદમી પાર્ટી માત્ર જુંઠાણુ જ ફેલાવી રહી છે. જનતાની સાથે કેજરીવાલે પોતાના ગુરુ અન્ના હજારેને પણ દગો આપ્યો છે. આ બધા ખોટા વચનોને જોતા દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલને માફ નહી કરે. એક તરફ કચરાનો મોટો ઢગલો છે તો બીજી તરફ પાણીનું સંકટ. આ તમામ દુષણોને ખતમ કરવાના સ્થાને કેજરીવાલ એંડ કંપની માત્ર સોશિયલ મીડિયામાં વચનોની લ્હાણી કરે છે. સોશલ મીડિયામાં જેટલો દેખાડો આમ આદમી પાર્ટી કરે છે જો એટલુ જ કામ હકીકતમાં કરી લે તો દિલ્હીની સ્થિતીમાં તમામ સુધારા જોઇ શકાશે.