Daily Newspaper

ગુજરાતના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓને ગુણવત્તાયુક્ત અને વર્લ્ડ ક્લાસ બનાવી NABH અને JCIના એક્રિડેશન માટેની નેમ વ્યક્ત કરતા આરોગ્ય મંત્રી

ગુજરાતના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓને ગુણવત્તાયુક્ત અને વર્લ્ડ ક્લાસ બનાવી NABH અને JCIના એક્રિડેશન માટેની નેમ વ્યક્ત કરતા આરોગ્ય મંત્રી

 

અમદાવાદ, : સિવિલ મેડિસીટીની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ‘ગ્લોબલ હેલ્થ – ટ્રાન્સફોર્મિંગ લાઈવ્સ બિયોન્ડ હોરાઈઝન્સ’ વિષય પર આયોજિત કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “હોલિસ્ટિક અને અફોર્ડેબલ હેલ્થકેર ફોર ઓલ” ની સંકલ્પ પૂર્તિ માટે ગુજરાત સંકલ્પબધ્ધ છે.
‘ગ્લોબલ હેલ્થ – ટ્રાન્સફોર્મિંગ લાઈવ્સ બિયોન્ડ હોરાઈઝન્સ’ના પ્લેટફોર્મ થકી આજે દેશ અને વિશ્વના વિવિધ પબ્લિક તેમજ કોર્પોરેટ હોસ્પિટલના એમ્બેસેડર તેમજ ફોરેન ડેલિગેટ્સ એક મંચ પર ઉપસ્થિત થયા છે ત્યારે આરોગ્ય ક્ષેત્રને લઈને થયેલી ચર્ચા નવીન ઉકેલોનો માર્ગ સરળ બનાવશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ભારત અને ગુજરાતના મેડિકલ ટુરિઝમ અંગે વાત કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે, આજે ભારત અને એમાંય ગુજરાત રાજ્ય ઝડપથી મેડિકલ ટુરિઝમના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.
વર્ષ ૨૦૨૨માં ભારતનો મેડિકલ ટુરિઝમ ક્ષેત્ર $9 બિલિયનનો હોવાનો અંદાજ હતો, જેમાં દર વર્ષે ૭૮ દેશોમાંથી આશરે ૨૦ લાખ દર્દીઓ તબીબી, સુખાકારી અને IVF સારવાર માટે ભારતમાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદ મેડિકલ ટુરિઝમ માટે એક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે, જે સસ્તા દરે ગુણવત્તાયુક્ત તબીબી સારવાર પ્રદાન કરે છે.
આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, ભારતમાં મોટાભાગના તબીબી પ્રવાસીઓ દક્ષિણપૂર્વ એશિયા, મધ્ય પૂર્વ, આફ્રિકા અને સાર્ક પ્રદેશમાંથી આવે છે. આ ઉપરાંત અમેરિકા, આફ્રિકા અને યુકેના દર્દીઓ તબીબી સારવાર માટે ભારત આવે છે, જેમાં હૃદય રોગ, ઓર્થોપેડિક રોગો અને જઠરાંત્રિય રોગોનો સમાવેશ થાય છે.

ગુજરાતના મેડિકલ ટુરીઝમ અંગે વાત કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ગુજરાતનો મેડિકલ ટુરીઝમ ઉદ્યોગ વાર્ષિક ૩૦ ટકાના દરે વિકાસ પામી રહ્યો છે. એટલું જ નહી, ગુજરાત રાજ્ય ભારતના મેડિકલ ટુરીઝમ ક્ષેત્રમાં ૨૫-૩૧ ટકા યોગદાન આપે છે.
તેમણે વધુમાં કહ્યું કે, અત્યાધુનિક હોસ્પિટલો, અદ્યતન ટેકનોલોજી અને હાઈલી સ્કીલ મેડિકલ પ્રોફેશનલ્સને કારણે ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મેળવવા માંગતા લોકો માટે ગુજરાત એક એટ્રેકટીવ ડેસ્ટિનેશન બન્યુ છે. એટલુ જ નહીં, ગુજરાતની ઘણી હોસ્પિટલો નોન – રેસીડેન્ટ ગુજરાતીઓ (NRG) અને આંતરરાષ્ટ્રીય દર્દીઓને સેવા આપવાનો વ્યાપક અનુભવ ધરાવે છે. આમ, રાજયની ઘણી હોસ્પિટલોએ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને વૈશ્વિક માન્યતાઓ મેળવી છે.

આ તકે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓને ગુણવત્તાયુક્ત અને વર્લ્ડ ક્લાસ બનાવી NABH (National Accreditation Board For Hospital And Healthcare Providers) અને JCI(Joint Commission international) ના એક્રિડેશન માટેની નેમ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ચિરાગ દોશીએ યુ.એન મહેતા ઇન્સ્ટીટ્યુટની શરૂઆતથી માંડીને હાલના વિકાસ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં રોબોટિક્સ ટેકનોલોજીમાં વધારો થઈ રહ્યો છે અને રોબો-કાર્ડિયાક સર્જરીને વિકસાવવામાં આવી રહી છે.

આજે યુ.એન.મહેતા હોસ્પિટલ દેશમાં સૌથી વધુ કાર્ડીયાક ICU બેડ ધરાવતી હોસ્પિટલ બની છે સાથેજ યુ.એન મહેતા હોસ્પિટલ પશ્ચિમી દેશોમાં આજે ટોચનું સ્થાન ધરાવે છે અને ભારતમાં ટોપ દસ હોસ્પિટલો પૈકી એક હોસ્પિટલ બની છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસના વાઇસ ચાન્સેલર પ્રાંજલ મોદીએ GUTSનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેમાં તેમણે GUTS(ગુજરાત યુનિવર્સિટીઝ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાઇન્સીઝ) દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અને ભવિષ્યમાં અમલી બનનારા કોર્સિસ અને કિડની ઇન્સ્ટીટ્યુટના ભવિષ્યના આયોજન વિશેનો ચિતાર રજૂ કર્યો હતો.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતુ કે, વર્ષ-૨૦૨૪ માં ૪૪૩ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનારી કિડની ઇન્સ્ટિટ્યુટ સરકારી સંસ્થાઓમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે રહી છે. અને ગુજરાતભરમાં ડાયાલિસિસ સંદર્ભે આ સંસ્થાએ ૨૭૦ હોસ્પિટલોમાં ૩૨૫ મશીન વિકસાવી ઉમદા કાર્ય કરવાની કામગીરી કરી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૬ દેશોના, તેમજ દેશના ૧૪ રાજ્યોના પ્રતિનિધિઓ અને એમ્બેસેડર ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યકમમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ, સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ અને હેલ્થકેર સર્વિસ સાથે જોડાયેલ તબીબો અને મહાનુભાવો, ઉપસ્થિત રહ્યાં હતા.

Shivkumar Sharma

error: Content is protected !!