સાણંદ અને બાવળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ અમદાવાદ મહાનગરપાલિકા ઘાટલોડીયા વોર્ડની પેટા ચૂંટણી યોજવા તંત્ર સજ્જ
અમદાવાદ જિલ્લા કલેકટર સુજીત કુમારે જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. કલેક્ટરશ્રીએ બાવળા અને સાણંદ ખાતે ના મતદાન મથકો ડિસ્પેચિંગ અને રીસીવિંગ સેન્ટર્સની રુબરુ મુલાકાત લઈને સમગ્ર વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લા કલેકટરશ્રીએ બાવળા ખાતે સી. એમ. અમીન શાળામાં આવેલા ડિસ્પેચિંગ અને રીસીવિંગ સેન્ટર તેમજ મતદાન મથકોની જાત સમીક્ષા કરીને વહીવટી તંત્રને આવશ્યક સૂચનો કર્યા હતા.
બાવળા નગરપાલિકાના ૭ વોર્ડ માટે સામાન્ય ચૂંટણી યોજાવાની છે, આ માટે ૨૯ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટર શ્રી એ સાણંદ ખાતે સી એ પટેલ પ્રાથમિક શાળા, જે ડી મંગળદાસ કન્યા વિદ્યાલય તેમજ ન્યૂ એરા હાઈ સ્કૂલ ખાતે આવેલા મતદાન મથકોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને વહીવટી તંત્રને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સાણંદ નગરપાલિકાના ૭ વોર્ડ માટે સામાન્ય ચૂંટણી યોજાવાની છે, આ માટે ૩૬ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના ઘાટલોડિયા વોર્ડ ની એક બેઠક માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે. ઘાટલોડિયા વોર્ડમાં ૭૮ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.
અમદાવાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત તમામ મતદાન મથકો માટે EVM મશીન, જરૂરી સાધન સામગ્રી, સ્ટેશનરી સાથે ચૂંટણી કર્મચારી – સ્ટાફને શુક્રવારે ખાતેથી રવાના કરવામાં આવ્યા હતા.
સાણંદ અને બાવળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ અમદાવાદ મહાનગરપાલિકા ઘાટલોડીયા વોર્ડની પેટા ચૂંટણી યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ તેવો મત કલેક્ટરશ્રીએ વ્યક્ત કર્યો હતો.