Daily Newspaper

જામનગરમાં જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ

જામનગરમાં જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ

 

જામનગર, : જામનગર જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જામનગર ખંભાળિયા હાઇવે સ્વામિનારાયણ મંદિરથી આગળ જતા ખુલ્લા ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા અને જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ સાથે ૯ જેટલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિનના પાવન પર્વે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા નામી- અનામી સ્વાતંત્ર્યસેનાનીઓને હું કોટિ-કોટિ નમન કરું છું. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ડો.બાબાસાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાનામાં નાના નાગરિકોએ રાષ્ટ્ર-નિર્માણમાં યત્કિંચિંત યોગદાન આપ્યું છે.

આજના દિવસે આપણે બંધારણ અપનાવ્યું હતું. આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણા દૂરંદેશી બંધારણ-નિર્માતાઓએ બદલાતા સમયની જરૂરિયાતોને અનુરુપ નવા વિચારો અપનાવવાની વ્યવસ્થા પૂરી પાડી હતી. આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સર્વસમાવેશી વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વકાંક્ષી લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે. બંધારણ આપણા લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો છે. તેની પ્રસ્તાવના – “આપણે, ભારતના લોકો” શબ્દથી શરૂ થાય છે, જે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પ્રાણ છે.

સ્વતંત્રતાના પંચોતેર વર્ષ પૂર્ણ થતાં આપણે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવ્યો. ગત વર્ષે ૨૬ જાન્યુઆરીએ, આપણે આપણા પ્રજાસત્તાકની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી પણ કરી. આ પ્રકારની ઉજવણીના પ્રસંગો આપણને રાષ્ટ્રની વિકાસ-યાત્રાનું સ્મરણ કરાવે છે.

રાષ્ટ્ર-નિર્માણમાં ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વવંદનીય મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ અને અહિંસાના શસ્ત્ર વડે બ્રિટિશ સલ્તનતને ઝુકાવી, સમગ્ર વિશ્વને પ્રેરણા પુરી પાડી. જ્યારે સરદાર પટેલે મુત્સદ્દીગીરીથી અખંડ ભારતના નિર્માણનો માર્ગ મોકળો કર્યો. આઝાદીના જંગમાં ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ અને બટુકેશ્વર દત્ત જેવા અનેક ક્રાંતિકારીઓએ પ્રાણની આહુતિ આપીને આપણને આ મહામૂલી આઝાદીની ભેટ ધરી.

Shivkumar Sharma

error: Content is protected !!