મોંઘવારીને કાબુમાં લેવા તથા ભાવવધારાને રોકવા સામે કેન્દ્ર સરકારે રાતોરાત ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકી દેતા સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશભરના ડુંગળી ઉત્પાદક રાજ્યોમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. સોમવારથી અનેક માર્કેટયાર્ડોમાં ડુંગળીના વેપાર બંધ કરવાનું એલાન આપવામાં આવ્યું છે. આવક-હરરાજી બંધ થઇ જશે.
કેન્દ્ર સરકારે રાતોરાત ડુંગળીની નિકાસબંધી લાગૂ કરતા ભાવ એક જ ઝાટકે 25 ટકા જેટલા ઘટી ગયા છે. એક વેપારીએ કહ્યું કે ગઇકાલ સુધી રૂા.700-800ના ભાવે વેચાતી ડુંગળીના આજે 500થી 600 બોલાયા હતા. ખેડૂતોમાં જબરો દેકારો-ઉહાપોહ હતો. વેપારીઓમાં પણ તીવ્ર પ્રત્યાઘાતો હતા તેને પગલે ગુજરાત સહિતના યાર્ડોમાં વેપારબંધ કરી દેવાનો નિર્ણય થયો છે. રાજકોટ યાર્ડમાં પણ સોમવારથી ડુંગળીની આવક-હરરાજી-વેપાર બંધ થઇ જશે. આજથી જ વેપાર બંધ કરવાનો મિજાજ હતો પરંતુ ખેડૂતો માલ લઇને આવી ગયા હોવાથી તેઓને હેરાનગતિ ન થાય તે માટે ચાલુ રાખવામાં આવી છે.
ગોંડલ, મહુવા, જેતપુર, ભાવનગર સહિતના યાર્ડોમાં ડુંગળીના વેપાર ખોરવનાર છે. વેપારીઓએ કહ્યું કે રાજકોટ-સૌરાષ્ટ્રની ડુંગળી દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં જાય છે. દરરોજ સરેરાશ 20 હજાર ગુણીના વેપાર થતા હોય છે. મહારાષ્ટ્ર જેવા મોટા ઉત્પાદક રાજ્યોમાં પણ હડતાળ પડવાની છે.
વેપારીઓ દ્વારા કેન્દ્ર સરકારના નિકાસબંધીના નિર્ણયને તઘલખી ગણાવ્યો છે. વેપારીઓએ કહ્યું કે નવી આવકો શરુ થતાં દિવાળી બાદ ભાવ ઘટી જ ગયા હતા અને ઘટવામાં જ હતા ત્યારે રાતોરાતનો આ નિર્ણય બીનજરૂરી છે. વ્હેલીતકે પાછો ખેંચાવો જોઇએ.
ડુંગળીના મોટા મથક એવા ભાજપ શાસિત મહુવા માર્કેટયાર્ડના પ્રમુખ ઘનશ્યામ પટેલે તો મોદી સરકારને વિરોધનો પત્ર પાઠવીને નિકાસબંધી રદ કરવાની માંગણી કરી હતી. ભારતની સૌથી મોટી મંડી-મથક ગણાતા નાસિકમાં તો કિસાનો ઉશ્કેરાઇને રસ્તા પર ઉતરી પડ્યા હતા. જેઓને કાબુમાં લેવા લાઠીચાર્જ કરાયો હતો.