Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

કોરોના પછી બે વર્ષ બાદ સ્થિતિ સામાન્ય થતાં પરંપરા મુજબ પલ્લી ભરાશે

સવેરા ગુજરાત, ગાંધીનગર,તા.૨
પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયની માતાની પલ્લીની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે. પ્રતિવર્ષ નવમા નોરતે માતાની પલ્લી ભરાય છે. દર વર્ષે લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયીની માતાજીની પલ્લી ગયા વર્ષે કોરોનાને કારણે થોડા લોકોની હાજરીમાં જ કાઢવામાં આવી હતી, ગામના અન્ય લોકોએ પણ પોતાના ઘરો કે ચોકમાં ઊભા-ઊભા જ પલ્લીના દર્શન કરી લીધા હતા. જ્યારે ગામના ૨૭ ચોકમાં પ્રતિકાત્મક રીતે ઘીને અભિષેક કરાયો હતો. ત્યારે આ વખતે સ્થિતિ સામાન્ય થતાં રૂપાલની પલ્લીનું વિધિવત રીતે આયોજન કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. બે વર્ષ બાદ સ્થિતિ સામાન્ય થતાં આ વર્ષે પરંપરા મુજબ વરદાયની માતાજીની પલ્લી ભરાશે. આ વખતે ૪ ઓક્ટોબરના રોજ આસ્થાની સાથે કોમી એકતાના પ્રતિકસમા રૂપાલનો આ પલ્લી મેળો યોજાશે. આ વખતે માતાજીના દર્શન કરવા માટે ૮ લાખ જેટલા ભક્તો આવે તેવી શક્યતાઓ છે. તેથી આ ધાર્મિક કાર્યક્રમમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. દર વર્ષે આસો સુદ નૌમના દિવસે ગાંધીનગરના રૂપાલ ગામમાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઉમટે છે. ગામના તમામ કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉમંગથી માના કામમાં લાગી જાય છે. આ ઉત્સવ હોય છે માતાજીની પલ્લીનો. દેશભરમાં માતા વરદાયીનીની પલ્લી પ્રખ્યાત છે. આ પલ્લીમાં હજારો-લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. ધાર્મિક મહત્વની સાથે આ પલ્લી કોમી એખલાસના પણ દ્રશ્યો પાડે છે.કહેવાય છે કે માતા વરદાયીની તમામ દુઃખ દર્દ દૂર કરનારી અને ભક્તોની મનોકામના પૂર્ણ કરનારી દેવી છે. માતા વરદાયીના સ્મરણ માત્રથી ભક્તોના તમામ કષ્ટનો સંહાર થઈ જાય છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આવેલું માતા વરદાયીનું મંદિર અંતિ પ્રાચીન અને અલૌકિક છે. કહેવાય છે કે અહીં માતાજી સૃષ્ટીના નિર્માણ સમયથી જ બિરાજમાન છે. આદ્યશક્તિના નવ સ્વરૂપો પૈકી દ્રીવતિય સ્વરૂપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરૂપે રૂપાલમાં માતા વરદાયીની બિરાજમાન છે.પલ્લીની શરૂઆત વણકર ભાઈઓ દ્વારા થાય છે. પલ્લી બનાવવા માટે વણકર ભાઈઓ પલ્લી બનાવવા માટે ખીજડાનું લાકડું લાવે છે. ત્યારબાદ સુથાર ભાઈઓ પલ્લીનું નિર્માણ કરે છે. વાણંદ ભાઈઓ વરખડાના સોટા પલ્લીને બાંધે છે. કુંભાર ભાઈઓ કુંડા છાન્દે છે અને મુસ્લિમ સમાજના પિંજારા ભાઈઓ કુંડામાં કપાસ પુરી છે. જ્યારે પટેલ સમાજના લોકો પલ્લીની પૂજા આરતી કરી કૂંડામાં અગ્નિ પ્રગટાવે છે. પલ્લીની આગળ ક્ષત્રિય સમાજના ચાવડા ભાઈઓ ખુલ્લી તલવારે ઉપસ્થિત રહે છે. તો પંચોલ સમાજના લોકો માતાજીના નિવેદ માટે સવા મણનો ખીચડો તૈયાર કરે છે. ત્યારબાદ વાજતે ગાજતે પલ્લીની શરૂઆત થાય છે. પલ્લી સમગ્ર યાત્રા દરમિયાન ૨૭ ચકલાઓ આગળ ઉભી રાખવામાં આવે છે જ્યાં લાખો ભક્તો ઘીનો અભિષેક કરે છે. સમગ્ર ગામમાં ફર્યા બાદ આરતી અને પૂજા અર્ચના બાદ પલ્લી પૂર્ણ થાય છે. આ પલ્લીના દર્શન માટે ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દેશ બહાર અમેરિકા, લંડનથી પણ ભાવિક ભક્તો ઉમટે છે.

Related posts

કૌટુંબિક વિવાદો ટળે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજના

saveragujarat

ત્રીજી લહેર ‘ઢીલી’ પડ્યાના સંકેત : ગુજરાતમાં કોરોનાના નવા 13805 કેસ સામે 13469 દર્દીઓ સાજા થયા

saveragujarat

ચીનમાં એક રેસ્ટોરન્ટમાં ભયાનક વિસ્ફોટ, ૩૧ લોકોના મોત થયા

saveragujarat

Leave a Comment