Savera Gujarat
Other

ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી કરજો, કાયદાનું ઉલ્લંઘન ન થાય તેનું ખાસ રાખજો ધ્યાન: પોલીસ કમિશનર

રાજકોટ, તા.29
નાના બાળકથી માંડી અબાલવૃદ્ધ સૌ કોઈના પ્રિય એવા દુંદાળા દેવ બુધવારથી વાજતે-ગાજતે પધારી રહ્યા છે ત્યારે ગણપતિ દાદાનું ગ્રાન્ડ વેલકમ કરવા માટે રાજકોટીયન્સમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. પાછલા બે વર્ષ કોરોનાને કારણે ‘પાબંદી’ વચ્ચે ગણેશોત્સવની ઉજવણી કરાયા બાદ આ વર્ષે કોરોનાએ ‘પોરો’ ખાધો હોવાથી લોકો મન ભરીને આ તહેવારને માણવા માટે આતૂર બન્યા છે.આ વર્ષે રાજકોટમાં 250થી વધુ જગ્યાએ ગણેશોત્સવના પંડાલ ઉભા કરવામાં આવનાર છે ત્યારે તેના આયોજકો સાથે પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઈમ સહિતના ઉચ્ચ અધિકારીઓએ બેઠકનું આયોજન કરાયું હતું જેમાં 250 જેટલા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પોલીસ કમિશનરે આયોજકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી કરજો પરંતુ તેમાં કાયદાનું ઉલ્લંઘન ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. પોલીસ કમિશનર દ્વારા સૌથી પહેલાં આયોજકોના સુચનો અને રજૂઆત સાંભળવામાં આવી હતી.આ પછી વિસ્તૃત સંબોધન કરીને ગણેશોત્સવની ઉજવણી કેવી રીતે કરવી તેની ‘માર્મિક’ સમજણ આપવામાં આવી હતી જે સાંભળીને સૌ આયોજકોએ પોલીસ કમિશનરને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. પોલીસ કમિશનરે જણાવ્યું કે તહેવારોની ઉજવણી કરવી જ જોઈએ અને તે આપણી સંસ્કૃતિ છે પરંતુ ઉજવણી કરતી વખતે કોઈની લાગણીને ઠેસ ન પહોંચી જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમણે કહ્યું કે શહેરમાં જેટલા સ્થળ ઉપર ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હશે ત્યાંના આયોજકોને પોલીસનો પૂરતો સહકાર મળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.આ ઉપરાંત પ્રસાદવિતરણ સમયે ટ્રાફિકજામ ન સર્જાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવા આયોજકોને પોલીસ કમિશનરે અપીલ કરી હતી. એકંદરે સુવ્યવસ્થિત રીતે કાર્યક્રમ આયોજિત કરવા તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત કોઈ પંડાલમાં અફડાતફડી ન સર્જાય તે માટે ખાસ વોચ રાખવામાં આવશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. પોલીસ કમિશનર સાથેની બેઠકમાં લગભગ મોટાભાગના આયોજકોની રજૂઆત મૂર્તિની હાઈટમાં વધારો કરવા તેમજ 10ની જગ્યાએ 12 વાગ્યા સુધી મ્યુઝિક વગાડવા અંગેની કરવામાં આવી હતી.જેનો તેમણે વ્યવસ્થિત પ્રત્યુત્તર આપીને કાયદાનું ચુસ્ત પાલન કરવાની ટકોર પણ કરી હતી. તેમણે ભારપૂર્વક એવી અપીલ પણ કરી હતી કે ગણેશોત્સવ દરમિયાન ડી.જે. ઉપર અમુક અમુક ગીતો વાગતા હોય છે તે બિલકુલ વ્યાજબી નથી એટલા માટે આયોજકોએ કોઈની લાગણીને ઠેસ પહોંચે તેવા ગીતો વગાડવા ન જોઈએ. આ બેઠકમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સ્પેશ્યલ પોલીસ કમિશનર ખુરશીદ અહમદ, ડીસીપી ક્રાઈમ ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ બી.બી.બસીયા, એસીપી ટંડેલ, એસીપી ગેડમ, એસીપી રાઠોડ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજા, જે.વી.ધોળા, એસઓજી પીઆઈ જે.ડી.ઝાલા ઉપરાંત તમામ પોલીસ મથકના પીઆઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સાળંગપુરમાં હનુમાન દાદાની મૂર્તિ રૂ. ૪ કરોડના ખર્ચે તૈયાર

saveragujarat

ખાદી ગ્રામોધ્યોગ દ્વારા PMEGP એકમ ઉત્પાદન પર 7 દિવસીય રાજ્ય સ્તરીય કરાયુ આયોજન.

saveragujarat

પ્રધાન મંત્રી મોદી 12 માર્ચે ગુજરાત આવશે, ખેલમહાકુંભનો શુભારંભ કરાવશે પી.એમ.

saveragujarat

Leave a Comment