Savera Gujarat
Other

રૂપાલાની આગેવાનીમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બે દિવસીય સાગર પરિક્રમા-2022ના પ્રથમ ચરણનો 5મી માર્ચે માંડવીથી પ્રારંભ

સવેરા ગુજરાત/નવી દિલ્હી:-   કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાએ આજે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે 5 અને 6 માર્ચ એમ બે દિવસ માટે માંડવીથી ઓખા તથા પોરબંદર સુધીની સાગર પરિક્રમા-2022નું આયોજન કરાયું છે. તેમણે કહ્યું હતું કે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા માછીમાર અને ખારવા સમાજ સાથે સીધો સંપર્ક સ્થાપવાનો પ્રયાસ આ સાગર પરિક્રમા અંતર્ગત કરવામાં આવશે.

રૂપાલાએ કહ્યું હતું કે ભારતનો દરિયા કિનારો 8000 કિમીથી વધુ વિસ્તૃત છે અને તેમાં ગુજરાતનો દરિયા કાંઠો 1600 કિમી જેટલો લાંબો છે. ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ સાગર પરિક્રમાનો હેતુ મત્સ્ય ખેડૂતોના કલ્યાણની સાથે તેમના વિકાસ અને તેમને લગતી સમસ્યાઓને ધ્યાનમાં લેવાનો તો છે જ પણ સાથે તેમના વ્યાપાર અને ઉદ્યોગને પણ વધુ બળવત્તર કઈ રીતે બનાવી શકાય એ માટેની સંભાવનાઓ પણ શોધવાનો છે. 5 અને 6 માર્ચ,  2022 એમ બે દિવસ માટે ગુજરાતના માંડવીથી શરૂ થનારી સાગર પરિક્રમામાં  રૂપાલા પણ જોડાશે. માંડવીથી ઓખા અને ત્યાંથી પોરબંદર ખાતે આ સાગર પરિક્રમાનો પ્રથમ તબક્કો પૂરો થશે.

આના અનુસંધાનમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કહ્યું હતું કે જે માંડવીનો ઈતિહાસ ખૂબ ગરિમાપૂર્ણ રહ્યો છે ત્યાંથી સાગર પરિક્રમાનો પ્રારંભ થશે. માંડવી આઝાદીના લડવૈયા અને એ સમયના ક્રાંતિકારીઓમાં આદર્શ અને તેમના ગુરૂ તરીકે ઓળખ પામેલા શ્યામજી કૃષ્ણવર્મા માંડવીના પનોતા પુત્ર હતા. માંડવીથી શરૂ થનારી સાગર પરિક્રમાનો ગુજરાત ખાતેનો આ તબક્કો પોરબંદરમાં પૂર્ણ થશે. પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ છે. આમ, ‘ક્રાંતિથી શાંતિ’ના વિચાર સાથે આ સાગર પરિક્રમાનું આયોજન કરાયું છે.

મત્સ્ય પાલન ક્ષેત્રમાં પ્રવૃત લોકો માટે એટલે કે મત્સ્ય ખેડૂતો માટે પણ ખેડૂતોની જેમ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા શરૂ કરવામાં આવશે એમ જણાવતા  રૂપાલાએ કહ્યું હતું કે આ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા મળતા મત્સ્ય ખેડૂતો પોતાના વ્યવસાયને આગળ ધપાવવામાં સરળતા પ્રાપ્ત કરી શકશે. તેમણે કહ્યું હતું કે જે રીતે ખેડૂતોને મળતા કિસાન ક્રેડિટ કાર્ડમાં 3 ટકા વ્યાજ ભારત સરકાર દ્વારા અને 4 ટકા રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે એવી જ સુવિધા માછીમારોને પણ ટૂંક સમયમાં મળશે. તેમણે ગુજરાત સરકારને પોતાના બજેટમાં મત્સ્ય વિભાગ માટે ઉદાર ફાળવણી બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.

‘સાગર પરિક્રમા’ના ગુજરાતના આ પ્રથમ તબક્કા બાદ સાગર પરિક્રમા કાર્યક્રમ દીવ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓથી નીચે પૂર્વ-નિર્ધારિત દરિયાઈ માર્ગ દ્વારા તમામ દરિયાકાંઠાનાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉજવવાની દરખાસ્ત છે. દરિયાકાંઠાના માછીમાર લોકોની સમસ્યાઓ જાણવા મળે એ માટે 75મા “આઝાદી કા અમૃત મહોત્સવ”ના ભાગ રૂપે આ સ્થળો અને જિલ્લાઓમાં માછીમારો, માછીમાર સમુદાયો અને હિતધારકો સાથે વાર્તાલાપ કાર્યક્રમ યોજાશે.

ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળનો મત્સ્યોદ્યોગ વિભાગ, રાષ્ટ્રીય મત્સ્યોદ્યોગ વિકાસ બોર્ડ તેમજ ગુજરાત સરકારનો મત્સ્યોદ્યોગ વિભાગ, ભારતીય કોસ્ટ ગાર્ડ, ફિશરીઝ સર્વે ઓફ ઈન્ડિયા, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને માછીમાર પ્રતિનિધિઓ, મત્સ્ય-ખેડૂત ઉદ્યમીઓ, હિતધારકો, વ્યાવસાયિકો દ્વારા ‘સાગર પરિક્રમાની ઉજવણીનું આયોજન કરાયું છે.

Related posts

મસ્જીદમાં અઝાન સમયે લાઉડસ્પીકર વગાડવા મુદ્દે દાખલ PIL સંદર્ભે HCએ ગુજરાત સરકારને ફટકારી નોટિસ

saveragujarat

હેરિટેજ સિટી અમદાવાદ ખાતેથી ‘કાંકરિયા કાર્નિવલ – ૨૦૨૨’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

saveragujarat

૨૦૨૭માં ગુજરાતમાં સરકાર બનાવીશું : અરવિંદ કેજરીવાલ

saveragujarat

Leave a Comment