Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

નરોડાનાં લેબર કોન્ટ્રાક્ટરની સહકર્મીઓએ ઉદેપુરમાં હત્યા કરી

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાંથી ૪૦ દિવસ પહેલાં ગુમ થયેલા લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરાયેલી હાલતમાં લાશ ઉદયપુરનાં જંગલમાંથી મળી આવતાં ચકચાર મચી ગઇ છે. લેબર કોન્ટ્રાક્ટરની ત્રણ સહકર્મીએ માથામાં હથોડી મારીને હત્યા કરી દીધી હતી અને બાદમાં લાશને જંગલમાં ફેંકીને બિહાર નાસી ગયા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમે રાજસ્થાન પોલીસ સાથે આખું જંગલ ફેંદી નાખ્યું હતું અને અંતે લાશને શોધી કાઢી હતી. ક્રાઇમ બ્રાંચે ચકચારી હત્યા કેસમાં ડ્રાઇવર અરવિંદની ધરપકડ કરી છે અને મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ સહકર્મીને શોધવા માટે ચક્ર ગતિમાન કર્યાં છે. દારૂ પાર્ટી કરવા તેમજ ફાર્મ હાઉસ બતાવવાનાં બહાને લેબર કોન્ટ્રાક્ટરને ઉદયપુર લઇ ગયા હતા, જ્યાં તેની ઘાતકી હત્યા કરી હતી. લેબર કોન્ટ્રાક્ટરની હત્યાનો રાઝ ત્યારે જ ખૂલશે કે જ્યારે તેના સહકર્મી પોલીસ સંકજામાં આવશે. સૈજપુર બોઘા વિસ્તારમાં આવેલી ગાયત્રી સોસાયટીમાં રહેતા અને લુબી પાઇપ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા સુરેશ મહાજનની ગઇ કાલે ઉદયપુરનાં જંગલમાંથી વિકૃત હાલતમાં લાશ મળી આવી છે. ૨૧ એપ્રિલના રોજ સુરેશ મહાજન રહસ્યમય રીતે ગુમ થયા હતા અને ગઇ કાલે તેમની લાશ મળી આવી છે. ક્રાઇમ બ્રાંચની ટીમે રાજસ્થાન પોલીસને સાથે રાખીને ઉદયપુરનું આખું જંગલ ફેંદી નાખ્યું હતું અને લાશને શોધી કાઢી હતી. સુરેશ મહાજનની હત્યા પાછળ તેમની સાથે કામ કરતા કોન્ટ્રાક્ટર રણજિત મહાતો, અનુજ તેમજ સૂરજનો હાથ હોવાનું સામે આવ્યું છે. સુરેશ મહાજન એપ્રિલ મહિનામાં ગુમ થયા હતા જ્યાં તેમના પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી. સુરેશ મહાજન મળી ન આવતાં તેમણે નરોડા પોલીસને જાણ કરી હતી. નરોડા પોલીસે તપાસ હાથ ધરતાં સુરેશ મહાજન સાથે અન્ય ત્રણ ઈસમ પણ હોવાની શંકા થઈ હતી. સુરેશ સાથે કામ કરતા ત્રણ શખ્સ એપ્રિલ મહિનાથી ગુમ હતા. જેમના ફોન અવારનવાર ચાલુ બંધ થતા હતા. પોલીસને શંકા ગઇ હતી પરંતુ તેણે તપાસ કરવામાં ઢીલ મૂકી હતી જેથી ક્રાઇમ બ્રાંચે તપાસમાં ઝંપલાવ્યું હતું. ક્રાઇમ બ્રાંચે તપાસ કરી બિહારથી અરવિંદ નામના યુવકની ધરપકડ કરી હતી. જ્યાં તેણે કબૂલાત કરી હતી કે સુરેશ મહાજનની હત્યા કરીને લાશ ઉદયપુરના જંગલમાં ફેંકી દીધી છે. સુરેશ મહાજનના ભાઇ નીતિન મહાજને જણાવ્યું છે કે ગુમ થયા પહેલાં સુરેશ કહીને ગયો હતો કે રણજિત જાેડે જાઉં છું બે કલાકમાં આવી જઇશ. સુરેશ મહાજન ઘરે નહીં આવતાં નીતિન સહિતના લોકોએ શોધખોળ શરૂ કરી હતી. જાેકે તેનો કોઇ પત્તો લાગ્યો નહીં જેથી તેણે રણજિતને ફોન કર્યો હતો. રણજિતે નીતિનને વીડિયો કોલ કરીને કહ્યું હતું કે મેં ઉદયપુરમાં ફાર્મ હાઉસ લીધું છે અને હું ત્યાં પીવા માટે આવ્યો છું તારો ભાઇ મારી સાથે નથી. સુરેશ મહાજનનું લોકેશન કઢાવતાં તે હિંમતનગર બતાવતું હતું. જેથી પરિવારજનોને ચોક્કસ થઇ ગયું હતું કે રણજિત તેને ઉદયપુર લઇ ગયો છે. સમગ્ર મામલે નરોડા પોલીસે તપાસ કરી પરંતુ કોઇ સફળતા મળી નહી પરંતુ ક્રાઇમ બ્રાંચે તપાસ કરતાં સામે આવ્યું છે કે રણજિત, અનુજ અને સૂરજ તેની સાથે કામ કરતા હતા. રણજિતને સુરેશ સાથે અણબનાવ હતો. જેથી તે ઉદયપુર ફાર્મ હાઉસ બતાવવાનું કહીને લઇ ગયો હતો. અને બાદમાં તેના માથા પર હથોડી મારી હત્યા કરી હતી. આરોપીએ હથોડી માર્યા બાદ ગળું દબાવી દીધું હતું. ક્રાઇમ બ્રાંચે કારના ડ્રાઇવર અરવિંદની બિહારથી ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. નીતિન મહાજને જણાવ્યું છે કે નરોડા પોલીસને સુરેશ મહાજન ગુમ થવાની જાણ કરતાં તેમણે કોઇ કાર્યવાહી કરી નહીં જેથી તે ગુમ થયો ત્યાંથી લઇને ક્યાં ક્યાં ગયો છે તેનાં સીસીટીવી ફૂટેજ શોધીને પોલીસને આપ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે નરોડા પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપીને પકડવા માટે બિહાર પણ ગઇ હતી. જાેકે આરોપીઓ તેમને ખો આપી રહ્યા હતા. સીસીટીવી કેમેરામાં ક્લિયર દેખાતું હતું કે સુરેશ રણજિતની કારમાં બેસીને જઇ રહ્યો છે. સુરેશના પરિવારજનોએ તેનાં ગુમ થવાનાં પોસ્ટરો ઠેરઠેર લગાવેલાં હતાં. નરોડા પોલીસ આરોપીઓને પકડવા માટે બિહાર પહોંચી હતી પરંતુ પોલીસને સ્થાનિકોએ ઘેરી લીધા હતા. સ્થાનિકોએ ઘેરી લેતાં પોલીસ આરોપીઓને પકડ્યા વગર ધોયેલા મોંઢે પરત ફરી હતી. નરોડા પોલીસને પણ ખબર હતી કે સુરેશ સાથે કઇ ઘટના બની છે પરંતુ તેણે યોગ્ય તપાસ કરી નહીં અને અંતે તપાસ ક્રાઇમ બ્રાંચે કરતાં તેને સફળતા મળી છે.

Related posts

દાંતા ખાતે બંધારણ દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે રેલી યોજાઈ

saveragujarat

સાબરમતી રેલવે સ્ટેશનથી અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી

saveragujarat

હવે ગમે તે ઘડીએ IPS અધિકારીઓની બદલીના ઓર્ડર નીકળશે

saveragujarat

Leave a Comment