Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દાણીલીમડા અને જમાલપુરથી ૨૧ જુગારિયા ઝડપાઈ ગયા

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૨૫
અમદાવાદના ખૂણે ખાંચરે દારૂ જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે. જેના પર અનેક વખત પોલીસ, ક્રાઇમ બ્રાંચ, પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાંચ (પીસીબી), સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી), લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી) રેડ કરીને કાર્યવાહી કરતી હોય છે. ક્રાઇમ બ્રાંચે સોમવારે પોલીસ અધિકારીના બાતમીદાર અલતાફ બાસીના જુગારના અડ્ડા પર દરોડા પાડીને ૧૯ જુગારિયાની ધરપકડ કરી હતી ત્યારે ગઇ કાલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પણ શહેરના દાણીલીમડા અને જમાલપુરમાં ધમધમતા જુગારના અડ્ડા પર દરોડા પાડીને ૨૧ જુગારિયા ઝડપી પાડ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, દાણીલીમડા વિસ્તારમાં આવેલા આંબેડકરબ્રિજ પાસે ખોડિયારનગરનાં છાપરાંમાં જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે. એસએમસીની ટીમે પ્લાન બનાવીને રેડ કરવાનું નક્કી કરી લીધું હતું અને તરત જ તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એસએમસીની રેડ થતાંની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પરંતુ પોલીસનો પ્લાન એટલો મજબૂત હતો કે કોઇ પણ જુગારિયો ભાગવામાં સફળ રહ્યો ન હતો. એસએમસીની ટીમે અશોક સથવારા, નદિમ મેમણ, અયુબ શેખ, વિક્રમ પ્રજાપતિ, કેતન બગડા, મિલન પરમાર, રાકેશ સોલંકી, અબ્દુલગફાર શેખ, ઝાકિરહુસૈન લુહાર, નીતિન સોલંકી, ગુલામનબી કુરેશી, ધવલ પરમાર, સરફરાઝમિયાં શેખ, ઇરફાન શેખ અને મહેબૂબ વોરાની ધરપકડ કરી છે. જ્યારે જુગારધામ ચલાવનાર અમરત રબારી અને નીલેશ વોન્ટેડ છે. એસએમસીની ટીમે ૧૫ હજાર રોકડ સહિત સાત મોબાઇલ ફોન તેમજ પાંચ વાહન અને કુલ ૧.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમરત રબારી જુગારિયા પાસેથી પહેલા રૂપિયા લઇ લેતો હતો અને બાદમાં તેમને ટોકન આપતો હતો જેના આધારે જુગાર રમાતો હતો.સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તારીખ ૧૦ જાન્યુઆરીના રોજ અમરત રબારીના જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. જેમાં ૧૧ જુગારિયાની ધરપકડ થઇ હતી. એસએમસીની રેડ બાદ પણ ફરીથી જુગારધામ શરૂ થતાં સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે. ૧૫ દિવસમાં એક જ જગ્યા પર એસએમસીની ટીમે બે વખત જુગારધામ ઝડપી પાડ્યું છે. પહેલાં ૧૧ જુગારિયા અને હવે ૧૫ જુગારિયા ઝડપાયા છે. શહેરમાં ઠેર ઠેર વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો છે. જેમાં ગઇ કાલે સ્ટેટ મોનટરિંગ સેલની ટીમે કાર્યવાહી કરીને જમાલપુરથી છ જુગારિયાને રંગે હાથ ઝડપી લીધા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે જમાલપુર વિસ્તારમાં આવેલી ગાજીપીર દરગાહ પાસે ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો છે. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ઝાકિરહુસૈન શેખ, અહમદહુસેન મોદન, ઇકબાલ હુસૈન મલેક, કેવલ નૈયા, મહમદજુનેદ મલેક અને અલતાફ મલેકની ધરપકડ કરી હતી. ત્યારે યુસુફ, સંજય ભાભર, ઐયુબ બરોડા સહિત ચાર લોકો નાસી ગયા હતા. એસએમસીની ટીમે જુગારિયા તેમજ આંકડો લખનાર પાસેથી ૧૫ હજાર રોકડ, આઠ મોબાઇલ ફોન, બે વાહન સહિત કુલ એક લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

Related posts

ફ્રાન્સના તોફાનોની આગ યુરોપમાં ફેલાવવા લાગી

saveragujarat

એમ્બેસીએ પ્રમાણપત્ર આપવાનો ઈનકાર કરતા મહિલા હાઈકોર્ટમાં ગઈ

saveragujarat

રાજકુંદ્રા અને શિલ્પા શેટ્ટીએ મને અંડરવર્લ્ડની ધમકી આપી હતી

saveragujarat

Leave a Comment