Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાજ્યમાં કોંગ્રેસના ખરાબ દેખાવ માટે અનેક ખામી જવાબદાર : ગેહલોત

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૭
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ભારે બહુમતિ મળી અને આમ આદમી પાર્ટી પણ પાંચ સીટો પર વિજય મેળવીને રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ. પરંતુ કોંગ્રેસને આ વખતે સૌથી ખરાબ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો છે. આ માટે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતમાં પરાજયના કારણો જાણવા માટે મહામંથન શરૂ કર્યું છે. ત્યારે કોંગ્રેસના ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, ગુજરાતમાં અમને મોડું થયું અને ઘણી ખામીઓ રહી ગઈ હતી. જેના કારણે આ પરિણામ આવ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે એક નિવેદનમાં કહ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણીનું જે પરિણામ આવ્યું છે. તેમાં અમારી ક્યાંક ખામીઓ રહી ગઈ છે અને ક્યાંક અમારે મોડુ પણ થયું છે. તે સિવાય આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસના વોટ વેચાઈ ગયા હતાં. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ગઠબંધન હતું પણ તેઓ કોઈને કહેતા નથી. હવે અમે આ મુદ્દે મંથન કરીશું અને ફરીવાર ગુજરાતમાં બેઠા થવા માટે પ્રયત્નો કરીશું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લાર્જુન ખડગેએ ગુજરાતના પરાજય બાદ સત્ય શોધક કમિટીની રચના કરી છે. જેમાં ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના ચેરમેન તરીકે નીતિન રાઉત, ડો. શકિલ અહેમદ ખાન તથા સપ્તગિરી શંકર ઉલાકાની સભ્ય તરીકે નિમણુંક કરાઈ છે. આ કમિટી કોંગ્રેસ પ્રમુખને ગુજરાતની હારના કારણો અને પરિણામો અંગેનો રીપોર્ટ એક સપ્તાહમાં સોંપશે. ત્યાર બાદ કોંગ્રેસનો હાઈકમાન્ડ ગુજરાતમાં સંગઠનમાં મોટો ફેરફાર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કાંકરેજના ચાંગા ગામે ધારાસભ્ય અમૃતજી ઠાકોરનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે ભાજપની સ્ટ્રેટેજીના વખાણ કર્યા હતાં. તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના આગેવાનો-નેતાઓ અમે બધા, એસીવાળી કારના કાચ ખોલવા નથી. પક્ષના એક પણ વ્યક્તિએ પરિશ્રમ નથી કરવો. આ ભાજપવાળા વહીવટી તંત્રનો દુરુપયોગ કરે. પૈસા સામ,દામ, દંડ, ભેદ બધાનો ઉપયોગ કરે છે પણ એ લોકો ખરેખર મહેનત કરે છે. તમે ભાજપની સ્ટ્રેટેજી જુઓ આખી સરકાર બદલાઈ જાય પણ કોઈ અવાજ ના કરે. ટિકિટ જેની જેટલી કાપવી હોય તેટલી કાપી નાંખે. આપણે તો હવે હજુ કાંઈ વધ્યું જ નથી, તો હવે શેના ભાગ પાડવાના રહી ગયા એ જ ખબર પડતી નથી.ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે કોણ બેસશે એ હજી નક્કી નથી. કોંગ્રેસે વિપક્ષના નેતા બનાવવા માટે બે નામો દિલ્હી હાઈકમાન્ડને મોકલી આપ્યાં છે. પરંતુ હજી હાઈકમાન્ડે કોઈ પણ પ્રકારનો જવાબ મોકલ્યો નથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે વિપક્ષના નેતા માટે બે ધારાસભ્યોના નામ હાઈકમાન્ડને મોકલ્યાં છે. જેમાં વિજાપુરના ધારાસભ્ય સી.જે.યાવડા અને દાણિલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનું નામ મોકલવામાં આવ્યું છે. આ બંને માંથી કોઈ એક ધારાસભ્ય વિપક્ષના નેતા બની શકે છે એવું કોંગ્રેસના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. બીજી બાજુ પક્ષના સિનિયર નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિપક્ષના નેતા બનવાનો ઈનકાર કરતાં કોઈ નવા ચહેરાને સ્થાન આપવાની ઈચ્છા દર્શાવી છે.

Related posts

ભક્તિ, ભાઈચારા અને સદભાવના સાથે અમદાવાદ ખાતે નીકળશે ૧૪૬ મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા

saveragujarat

કોરોનાની ગાઇડ લાઇનનું પાલન ન થતા આ શહેરની પોલીસે ગરબાના રંગમાં પાડ્યો ભંગ, 400થી વધારે લોકો ભેગા થતાં, આયોજકની કરવામાં આવી ધરપકડ…

saveragujarat

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તૈયારીઓ પૂર્ણ રૂપે થઈ ચૂકી છે.

saveragujarat

Leave a Comment