Savera Gujarat
Other

ગુજરાતની તિજોરીને રૂા. 35,000 કરોડની નુકસાની થશે

સવેરા ગુજરાત, અમદાવાદ,તા. 10
દેશમાં જીએસટી યુગનો પ્રારંભ થયાને પાંચ વર્ષ થવા આવ્યા છે અને આવતા મહિનાથી રાજ્યોને કેન્દ્રીય સહાય મળવાનું બંધ થવાનું છે તેવા સમયે ગુજરાતને 35,000 કરોડ જેવી જંગી રકમ ગુમાવવાનો વખત આવી શકે છે. રાજ્યના કોમર્શિયલ ટેક્સ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતની જીએસટી આવક અંદાજ મુજબ વધી નથી અને ફેબ્રુઆરી-2022ની સ્થિતિએ 60,000 કરોડ જેવી વસૂલાત બાકી છે તે પૈકી 35,000 કરોડ ‘નોન રિકવરેબલ’ છે. જે ગુમાવવાનો વખત આવશે.

આ નાણા નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ અથવા માંદા એકમો જેવામાં ફસાયા છે. કેટલાક કેસોમાં કંપનીઓ જ બંધ થઇ ગઇ છે અથવા બનાવટી કંપની કે પેઢી ઉભી કરનારા સંચાલકો લાપતા છે. આ પેન્ડીંગ વસુલાતથી છેવટે રાજ્ય સરકારની તિજોરીને જ નુકશાન થવાનું છે. દેશમાં જુલાઈ-2017માં જીએસટીની શરુઆત થઇ ત્યારે કેન્દ્ર સરકારે વાર્ષિક 14 ટકા વૃધ્ધિ દરના ધોરણે વળતર આપવાનું અને દર વર્ષે રાજ્યોની ટેક્સ આવકમાં 14 ટકાની સરેરાશ વૃધ્ધિ થવાનો અંદાજ દર્શાવ્યો હતો.

પરંતુ ગુજરાતના લાગેવળગે છે ત્યાં સુધી છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષ દરમિયાન વાર્ષિક ધોરણે જીએસટી આવકનો વૃધ્ધિ દર સરેરાશ 10.8 ટકા જ રહ્યો છે. આ સ્થિતિમાં કરવેરા વિભાગ દ્વારા ટેક્સ ચોરી રોકવા તથા રિકવરી વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. જીએસટી વિભાગના જ અંદાજ પ્રમાણે ફેબ્રુઆરી-2022ની સ્થિતિએ 60,000 કરોડની વસૂલાત બાકી છે.

સ્ટેટ કોમર્શિયલ ટેક્સ કમિશનર મીલીંદ તોરવણેએ જણાવ્યું હતું કે ટેક્સ ચોરી અટકાવવા અને રિકવરી પર ફોકસ કરાયું છે. રાજ્યની ટેક્સ આવક ઘટતી હોય ત્યારે ટેક્સ ચોરીની છટકબારીઓ રોકવા અને કરચોરોને પકડવા પર ધ્યાન કેન્દ્રીત કરવું પડે તે સ્વાભાવિક છે. ઇન્ટેલીજન્સ સોફટવેર માટે આઈટી કંપનીઓની પણ મદદ લેવામાં આવી છે.

ઉપરાંત વિભાગના જ ઇન્ટેલીજન્સ વિંગ દ્વારા કરચોરોને પકડવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતને તાજેતરમાં કેન્દ્રનું 3336 કરોડનું કોમ્પેનશેસન મળ્યું હતું. જીએસટી આવકમાં ઘટાડાથી રાજ્યના મૂડી ખર્ચને અસર થઇ શકે છે. હવે કેન્દ્રની સહાય મળતી બંધ થવાની છે તેની પણ આવતા મહિનાઓમાં અસર થશે. માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોને પણ અસર થવાનું સ્પષ્ટ છે. મોંઘવારીને કારણે ડીમાંડ ઓછી થઇ છે એટલે આવતા મહિનાઓમાં ટેક્સ કલેકશનમાં તેનો પ્રત્યાઘાત દેખાવાની શક્યતાનો ઇન્કાર થઇ શકતો નથી.

Related posts

રાજ્યના ૩૭ કેન્દ્રો પર સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થશે

saveragujarat

યુએસમાંના વિઝાના રિવેલિડેશન માટે હવે સ્વદેશ પરત નહીં જવું પડે

saveragujarat

અમેઠીની પ્રજાએ રાહુલને જાદુ બતાવ્યો હતો : સ્મૃતી ઈરાની

saveragujarat

Leave a Comment