Savera Gujarat
Other

તામિલનાડુમાં રથયાત્રા પર હાઈ વોલ્ટેજ વાયર પડતાં ૧૧નાં મોત

તંજાવુરમાં વાર્ષિક રથ ઉત્સવ દરમિયાન રથને લઈને લોકો મોટી સંખ્યામાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક રથ એક જગ્યા પર વળાંક દરમિયાન ફસાઈ ગયો હતો.

સવેરા ગુજરાત/નવી દિલ્હી,તા.૨૭
તામિલનાડુઃ તંજાવુરમાં વાર્ષિક રથયાત્રા દરમિયાન રથનું વાહન હાઈ વોલ્ટેજ તારના સંપર્કમાં આવતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. ખુશીનો કાર્યક્રમ માતમમાં ફેરવાયો છે. આ અકસ્માતમાં ૧૧ લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના કઈ રીતે બની કોની ભૂલના કારણે આ ઘટના ઘટી તે અંગે હજુ તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સ્થળ પર દેખાય છે કે એક વાહનની આગળ હાઈ વોલ્ટેજ વાયર પડ્યા છે એટલે કે આ વાયર રથના સંપર્કમાં આવતા દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં ૧૧ લોકોના મોતની સાથે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે અક્સમાતનો ગુનો નોંધીને વધારે તપાસ શરુ કરી છે. રથયાત્રા મંદિર તરફ જઈ રહી હતી ત્યારે દુર્ઘટના બની હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. આ ઘટનામાં ૧૫ જેટલા લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવ બાદ લોકો એટલા ગભરાઈ ગયા હતા કે શું કરવું અને શું ના કરવું તે સમજી શક્યા નહોતા જેના લીધે મૃતકોની સંખ્યામાં વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે તંજાવુરમાં વાર્ષિક રથ ઉત્સવ દરમિયાન રથને લઈને લોકો મોટી સંખ્યામાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક રથ એક જગ્યા પર વળાંક દરમિયાન ફસાઈ ગયો હતો. રથને આગળ લઈ જવા માટેના પ્રયાસ દરમિયાન તેને થોડો પાછળ ખસેડવાની જરુર પડી હતી. આ દરમિયાન ઓવર હેડ હાઈ વોલ્ટેજ વાયર રથના સંપર્કમાં આવતા રથની જાેડે રહેલા લોકોને ભારે આંચકો લાગ્યો હતો અને ઘટના સ્થળ પર ૧૧ લોકોના મોત થઈ ગયા હતા. આ દુર્ઘટના અંગે પોલીસ સહિતની ટીમો દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરવામાં આવી રહી છે. આ બનાવ બન્યો ત્યારે અંધારું હતું માટે રાહત અને બચાવ કાર્યમાં કેટલીક અડચણો આવી હતી. આ સાથે ઈલેક્ટ્રિક વિભાગની ટીમને પણ ઘટના બાદ કામે લગાડવામાં આવી હતી કે જેથી વધુ લોકોના જીવ ના જાય.

Related posts

કેનેડામાં ભણતા સવા લાખ ગુજરાતી વિદ્યાર્થીઓનો પરિવાર ચિંતામાં?

saveragujarat

ચીનમાં કોરોનાના કહેરથી ભારતમાં પણ ચિંતા વધી

saveragujarat

કોરોનામાં પત્ની ગુમાવી, પતિએ ૩૦ કિલોનું સ્ટેચ્યૂ તૈયાર કરાવ્યું

saveragujarat

Leave a Comment