Savera Gujarat
Other

કાલથી માધવપુર ઘેડના પાંચ દિ’ના રાષ્ટ્રીય કક્ષાના મેળાનો રાષ્ટ્રપતિના હસ્તે થશે પ્રારંભ

સવેરા ગુજરાત/ગાંધીનગર ,તા. 9: સૌરાષ્ટ્રના સમુદ્ર તટ પર પોરબંદર નજીકના માધવપુર ઘેડ ખાતે વર્ષોથી ભગવાન શ્રીકૃષ્ણનો વિવાહ પ્રસંગ પરંપરાગત રીતે યોજાઇ છે. આ પ્રસંગે પરંપરાગત મેળો યોજાય છે. ધાર્મિક મહત્વ ધરાવતા આ વિવાહ પ્રસંગને આ વખતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર કરવા આવતીકાલ તા. 10મીને રામનવમીથી પાંચ દિવસનો રાષ્ટ્રીય લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ લોકમેળાનો પ્રારંભ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદના હસ્તે કરવામાં આવેલ છે. આ અંગેની તમામ તૈયારીઓને સરકાર અને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવેલ છે.માધવપુર ઘેડના આવતીકાલથી પ્રારંભ થનારા આ લોકમેળા પ્રસંગે રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય સરકારના કેબીનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ ઉપરાંત કેન્દ્ર સરકારનાં મંત્રીઓ પણ ઉપસ્થિત રહેનાર છે. જેમાં મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સેંગમા આવતીકાલે મેળામાં ભાગ લેવા માટે તા. 10ના સવારનાં 9.15 કલાકે રાજકોટ આવી પહોંચનાર છે. તેઓ 9.30 કલાકે રાજકોટ આવી પહોંચ્યા બાદ સીધા હોટલ જશે અને બપોરે 2 કલાકે રાજકોટથી માધવપુર જવા નીકળશે. આવી જ રીતે ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવકુમાર દેવ પણ તા. 11 એપ્રિલે બપોરના 2.45 કલાકે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ તેઓ 3 કલાકે રાજકોટ એરપોર્ટથી માધવપુર ઘેડનાં લોકમેળામાં ભાગ લેવા માટે ખાસ હેલિકોપ્ટર મારફત પોરબંદર જવા રવાના થશે.
માધવપુરના આ લોકમેળામાં ઉતર-પૂર્વના નવ રાજ્યોનાં 243 કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાના કામણ પાથરશે. અહીં એ ઉલ્લેખનીય છે કે માધવપુર ઘેડ ખાતે રામનવમીથી પાંચ દિવસ સુધી ભગવાન શ્રીકૃષ્ણનો આ લગ્ન પ્રસંગ ઉજવવામાં આવે છે. જેને અનુલક્ષીને યોજાતા આ લોકમેળામાં આ વખતે મણીપુર, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કીમ રાજ્યનાં 243 જેટલા કલાકારો માધવપુર ઘેડ ખાતે પહોંચી ગયા છે તેઓ ગરવી ગુજરાતની સાથે ઉત્તરીય પૂર્વના રાજ્યોની સંસ્કૃતિનાં સુભગ સમન્વય થકી એક ભારત શ્રેષ્ઠ ભારતના દર્શન કરાવતા આ મેળામાં કલાના કામણ પાથરશે. ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ પ્રસંગે રામનવમીના પાવન પર્વ પર માધવપુરના માધવરાયજીના મંદિરે મંડપ રોપાય છે અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ચૈત્ર નોમ, દસમ અને અગીયારસના રોજ ત્રણ દિવસ સુધી ભગવાનનું ફુલેકુ નિજ મંદિરથી યોજવામાં આવે છે. જેના વરણાંગી કહેવામાં આવે છે.આ ફુલેકુ ત્રણ દિવસ સુધી રાત્રે 9 કલાકે નિજ મંદિરથી નીકળી મુખ્ય બજાર થઇને બ્રહ્મકુંડ થઇ રાત્રે 12 કલાકે નિજ મંદિરે પરત ફરે છે અને ચૈત્ર સુદ બારસના વિવાહ ઉત્સવ યોજાય છે. પોરબંદર નજીક આવેલ કડછ ગામના લોકો વાજતે ગાજતે ધજા લઇને લગ્નનું મામૈરુ પુરવા આવે છે. આ દ્રશ્ય માણવા એક પણ એક અવસર ગણાય છે. ઓજત, ભાદર અને મધુવંતીના ત્રિવેણી સંગમ તથા અરબી સમુદ્રના કાંઠે આવેલ પ્રાકૃતિક સોંદર્યથી ભરપૂર એવા માધવપુર ઘેડ ખાતે રુક્ષ્મણી મઠથી ભગવાન શ્રીકૃષ્ણનું સામૈયુ કરવામાં આવે છે. સાંજે ભગવાન શ્રીકૃષ્ણની જાનનું પ્રયાણ થાય છે. મધુવનમાં જાન આવે છે અને ક્ધયા પક્ષ દ્વારા જાનનું સ્વાગત કરી લગ્નની વિધિ યોજાય છે. ચૈત્ર સુદ તેરસના દિવસે વહેલી સવારે જાનની વિદાય આપવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના આ વિવાહ પ્રસંગનો લહાવો લેવા ગુજરાત, સૌરાષ્ટ્ર અને દેશભરના ભાવિકોમાં થનગનાટ જોવા મળે છે. આ પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણના મંદિરે અને હવેલીઓમાં આ વિવાહ પ્રસંગનું જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. આવતીકાલથી મંદિરો રોશનીથી ઝળહળા ઉઠશે.

Related posts

ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશનના મંત્ર સાર્થક : શિક્ષણ વિભાગની ૩૯૭ લાખની ખાદી ખરીદી

saveragujarat

અમદાવાદ અને ગુજરાતની ચૂંટણીના ઇતિહાસ અને પરંપરાઓને દર્શાવતી તસવીરોમાં ઝળકે છે ગુજરાતીઓનો મતાધિકાર માટેનો ઉત્સાહ

saveragujarat

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક અર્પણ સમારોહ,ગામીત સમાજ ની મૌખિક વાર્તાઓના રચઈતાને ત્રીજા નંબરે પારિતોષિક એવોર્ડથી સન્માનીત કરાયા.

saveragujarat

Leave a Comment