Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગુજરાત, બિહાર સહિત નવ રાજ્યો બન્યા સાયબર ક્રાઇમના હોટસ્પોટ

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૮
દરેક નવી સુવિધા કે ટેક્નોલોજી તેની સાથે કેટલાંક એવાં અનિષ્ટો પણ લઈને આવે છે, જે તેને એક ક્ષણમાં જ આશીર્વાદમાંથી શ્રાપમાં બદલી નાખે છે. જેટ સ્પીડવાળા ઈન્ટરનેટના આ આધુનિક યુગમાં આજે લોકો સોશિયલ મીડિયા પર સતત પોતાની અંગત જિંદગીના અપડેટ્‌સ પોસ્ટ કરીને લાઈક અને કોમેન્ટ્‌સની રાહ જાેઈને બેઠા હોય છે ત્યારે કેટલાક શાતિર લોકો માનવ મનની દરેક નબળાઈનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવીને જાળ બિછાવી તૈયાર જ બેઠા હોય છે. સાયબર ક્રાઈમના આ ખતરનાક ઠગ એક પળમાં જ તમારા બેન્ક એકાઉન્ટમાંથી તમારી જિંદગી આખીની મહેનતની કમાણી ઉડાવી જાય છે અને મોટા ભાગના કેસમાં પોલીસ પણ તેમના સુધી પહોંચવામાં અસમર્થ નીવડે છે. સાયબર ક્રાઈમ પોલીસ અને નિષ્ણાતોની વારંવારની ગંભીર ચેતવણી છતાં પણ લોકો અન્યની ભૂલમાંથી પાઠ શીખતા નથી અને આવા ઠગની બિછાવેલી જાળમાં ફસાઈને હજારો, લાખો અને ક્યારેક તો કરોડો રૂપિયા પણ ગુમાવી બેસે છે.તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે, પરંતુ હકીકત એ છે કે આપણા દેશમાં દિલ્હીથી લઈને આંધ્રપ્રદેશ અને ગુજરાતથી લઈને આસામ સુધી કુલ નવ રાજ્યમાં ત્રણ ડઝનથી પણ વધુ ગામ અને શહેર એવાં છે, જે ખતરનાક સાયબર ઠગનો ગઢ બની ચૂક્યાં છે. એક જમાનામાં ઝારખંડના જામતારાને જ સાયબર ક્રાઈમનો કિલ્લો ગણવામાં આવતું હતું, પરંતુ હવે કેન્દ્ર સરકાર ખુદ કબૂલી રહી છે કે દેશભરમાં એક કે બે નહીં, પરંતુ જામતારા જેવા ત્રણ ડઝનથી પણ વધારે ‘હોટસ્પોટ’ સક્રિય છે. સરકારના જણાવ્યા અનુસાર દેશનાં નવ રાજ્ય, હરિયાણા, દિલ્હી, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં પણ હવે સાયબર ક્રાઈમ આચરતી ટોળકીના નવા ગઢ બની ગયા છે. રાજ્યવાર ‘હોટસ્પોટ’ની વાત કરીએ તો હરિયાણાના મેવાત, ભિવાની, નૂહ, પલવલ, મનોટા, હસનપુર અને હથન ગાંવ સાયબર ઠગનો ગઢ ગણાય છે. દિલ્હીના અશોકનગર, ઉત્તમનગર, શકરપુર, હરકેશનગર, ઓખલા અને આઝાદપુર ઠગ ટોળકીનાં નવાં ઠેકાણાં બન્યાં છે. આ સાથે બિહારના બાંકા, બેગુસરાઈ, જમુઈ, નવાદા, નાલંદા અને ગયામાં સાયબર ક્રિમિનલોએ અડ્ડો જમાવ્યો છે. આસામના બારપેટા, ધુબરી, ગોલપાડા, મોરિગાંવ, નાગાંવ નવાં એપી સેન્ટર બન્યાં છે. ઝારખંડનાં જામતારા ઉપરાંત દેવઘર, પશ્ચિમ બંગાળનાં આસનસોલ અને દુર્ગાપુર, ગુજરાતનાં અમદાવાદ અને સુરત શહેર, ઉત્તરપ્રદેશનું આઝમગઢ અને આંધ્રપ્રદેશનું ચિત્તુર હવે સાયબર અપરાધો માટેના નવા ગઢ બનીને ઊભર્યા છે.એક ચોંકાવનારી વાત એ છે કે આ તમામ રાજ્યમાં બેસીને સાયબર ક્રાઈમને અંજામ આપનારા મોટા ભાગના લોકો ભારત બહારના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઠગ ચીન, પાકિસ્તાન અને તુર્કી જેવા દેશોમાંથી આવ્યા છે તુર્કી જેવા દેશોમાંથી આવ્યા છે અને તેમણે ભારતને પોતાનું ઠેકાણું બનાવ્યું છે. પોલીસ અને સાયબર ક્રાઈમને ઉકેલતા એક્સપર્ટ જેમ જેમ આ ક્ષેત્રમાં હોશિયાર બનતા જાય છે તેમ તેમ ગુના આચરતી ઠગ ટોળકી પણ ‘અપડેટ’ અને ‘અપગ્રેડ’ થતી જાય છે. હવે તેમની ટોળકીમાં કાયદેસર તાલીમ લીધેલા હેકર્સ અને ટેક્નોલોજીના એવા નિષ્ણાતો પણ સામેલ છે, જે દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને તમારું બેન્ક એકાઉન્ટ સાફ કરી શકવામાં સક્ષમ છે. આ લોકો સતત મીડિયા અને સોશિયલ મીડિયાનો અભ્યાસ કરતા રહે છે અને માણસોનું નિરીક્ષણ કરીને ખતરનાક પ્લાન બનાવતા રહે છે. બદલાતા હ્યુમન બિહેવિયર સાથે અપરાધીઓ તેમની ટેકનિક પણ બદલી નાખે છે, જેથી તેમને ટ્રેક કે ટ્રેસ કરવા આસાન નથી. નકલી આઈડી પ્રૂફ કે અન્ય વ્યક્તિના ખરીદેલા ઓળખના પુરાવાના આધારે આ ટોળકી જથ્થાબંધ ભાવમાં સિમકાર્ડ ખરીદે છે. મોટા ભાગે તમારી સાથે ઓનલાઈન ફ્રોડ થાય ત્યારે બે કે તેથી વધુ લોકો સામેલ હોય છે. એક વ્યક્તિ ફોન કોલ પર તમારી તમામ વિગતો મેળવી લે છે, જ્યારે બીજાે એ જ વખતે એમના પોતાના સોફ્ટવેર કે પછી અન્ય લિંકના માધ્યમથી એ વિગતો અપલોડ કરીને તમને લાખોનો ચૂનો લગાવી દે છે. સાયબર ક્રાઈમને અંજામ આપનારા મોટા ભાગના શાતિર લોકો ખાસ કરીને માનવ મનની નબળાઈઓ અને ડરનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરીને જ પોતાનો ‘શિકાર’ પસંદ કરતા હોય છે. લોભ અને લાલચ તમને આવી ઠગ ટોળકીની જાળમાં ફસાવવાના ચારા સમાન હોય છે. એક વાત હંમેશાં યાદ રાખજાે કે આ દુનિયામાં વગર મહેનતે કે મફતમાં કશું પણ મળતું જ નથી અને જાે કોઈ તમને આવી લોભામણી ઓફર કરે તો તુરંત એલર્ટ થઈ જજાે, કેમ કે તમે એક ખતરનાક ઠગ ટોળકીનો નવો ‘શિકાર’ બનવા જઈ રહ્યા છો. સાવધાની અને સતર્કતા સિવાય આ ઠગોથી બચવાનો અન્ય કોઈ રસ્તો નથી.

Related posts

મોડાસાના સાર્વજનિક હોસ્પિટલ ની:શુલ્ક કેમ્પનુ આયોજન,સાથે હોસ્પિટલના સહસ્થાપક અને આધ સ્થાપકની મૂર્તિનું અનાવરણ કરાયું.

saveragujarat

ડિસેમ્બર-૨૨માં જીએસટી કલેક્શન ૧૫ ટકા વધીને ૧.૪૯ લાખ કરોડ

saveragujarat

દેશમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૩ નવા કેસ

saveragujarat

Leave a Comment