Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સરકારનો ભાર આદિવાસી કળાને પ્રોત્સાહન, યુવાનોના કૌશલ્યો વધારવા પર છેઃ મોદી

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૧૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘આદી મહોત્સવ’નું આજે ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું, સરકાર એવા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે, જેમનો લાંબા સમયથી સંપર્ક થયો નથી. મેં દેશના દરેક ખૂણે આદિવાસી સમુદાયો અને પરિવારો સાથે કેટલાંક અઠવાડિયાં વિતાવ્યા છે. તમારી પરંપરાઓને મેં નજીકથી જાેઈ છે, તેમની પાસેથી શીખ્યો અને જીવ્યો પણ છું. આદિવાસીઓની જીવનશૈલીએ મને દેશના વારસા અને પરંપરાઓ વિશે ઘણું શીખવ્યું છે. પીએમ મોદીએ કહ્યું, દેશના વિવિધ રાજ્યોમાં ત્રણ હજારથી વધુ ‘વન ધન વિકાસ કેન્દ્રો’ની સ્થાપના કરવામાં આવી છે. આજે સરકાર લગભગ ૯૦ નાના વન ઉત્પાદનો પર એમએસપી આપી રહી છે. આજે, વિવિધ રાજ્યોમાં ૮૦ લાખથી વધુ સ્વ-સહાય જૂથો કાર્યરત છે, જેમાં ૧.૨૫ કરોડથી વધુ સભ્યો આપણા આદિવાસી ભાઈઓ અને બહેનો છે અને તેમાંથી મોટી સંખ્યામાં આપણી માતાઓ અને બહેનો છે. આજે સરકારનો ભાર આદિવાસી કળાને પ્રોત્સાહન આપવા અને આદિવાસી યુવાનોના કૌશલ્યો વધારવા પર પણ છે. દેશમાં નવી આદિવાસી સંશોધન સંસ્થાઓ ખોલવામાં આવી રહી છે. આદિવાસી બાળકો દેશના કોઈપણ ખૂણામાં હોય, તેમનું શિક્ષણ અને તેમનું ભવિષ્ય મારી પ્રાથમિકતા છે.આ પ્રસંગે કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડા પણ તેમની સાથે હાજર રહ્યા હતા. પીએમ મોદીએ અહીં સ્વતંત્રતા સેનાની અને આદિવાસી નેતા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. આ ઈવેન્ટમાં આદિવાસી સંસ્કૃતિ, હસ્તકલા, ભોજન, વાણિજ્ય અને પરંપરાગત કલા પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ મહોત્સવ આદિવાસી સમુદાયો દ્વારા નિર્મિત શ્રી અન્ન કાર્યક્રમનું કેન્દ્રબિંદુ છે.વડાપ્રધાન કાર્યાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદી દેશની આદિવાસી વસ્તીના કલ્યાણ માટે સતત વિવિધ પગલાં લઈ રહ્યા છે. આ સાથે તેઓ દેશની પ્રગતિ અને વિકાસમાં આદિવાસી સમુદાયના યોગદાનને પણ યોગ્ય માન આપતા રહ્યા છે.’આદી મહોત્સવ’ એ આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળના ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની વાર્ષિક પહેલ છે. આ વર્ષે તેનું આયોજન દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં ૧૬ થી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ ૨૦૦ સ્ટોલ દ્વારા દેશભરના આદિવાસી સમુદાયોના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાને પ્રદર્શિત કરવામાં આવશે. આ મહોત્સવમાં એક હજાર જેટલા આદિવાસી કારીગરો પણ ભાગ લેશે.

Related posts

૧૮ વર્ષથી નાની ઉમરના બાળકને મુશ્કેલીમાં જુઓ ત્યારે ડાયલ કરો હેલ્પલાઇન નંબર ૧૦૯૮

saveragujarat

ઉત્તરપ્રદેશ પ્રયાગરાજના કલાકારો દ્વારા બડોલી ગામે સાંસ્ક્રૃતિક રામલીલા યોજાઇ.

saveragujarat

આખરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જાહેરમાં આવ્યા

saveragujarat

Leave a Comment