Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજ સ્મૃતિ વન કચ્છમાં ભવ્યતા અને દિવ્યતા સભર શાકોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણીપ

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૨
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું આગવું મહત્ત્વ છે; જ્યાં-જ્યાં સ્વામિનારાયણ મંદિર છે ત્યાં-ત્યાં શિયાળાની સીઝનમાં ઘીમાં બનાવેલું રીંગણનું શાક, રોટલા, માખણ અને ગોળ સાથે અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે.જેમ જુદા-જુદા ઉત્સવ ઊજવાય છે એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષરૂપે શાકોત્સવનું આગવું મહત્ત્વ છે. ૨૦૨ વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના લોયા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાને જાતે ૧૮ મણ ઘી અને ૬૦ મણ રીંગણાનું શાક બનાવ્યું હતું અને એ સમયથી શરૂ થયેલી શાકોત્સવની પરંપરા આજે પણ ચાલી રહી છે. ગુજરાત કે ભારતમાં જ નહીં, સાત સમંદર પાર પણ શિયાળાની સીઝનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની સોડમ પ્રસરેલી છે. ઘીમાં બનાવેલું રીંગણાનું શાક, બાજરી કે મકાઈના રોટલા, માખણ, ગોળ અને મીઠાઈની સાથે શાકોત્સવની મીઠાશનો સ્વાદ જ કંઈક ઓર બની રહે છે.ભગવાને શાકોત્સવ કરીને લોકદૃષ્ટિથી રીંગણને ગળે વળગાડીને એને અમર કરી દીધું. એ સમયે પ્રભુએ રીંગણાનું શાક બનાવીને સંતો તેમ જ હરિભક્તોને પીરસ્યું હતું. પ્રભુએ એ નિત્યાનંદ સ્વામી પાસે લાડુ બનાવ્યા હતા અને એ પણ પીરસ્યા હતા.’ ૨૦૨ વર્ષથી ચાલી આવતી શાકોત્સવની પરંપરાની સોડમ દરિયાપાર પણ પહોંચી ગઈ છે. ‘શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મણિનગર અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, કલોલ, પંચમહાલ સહિત ગુજરાત ઉપરાંત મુંબઈ, દિલ્હી, માઉન્ટ આબુ તેમ જ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, યુકે, આફ્રિકા, દુબઈ સહિતનાં સ્થળોએ આવેલાં મંદિરોમાં શાકોત્સવ ઉત્સાહપૂર્વક ઊજવાય છે.મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદોધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી સદ્‌ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી સહજાનંદચરણદાજી સ્વામી, શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી, શ્રી સત્યદર્શનદાસજી સ્વામી, શ્રી વિવેકભૂષણદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, શ્રી સંતભૂષણદાસજી સ્વામી, શ્રી ધર્મભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતા તથા દેશવિદેશના અસંખ્ય હરિભક્તોની ઉપસ્થિતિમાં વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોતમપ્રિય સ્વામીજી મહારાજ સ્મૃતિવન કચ્છમાં (ભુજ-માંડવી માર્ગ ખત્રી તળાવ પાસે) ભવ્યતા અને દિવ્યતા સભર શાકોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. પૂજનીય સંતોએ અને સત્સંગી હરિભક્તોએ સ્મૃતિ વનના મુખ્ય પ્રવેશદ્વારથી શિબિકામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરી, સ્કંધે શિબિકા ગ્રહણ કરી, ઓચ્છવ કરતાં કરતાં, વિવિધ શાક અને ફળોથી સજાવટ કરેલા સ્ટેજ પાસે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને પધરાવ્યા હતા. યુવા ભકતોએ કીર્તન સ્તવન કરી અને પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. પૂજનીય સંતોએ શાકોત્સવ પર્વનો ઈતિહાસ વગેરે અધ્યાત્મસભર મહિમા ગાન કર્યું હતું. તો વળી, શાકોત્સવના આનંદદાયી અવસરે સૌ ભકતો રાસોત્સવ રમી, આરતી ઉતારી અને પરમ ઉલ્લાસભેર ભક્તિભાવથી ઉજવણી કરી હતી.આ પ્રસંગે સંતશિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શાકોત્સવનું મહાત્મય સમજાવતાં જણાવ્યું હતું કે, સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને લોયા ગામે ભવ્ય શાકોત્સવ કરીને હજારો ભક્તોને ભાવથી જમાડયા હતા. ભારતીય સંસ્કૃતિમાં સમયે-સમયે ઉજવાતા ઉત્સવો લોકોના હૃદયમાં ઉત્સાહ સાથે પરસ્પર પ્રેમનું વાતાવરણ જગાવે છે. આજનો માણસ દેખતો છે પણ એની દોટ આંધળી છે. સંપત્તિ , સતા, સામગ્રી કે સૌંદર્ય પાછળની દોટ છે એ દોટમાં ઓટ આવવાથી જ સંસ્કૃતિ અને પરિવાર સાથેની આત્મીયતા વધે છે.આવા ભવ્યતા તથા દિવ્યતા સભર શાકોત્સવ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં જે તે અવસરે અણમોલો લાભ દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લેતા આવ્યા છે અને લીધો હતો અને અંતમાં મહાપ્રસાદ ગ્રહણ કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Related posts

સિંગતેલના ડબ્બામાં રૂપિયા ૨૦નો ઘટાડો થયો

saveragujarat

જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટના વધુ બે કેસ

saveragujarat

“આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણીના ભાગ રૂપે PM WANI પર વેબિનારનું આયોજન કરાયું હતું.

saveragujarat

Leave a Comment