Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ફ્રાન્સની કંપનીએ અદાણી સાથે રોકાણની યોજના અટકાવી

નવી દિલ્હી, તા.૯
જ્યારથી અમેરિકી રિસર્ચ ફર્મ હિન્ડનબર્ગ દ્વારા અદાણી જૂથની કંપનીઓના શેરોની કિંમતને લઈને ખુલાસો કરાયો છે ત્યારથી અદાણી ગ્રૂપની હાલત દયનીય થઈ ગઈ છે. તેની અનેક કંપનીઓના શેરોમાં મોટાપાયે કડાકો બોલાયો છે. આ દરમિયાન તેને મળેલા કેટલાક મોટા પ્રોજેક્ટ અને કોન્ટ્રાક્ટ તથા ટેન્ડરો પણ રદ થવાના અહેવાલ આવ્યા હતા. આ બધા વચ્ચે ફ્રાન્સની એક કંપનીએ પણ અદાણી ગ્રૂપના માલિકને વધુ એક માઠા સમાચાર મોકલ્યા છે. માહિતી અનુસાર ફ્રાંસની એક કંપનીએ અદાણી ગ્રૂપ સાથે કરેલી ભાગીદારી હેઠળ પ્રસ્તાવિત મૂડીરોકાણની યોજના હાલ અટકાવી દેતા રોકાણ કરવાની ના પાડી દીધી છે. ફ્રાન્સની ટોટલ એનર્જી કંપનીએ અદાણી ગ્રૂપના ૫૦ અબજ ડોલરના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં પ્રસ્તાવિત મૂડીરોકાણ કરવાની યોજના બનાવી હતી જે હવે પડતી મૂકવાનો ર્નિણય લીધો છે. આ મામલે કંપનીના ચીફ એક્ઝિક્ટિવ પેટ્રિક પોયે જણાવ્યું કે, અમેરિકાની હિંડનબર્ગ રિસર્ચના ગૌતમ અદાણી અને તેમની માલિકીની કંપનીઓ પર કરેલા ગંભીર આક્ષેપને હાલ રોકાણ અટકાવી દેવાનો ર્નિણય લેવાયો છે. ફ્રાન્સની ઓઇલ કંપની દ્વારા ગત વર્ષે જૂન મહિનામાં અદાણી ગ્રૂપના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં ૨૫ ટકા હિસ્સો ખરીદવા માટે ભાગીદારીની જાહેરાત કરવામાં આવી હતી. કંપનીના અધિકારીએ જણાવ્યું કે, ટોટલએનર્જીએ હજુ સુધી કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. અમેરિકી શોર્ટ-સેલર હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા આરોપ અંગે અદાણી જૂથ તરફથી સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી હાઈડ્રોજન પ્રોજેક્ટમાં રોકાણને દેખીતી રીતે જ રોકી દેવામાં આવશે.ટોટલએનર્જી એ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના બિઝનેસમાં સૌથી મોટા વિદેશી રોકાણકારો પૈકીનું એક છે અને તેણે અગાઉ અદાણી ગ્રૂપના રિન્યુએબલ એનર્જી વેન્ચર, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને સિટી ગેસ યુનિટ, અદાણી ટોટલ ગેસ લિમિટેડમાં હિસ્સો ખરીદ્યો હતો. જૂન ૨૦૨૨ની જાહેરાત મુજબ, ટોટલએનર્જીસ અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ૨૫ ટકા ઇક્વિટી શેરહોલ્ડિંગ ખરીદવાની હતી. આ કંપની અદાણી ગ્રૂપની કંપની છે જે ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમમાં ૧૦ વર્ષમાં ૫૦ અબજ ડોલરનું મૂડીરોકાણ કરી રહી છે. ટોટલએનર્જીસ એ ફ્રાંસની સૌથી મોટી ઓઇલ અને ગેસ કંપની છે, જે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં ૧૯.૭૫ ટકા હિસ્સો ખરીદવાની પહેલા લિક્વિફાઇડ નેચરલ ગેસ સાહસ માટે ૨૦૧૮માં સૌપ્રથમ અદાણી સાથે હાથ મિલાવ્યા હતા અને વર્ષ ૨૦૨૦-૨૧માં ૨.૫ અબજ ડોલરના રોકાણા સાથે સોલાર એસેટમાં હિસ્સો ખરીદ્યો હતો. તેણે અદાણી ટોટલ ગેસ લિમિટેડમાં ૩૭.૪ ટકા હિસ્સો પણ ખરીદયો હતો.

Related posts

લુણાવાડા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી બે સગીરાઓનું અપહરણ થયું

saveragujarat

જમ્મુ-કાશ્મીરમાં રહેતા બિનકાશ્મીરી લોકો પણ હવે મતદાન કરી શકશે

saveragujarat

શેરબજારમાં મંદીની હેટ્રીક :સેન્સેકસ 600 પોઇન્ટ ગગડયો

saveragujarat

Leave a Comment