Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

નરોડાના બે પોલીસ કર્મચારી ઉપર બુટલેગરોનો હુમલો

સવેરા ગુજરાત, અમદાવાદ,તા.૯
થોડા સમય પહેલા નરોડા પોલીસની ટીમ બુટલેગરોને ત્યાં ગઈ હતી, આ દરમિયાન જે તે સમયના વહીવટદાર સહિતના પોલીસ કર્મચારીઓને બુટલેગરોએ તથા સ્થાનિક લોકોએ દોડાવી દોડાવીને માર માર્યો હતો. જેનો વીડિયો વાયરલ થતા પોલીસ કાર્યવાહી થઈ હતી. હવે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. નરોડા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ લિસ્ટેડ બુટલેગર ગાડી લઈને નીકળતા હોવાની શંકાના આધારે કારનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન બુટલેગરોએ ગાડી રોકી પોલીસ કર્મચારીઓ સાથે બબાલ કરી હતી. એટલું જ નહીં, પોલીસને ધમકી આપી પથ્થરમારો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. હથિયારો સાથે તૂટી પડેલા બુટલેગરોના મારથી એક પોલીસ કર્મચારીને નાકના ભાગે ગંભીર ઇજાઓ થતા ઓપરેશન કરાવવાનો વારો આવ્યો છે. સમગ્ર બાબતને લઈને આઠ લોકો સામે આઇપીસી ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૩, ૩૩૬, ૩૨૫, ૪૨૭, ૩૦૭ અને જીપી એક્ટ ૧૩૫(૧) જેવી કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દેવેન્દ્રસિંહ ઝાલા જીઆઇડીસી ચોકી ઉપર ફરજ બજાવે છે. તેઓ સરકારી બાઈક સાથે નાના ચિલોડા ગામ ચાર રસ્તાથી નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભાગોળ ચોકી ખાતે ફરજ બજાવતા પોલીસકર્મી તેમની ગાડી લઈને આવ્યા હતા. આ દરમિયાન ભાટ ટોલટેક્સ તરફથી એક ક્રેટા ગાડી નીકળી હતી. તે ગાડીમાં ઉસ્માન શેખ તથા હારુન શેખ બેઠા હતા અને તેની પાછળ અન્ય એક ગાડી નીકળી હતી. જે ગાડીમાં મુકેશ ઠાકોર, રાજેશ ફુગ્ગો બેઠા હતા. આ શખ્સો ઉપર અગાઉ નરોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કેસો થયા હતા અને પોલીસકર્મી દેવેન્દ્રસિંહે પણ આ શખ્સો વિરુદ્ધ કેસ કર્યો હતો, જેમાં તેઓ ફરિયાદી હતા. પ્રોહિબિશનના અલગ અલગ કેસમાં આરોપીઓએ હાઇકોર્ટમાંથી સ્ટે લીધો હતો અને હાલમાં તેઓ ચોરીછૂપીથી પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા હોવાના કારણે પોલીસ કર્મચારીઓને શંકા જતા તાત્કાલિક તેમનો પીછો કર્યો હતો. પોલીસ કર્મચારીઓ પીછો કરી રહ્યા હતા ત્યારે બુટલેગરો ગાડી લઈ સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં ગયા હતા અને ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં રાત્રે ફરી આ ગાડીનો પીછો કરતા તે દરમિયાન ગાડીને ટક્કર વાગતા એક ગાડી સાઈડમાં ઊભી રહી હતી. જે ગાડીમાંથી મુકેશ ઠાકોર તથા રાજેશ ફુગ્ગો નીચે ઉતર્યા હતા. મુકેશ ઠાકોરના હાથમાં પાઇપ અને રાજેશના હાથમાં લાકડી હતી. આ સિવાય બીજા ત્રણ શખ્સો પાસે પણ હાથમાં પથ્થરો હતા અને આ શખ્સોએ ભેગા મળી પોલીસ કર્મચારીના વાહનો ઉપર પથ્થરો માર્યા હતા. જેના કારણે વાહનના કાચ તૂટી ગયા હતા. ક્રેટા ગાડીમાંથી ઉસ્માન ઘાંચી, હારુન શેખ, પ્રદ્યુમન ઉર્ફે ટીલુ તથા અન્ય બે શખ્સો ઉતર્યા હતા. તેઓના હાથમાં પણ લાકડીઓ અને પાઇપો હતી. ત્યારે મુકેશ ઠાકોરે પોલીસકર્મીને જણાવ્યું કે, આજે તો તને જાનથી મારી નાંખીશ. તેમ કહી પાઇપથી માર મારવા જતા તેઓને ઈજા થઈ હતી. આ દરમિયાન રાહદારીઓ ભેગા થઈ જતા આ તમામ માણસો પોત પોતાની ગાડી લઈ ભાગી ગયા હતા. બંને પોલીસ કર્મચારીઓને ઈજાઓ થઈ હોવાથી તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક પોલીસ કર્મચારીને નાકના ભાગે ફ્રેક્ચર થતા ઓપરેશન કરવાનું ડોક્ટરે જણાવ્યું હતું. સમગ્ર બાબતને લઈને નરોડા પોલીસે મુકેશ ઠાકોર, હારુન શેખ, ઉસ્માન શેખ, પ્રદ્યુમન ઉર્ફે ટીલુ, રાજેશ ઉર્ફે ફુગ્ગો અને અન્ય ત્રણ લોકો સામે આઇપીસી ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૩, ૩૩૬, ૩૨૫, ૪૨૭, ૩૦૭ અને જીપી એક્ટ ૧૩૫(૧) જેવી કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે

Related posts

ભાજપે ૧૫ જૂન સુધી નિર્ધારિત કાર્યક્રમો આખરે મોકૂફ રાખ્યા

saveragujarat

અમદાવાદના બોડકદેવમાં ૨૫૦ કરોડમાં પ્લોટ વેચાયો

saveragujarat

સપ્ટેમ્બર મહિનામાં સરકારને થયું GST નું બમ્પર કલેક્શન, જાણો આ રાજ્યએ કરાવી સૌથી વધુ આવક…

saveragujarat

Leave a Comment