Savera Gujarat
Other

આજથી પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં બે દિવસના પ્રવાસ, ગુજરાતને ૨૧ હજાર કરોડની સોંગાદ આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૭ અને ૧૮ જૂને ગુજરાતની મુલાકાતે આવશે. ૧૮મી જૂનના રોજ સવારે લગભગ ૯ઃ૧૫ વાગ્યે, પ્રધાનમંત્રી પાવાગઢ ઉપર શ્રી કાલિકા માતાના પુનઃવિકસિત મંદિરની મુલાકાત લેશે અને તેનું ઉદ્‌ઘાટન કરશે, જે પછી લગભગ ૧૧ઃ૩૦ વાગ્યે વિરાસત વનની મુલાકાત લેશે. ત્યારબાદ, લગભગ ૧૨ઃ૩૦ વાગ્યે, તેઓ વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે, જ્યાં તેઓ રૂ. ૨૧,૦૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કરશે. વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ભાગ લેશે. પ્રધાનમંત્રી ૧૬,૦૦૦ કરોડથી વધુના મૂલ્યની વિવિધ રેલ્વે પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેમાં સમર્પિત ફ્રેટ કોરિડોરના ૩૫૭ કિલોમીટર લાંબા ન્યૂ પાલનપુર – મદાર વિભાગના રાષ્ટ્રને સમર્પણનો સમાવેશ થાય છે; ૧૬૬ કિમી લાંબા અમદાવાદ-બોટાદ વિભાગનું ગેજ કન્વર્ઝન; ૮૧ કિમી લાંબા પાલનપુર – મીઠા સેક્શનનું વિદ્યુતીકરણ. પ્રધાનમંત્રી સુરત, ઉધના, સોમનાથ અને સાબરમતી સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ પણ કરશે, સાથે રેલવે ક્ષેત્રમાં અન્ય પહેલનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્‌સ લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં મદદ કરશે અને પ્રદેશમાં ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. તેઓ પ્રદેશમાં કનેક્ટિવિટી પણ સુધારશે અને મુસાફરોની સુવિધાઓ વધારશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, કુલ ૧.૩૮ લાખ મકાનો પ્રધાનમંત્રી દ્વારા સમર્પિત કરવામાં આવશે, જેમાં શહેરી વિસ્તારોમાં આશરે રૂ. ૧,૮૦૦ કરોડના મકાનો અને ગ્રામીણ વિસ્તારોમાં રૂ. ૧,૫૩૦ કરોડથી વધુની કિંમતના મકાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૩૧૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતના લગભગ ૩૦૦૦ ઘરોના ખાત મુહૂર્ત પણ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને પંચમહાલ ખાતે રૂ. ૬૮૦ કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે, જેનો ઉદ્દેશ્ય આ પ્રદેશમાં રહેવાની સરળતા વધારવાનો છે. પ્રધાનમંત્રી ગુજરાતના ડભોઈ તાલુકાના કુંધેલા ગામમાં ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનો શિલાન્યાસ પણ કરશે. વડોદરા શહેરથી લગભગ ૨૦ કિમીના અંતરે આવેલી આ યુનિવર્સિટીનું નિર્માણ આશરે રૂ. ૪૨૫ કરોડના ખર્ચે કરવામાં આવશે અને તે ૨૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓની ઉચ્ચ શિક્ષણની જરૂરિયાતો પૂરી કરશે. માતા અને બાળ સ્વાસ્થ્યમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, પ્રધાનમંત્રી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ શરૂ કરશે, જેનો ખર્ચ રૂ. ૮૦૦ કરોડ હશે. આ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને દર મહિને આંગણવાડી કેન્દ્રોમાંથી ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ કિલો ખાદ્યતેલ વિનામૂલ્યે આપવામાં આવશે. પ્રધાનમંત્રી ‘પોષણ સુધા યોજના’ માટે લગભગ રૂ. ૧૨૦ કરોડનું વિતરણ પણ કરશે, જે હવે રાજ્યના તમામ આદિવાસી લાભાર્થીઓને વિસ્તરણ કરવામાં આવી રહી છે. આદિવાસી જિલ્લાઓની સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ અને પોષણ અંગેનું શિક્ષણ આપવાના પ્રયોગની સફળતા બાદ આ પગલું ભરવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રી પાવાગઢ ટેકરી ખાતે શ્રી કાલિકા માતાના પુનઃવિકસિત મંદિરનું ઉદ્‌ઘાટન કરશે. તે વિસ્તારના સૌથી જૂના મંદિરોમાંનું એક છે અને મોટી સંખ્યામાં યાત્રાળુઓને આકર્ષે છે. મંદિરનો પુનઃવિકાસ ૨ તબક્કામાં કરવામાં આવ્યો છે. પુનઃવિકાસના પ્રથમ તબક્કાનું ઉદ્‌ઘાટન પ્રધાનમંત્રી દ્વારા આ વર્ષની શરૂઆતમાં એપ્રિલમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્‌ઘાટન થવા જઈ રહેલા બીજા તબક્કાના પુનઃવિકાસનો શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા ૨૦૧૭માં કરવામાં આવ્યો હતો. આમાં મંદિરના પાયાનું વિસ્તરણ અને ત્રણ સ્તરે ‘પરિસર’, સ્ટ્રીટ લાઈટ્‌સ, સીસીટીવી સિસ્ટમ જેવી સુવિધાઓની સ્થાપનાનો સમાવેશ થાય છે.

Related posts

અમદાવાદ માર્ગ અકસ્માતમા વધું એક પોલીસ કર્મચારીનુ નિધન થયુ છે

saveragujarat

અંગ્રેજી કરતાં માતૃભાષામાં નાપાસ થનારાની સંખ્યા વધુ

saveragujarat

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૧ તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ

saveragujarat

Leave a Comment