Savera Gujarat
Other

સમ્રાટ પૃથ્વીરાજ: અક્ષયનો ક્ષય!

ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ લગભગ બે દાયકાથી જે ફિલ્મ માટે મહેનત કરી રહ્યા હતાં, એ મેગ્નમ-ઑપસ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ગઈકાલે સિનેમાઘરોમાં રીલિઝ થઈ. મૂળત: વર્ષ 2010માં સન્ની દેઓલ અને એશ્વર્યા રાયને મુખ્ય પાત્રો તરીકે લઈને આ ફિલ્મ શૂટ થ્વાની હતી, પરંતુ સન્ની દેઓલની તારીખો ન મળવાને લીધે એ થઈ ન શક્યું. અને ત્યારબાદ, ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ પ્રોડ્યુસરથી શરૂ કરીને એક્ટર્સની અનુકૂળતા ન આવવાને કારણે ફિલ્મ અભેરાઈ પર ચડાવી દીધી. છેવટે, બાહુબલિની સફળતા જોયા બાદ ‘યશરાજ પ્રોડકશન્સ’ને લાગ્યું કે હિસ્ટોરિકલ ડ્રામા ફિલ્મ બનાવવી જોઈએ અને 2018ની સાલમાં એમણે ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી સાથે હાથ મિલાવીને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ રીલિઝ કરવાનો નિર્ણય કર્યો.

મોહમ્મદ ઘોરી (માનવ વિજ) જેવા તુર્કી ઇસ્લામિક આક્રાંતા સામે હિંમતભેર બાથ ભીડનાર મહાન હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ (અક્ષયકુમાર)ની આ કથા છે. મુખ્યત્વે રાજકુમારી સંયોગિતા (માનુષી ચિલ્લર) સાથેના એમના પ્રણયની વાતને ફિલ્મમાં કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે ચંદ બરડાઈ (સોનુ સૂદ) અને જયચંદ્ર (આશુતોષ રાણા) જેવા મહત્વના ઐતિહાસિક કિરદારોને બહુ જ ઓછું મહત્વ આપવામાં આવ્યું છે! ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદીની વર્ષોની મહેનતને સલામ, પરંતુ સવા બે કલાકમાં ફિલ્મ પૂરી કરવાના ચક્કરમાં ખટ-ખટ-ખટ સિનેમેટિક કટકા નજર સામેથી ઊભડક રીતે પસાર થઈ રહ્યા હોય એવી અનુભૂતિ થાય.

યશરાજ જેવું માતબર પ્રોડકશન હાઉસ અને આદિત્ય ચોપરા જેવો ધુરંધર પ્રોડ્યુસર હોવા છતાં ફિલ્મને ભવ્ય બનાવી શકાઈ નથી. શરૂઆત અને અંતની કેટલીક મિનિટોને બાદ કરતાં ફિલ્મ મોટેભાગે કંટાળાજનક લાગી શકે! સંજય લીલા ભણસાલી અને એસ.એસ.રાજામૌલીની ફિલ્મોમાં જોવા મળે છે, એવા સેટ ઊભા કરવાની વાત તો દૂર, ઝલક સુદ્ધાં પામી શકાતી નથી. હિસ્ટોરિકલ ફિલ્મ હોવા છતાં યુદ્ધના દ્રશ્યોને વીજળીની ઝડપે પૂરા કરી નાંખીને ફિલ્મ સાથે ભયંકર મોટો અન્યાય કરવામાં આવ્યો છે. ઐતિહાસિક ફિલ્મોને છાજે એવા ગીતો બનાવવાને બદલે ઢંગધડા વગરના આધુનિક ગીતો બનાવવામાં આવ્યા છે!

ફિલ્મને નિષ્ફળ બનાવનાર સૌથી મોટું પાસું છે, અક્ષયકુમાર! વારેઘડિયે ‘બાલા’ની યાદ અપાવતાં અક્ષયકુમારે કોઈ જાતના આરોહ-અવરોહ વગરનો સાવ ઠંડો અભિનય કર્યો છે. આવું ઉંમરના કારણે થયું છે કે પછી અન્ય કોઈ પરિબળના લીધે, એ ખબર નહીં. હા, એટલું નક્કી છે કે અક્ષયકુમારનો સૂરજ આથમી રહ્યો છે! માનુષી ચિલ્લરની તો ડેબ્યુ ફિલ્મ હોવા છતાં તેના હાવભાવમાં કોઈ મહેનત દેખાતી નથી. જો આવું જ રહ્યું તો ‘મિસ વર્લ્ડ’નો હિતાબ પણ તેની એક્ટર તરીકેની કરિયરને બચાવી નહીં શકે, એ નિશ્ચિત છે. એક હદ્દ સુધી મનોરંજક લાગતું સંજય દત્તનું પાત્ર ધીરે ધીરે પ્રેક્ષકને ત્રાસ આપવા માંડે છે. વીએફએક્સ અને એનિમેશનમાં મહેનત થઈ છે, પરંતુ અભિનેતા અને દિગ્દર્શકની નિષ્ફળતાને કારણે ફિલ્મને કોઈ બચાવી શકે એમ નથી. 250 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું આ ફિલ્મને! નફો તો છોડો, મૂળ ખર્ચ પણ સરભર કરી શકે તો સારું!

Related posts

સેન્સેક્સમાં ૯૦૦ અને નિફ્ટીમાં ૨૭૨ પોઈન્ટનો જાેરદાર ઊછાળો

saveragujarat

કોંગ્રેસના પંજાને બાય બાય કરતા અને કેસરીયો ધારણ કરતા બે દિગ્ગ્જો

saveragujarat

ચીનમાં સોશિયલ મીડિયા પર મોદીને લોકો સન્માન આપે છે

saveragujarat

Leave a Comment