Savera Gujarat
Other

સિવિલ હોસ્પિટલમાં 52 મું અંગદાન થયું

સવેરા ગુજરાત/અમદાવાદ તા.૧૨

મહીસાગર જીલ્લાના લુણાવાડાના ૨૫ વર્ષીય “જયેશભાઇ નટ” બ્રેઇનડેડ થતા પિતાએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો.
નટ શબ્દ સાંભળીને માનસ પટલ પર ચોક્કસ થી નાનપણ માં જોયેલું કોઈ એવું દ્રશ્ય પ્રતિબિંબિત થયું હશે. જેમાં એક નાની દીકરી કે દીકરો થોડી ઉંચાઈ પર બાંધેલા દોરડા પર ચાલીને કરતબ બતાવી લોકોનું મનોરંજન કરી રહ્યા હોય. આમ જયેશભાઈ પોતે ભલે આ વ્યવસાય સાથે જોડાયેલા ન હતા પરંતુ જેમ દરેક ગરીબજન ઊંચાઈ પર બાંધેલ ગરીબીની એક દોરી પર રોજ ચાલીને જીવન અને મરણ વચ્ચે પોતાના અસ્તિત્વનું સંતુલન જાળવે છે.જ્યાં તેને પોતાના પરિવારની દૈનિક જરૂરિયાતને સંતોષવા માટે એક નટ સમુદાયની જેમ જ રોજ સંઘર્ષ કરવો પડતો હોય છે.
આવા જ એક ધૂળાભાઇ નટ (બ્રેઇનડેડ જયેશભાઇના પિતા)ની એક મોટી દીકરી અને એકનો એક જુવાનજોધ ૨૫ વર્ષના જયેશની વાત છે. કોઈ પણ મા-બાપની જેમ જ જયેશના પિતાને પણ દિકરો મોટો થતા તે પગભર બનીને હવે પરિવારની પડખે ઉભો રેહશે તેવી આશાની કિરણ જાગી.પરંતુ કુદરતને જાણે એ મંજુર જ ન હતું. એટલે એક જ ઝાટકે કાળની બેરહેમ ઘડી આવી અને જયેશને ૧૦ મી એપ્રિલે ટેમ્પાનો માર્ગ અકસ્માત નડ્યો…આ માર્ગ અકસ્માતમાં તેને માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ અને બ્રેઇન હેમરેજ થઈ ગયુ..જયેશને ગંભીર પ્રકારની ઇજામાંથી ઉગારવાના ધરખમ પ્રયાસો સિવિલ હોસ્પિટલના તબીબો અને પરિવારજનોએ કર્યાં. પરંતુ જીવન અને મરણ વચ્ચેના કાળ સમયમાં ૧૧ મી એપ્રિલ ના રોજ ૮.૪૬ કલાકે તબીબોએ જયેશને બ્રેઇનડેડ જાહેર કર્યા.પિતા ધૂળાભાઇને જ્યારે સિવિલ હોસ્પિટલના તબીબોએ બ્રેઇનડેડના સમાચાર આપ્યા ત્યારે તબીબોએ તો આ દ્રશ્ય જોઇને પોતાનાં આંસુ રોકી લીધા હતા. પરંતુ પિતા ધૂળાભાઇના આંસુ રોકાયે રોકાતા ન હતા.
આ પ્રસંગે જ્યારે સહાનુભૂતિને નેવે મૂકીને પરાનુભૂતિ એટલે કે પોતાની જાત ને એક ક્ષણ માટે આ પરિસ્થિતિમાં મૂકીને જોઇશું તો સંવેદનશીલતાથી વાકેફ થઇ શકીશું. જ્યાં દિકરાને બ્રેઇનડેડ જોઇ પિતા ધૂળાભાઇના આંસુ પણ રોકાયે રોકાતા ન હતા તેવામાં દિકરા પ્રત્યેની લાગણી થી ઉપર દાનનું મહત્વ સમજીને તેઓએ દિકારાના અંગોના દાંન કરવાનો પવિત્ર નિર્ણય કર્યો.!!
પિતા ધૂળાભાઇએ અંગદાન માટે હા પાડતા સિવિલના તબીબો દ્વારા બ્રેઇનડેડ જયેશભાઇના અંગોને રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા.કલાકોની ભારે જહેમત બાદ બ્રેઇનડેડ જયેશભાઇના અંગદાનમાં હ્રદય, ફેફસા, એક કિડની અને લીવરનું દાન મળ્યું.હ્રદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં અને ફેફસાને મુંબઇની ગ્લોબલ હોસ્પિટલમાં ગ્રીનકોરિડોર મારફતે જ્યારે કિડની અને લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રત્યારોપણ માટે ગણતરીની મીનીટોમાં મોકલવામાં આવ્યાઅમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, અંગદાનની સમગ્ર પ્રક્રિયામાં હ્રદય અને ફેફસાનું રીટ્રાઇવલ અને પ્રત્યારોપણ અત્યંત ગંભીર અને જટીલ હોય છે. ગણતરીના કલાકોમાં જ આ બંને અંગોને પ્રત્યારોપણ માટે સામેના વ્યક્તિ સુધી પહોંચાડવા ગ્રીનકોરિડોરની મદદ લેવી પડતી હોય છે.
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ૫૨ અંગદાતાઓ થકી મળેલા ૧૫૮ અંગોમાંથી ૮ હ્રદય અને ૮ ફેફસાનું દાન મેળવવામાં સફળતા મળી છે.

Related posts

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું કેન્યા, નાઈરોબીમાં પરમ ઉલ્લાસભેર અને ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું

saveragujarat

અમદાવાદ સિવિલની ૧૨૦૦ બેડ મહિલા અને બાળ રોગ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર માટે જવું છે?

saveragujarat

જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટના વધુ બે કેસ

saveragujarat

Leave a Comment