Savera Gujarat
Other

અમદાવાદમાં થયેલા પાટીદાર આંદોલનના ૧૦ કેસ પરત ખેંચાયા

સવેરા ગુજરાત/ગાંધીનગર:૨૦૧૫માં રાજ્યમાં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે અમદાવાદમાં થયેલા ૧૦ જેટલા કેસ પરત ખેંચી લેવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. ટીવી રિપોર્ટ્‌સ અનુસાર, અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં નોંધાયેલા ૨ કેસ ઉપરાંત, નરોડા, રામોલ, બાપુનગર, સાબરમતી, નવરંગપુરા, શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૧-૧ કેસ અને ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલો એક કેસ પરત ખેંચી લેવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે. હાર્દિક પટેલ સામે નોંધાયેલા બે કેસ પણ પરત ખેંચવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિકે એક મહિના પહેલા ચેતવણી આપી હતી કે જાે ૨૩મી માર્ચ સુધીમાં સરકારે પાટીદારો સામેના કેસ પરત ના ખેંચ્યા તો આખા રાજ્યમાં આંદોલન શરુ કરવામાં આવશે.
હાર્દિક પટેલ સામે રાજદ્રોહ ઉપરાંત, જાહેરનામાનો ભંગ કરવા સહિતના કેસો નોંધાયેલા છે. વિસનગરમાં એમએલએની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં નીચલી કોર્ટ તેમને સજા પણ ફટકારી ચૂકી છે, અને હાલ હાઈકોર્ટમાં આ મામલો પેન્ડિંગ છે. અમદાવાદના જે ૧૦ કેસ પરત ખેંચવાની જાહેરાત કરાઈ છે, તેમાં આરોપીઓની સંખ્યા કેટલી છે તેની ચોક્કસ વિગતો બહાર નથી આવી શકી. પાટીદાર આંદોલન દરમિયાન અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં વ્યાપક ભાંગફોડ તેમજ આગજનીની ઘટનાઓ બની હતી. વસ્ત્રાલમાં ટોળું તોફાની બનતાં પોલીસે ફાયરિંગ પણ કર્યું હતું, જેમાં પિતા-પુત્રના મોત નીપજતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઉપરાંત, બાપુનગરમાં પણ થયેલી ધમાલ બાદ શ્વેતાંગ પટેલ નામના એક યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. રાજ્યના અલગ-અલગ હિસ્સામાં બનેલી ઘટનાઓમાં કુલ ૧૪ પાટીદાર યુવકોના મોત થયા હતા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસતા કેન્દ્રિય દળોને પણ બોલાવવા પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ૨૫ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે મોટી રેલીનું આયોજન કર્યું હતું, જેમાં લાખો પાટીદારો ઉમટી પડ્યા હતા. હાર્દિક પટેલે તે વખતે જીએમડીસી ગ્રાઉન્ડમાં જ ધરણા યોજવાની જાહેરાત કરતાં પોલીસે ટોળાંને વિખેરવા માટે જાેરદાર લાઠીચાર્જ કર્યો હતો, અને હાર્દિકની અટકાયત કરી હતી. તે વખતે સમગ્ર રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. રાજ્યમાં શાંતિ બહાલ કરવા માટે ખુદ પીએમ મોદીએ તે વખતે અપીલ કરી હતી. પાટીદાર આંદોલનને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયેલા તત્કાલિન સીએમ આનંદીબેન પટેલે થોડા સમયમાં જ પોતાની ખુરશી પણ ગુમાવવી પડી હતી, અને ૨૦૧૭માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પર્ફોમન્સ સૌથી ખરાબ રહ્યું હતું.

 

Related posts

શેરબજારને ઝટકો;સેન્સેકસમાં 1450 પોઇન્ટનો કડાકો

saveragujarat

નરેન્દ્ર મોદી ૧૦ જાહેર સભા-૧૦ હજાર કિલોમીટરનો પ્રવાસ કરશે

saveragujarat

11મા ખેલ-મહાકુંભનો શુભારંભ

saveragujarat

Leave a Comment