Savera Gujarat
Other

આચાર્ય દેવવ્રતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ૭૫૬ જેટલાં પદવી પ્રાપ્ત કરી રહેલાં વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી

સવેરા ગુજરાત:-  ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ૧૪માં દીક્ષાંત સમારોહમાં ૭૫૬ જેટલાં પદવી પ્રાપ્ત કરી રહેલાં વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, ભારત દેશ અને ભારતીય સંસ્કૃતિને જાણવા હોય તો સંસ્કૃત ભાષા જાણવી પડશે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારત દેશ ધર્મ પરાયણ દેશ છે. ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મ સાથે જોડાયેલી છે ત્યારે, ઋષિ પરંપરાનું પાલન કરી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વેદ-પુરાણો અને શાસ્ત્રોનો અભ્યાસ કરનારા યુવાનો પ્રતિ સમાજ અપાર શ્રદ્ધા ભાવ ધરાવે છે. વેદ સંસ્કૃતિની આ ભવ્ય જ્ઞાન વિરાસતથી રાષ્ટ્ર અને સમાજને લાભાન્વિત કરવા રાજ્યપાલશ્રીએ પદવીધારકોને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારથી યુવાપેઢી સજ્જ બને અને આ જ્ઞાન પ્રકાશથી સમસ્ત સમાજ આલોકિત થાય તેવા ઉદ્દેશથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. ભારતીય જ્ઞાન પરંપરાની ઉપાસના દ્વારા વિદ્યાર્થીઓ પોતાની જ્ઞાનસંપદાથી સમાજને સમૃદ્ધ કરે અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પુરુષાર્થ કરે તેવી શીખ પણ રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને આપી હતી.
સંસ્કૃત પૂર્ણ ભાષા છે અને અન્ય ભાષાઓની જનની છે તેમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, વેદોને ઈશ્વર દ્વારા પ્રદત્ત જ્ઞાન માનવામાં આવે છે. ધરતી પર જ્ઞાનનો આવિર્ભાવ વેદથી થયો અને ભારત દેશ સમસ્ત વિશ્વ માટે જ્ઞાનદાતા બન્યો હતો. સંસ્કૃત ભાષામાં રચાયેલા વૈદિક સાહિત્યમાં ભારતીય જીવન દર્શન સંસ્કૃતિ અને પરંપરાના દર્શન થાય છે ત્યારે તેને જાણવા સંસ્કૃત ભાષા જન સામાન્યની ભાષા બનવી જોઈએ આ વાતને ધ્યાનમાં રાખીને જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં સંસ્કૃત ભાષાને મહત્વનું સ્થાન આપ્યું છે. ગુજરાતની ધરતી ઉપર જન્મ લઈને સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોનો વૈજ્ઞાનિક અભિગમ સાથે તર્કસંગત અર્થ આપીને વૈદિક સંસ્કૃતિને જન-જન સુધી પહોંચાડવા જીવન પર્યંત પુરુષાર્થ કર્યો હતો. તેમના પ્રેરણારૂપ જીવન દર્શનને અનુસરીને વિદ્યાર્થીઓ સંસ્કૃત અને સંસ્કૃતિ પ્રત્યે સન્માનની ભાવના સુદ્રઢ બને તે માટે પુરુષાર્થ કરે તેવો અનુરોધ પણ રાજ્યપાલશ્રીએ કર્યો હતો અને પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓના સફળ જીવનની કામના કરી હતી.
શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના ચૌદમા પદવીદાન સમારોહમાં પદવીઓ અને સુવર્ણ પદકો મેળવનાર સ્નાતકોને અભિનંદન પાઠવતાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, સંસ્કૃત વિશ્વવિદ્યાલયના સ્નાતકો સમાજને ‘આત્મનિર્ભરતા’નો સાચો મર્મ સમજાવશે.


સંસ્કૃત ભાષાના સંવર્ધન અને પ્રચાર-પ્રસાર માટે યોગદાન આપનાર વિદ્વાન શ્રી વાચસ્પતિ મિશ્રને ‘‘શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ’’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના રિચર્સ જર્નલ શોધ જ્યોતિ અને સંદર્ભ ગ્રંથ રઘુવંશમ્ દ્વિતીય સર્ગનુ મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કાર્યકારી કુલપિત શ્રી લલિતકુમાર પટેલે સંસ્કૃત વિશ્વવિદ્યાલયની ગતિવિધિઓની જાણકારી આપતા સ્વાગત પ્રવચન કર્યું હતુ. તેમજ કુલસચિવ શ્રી દશરથ જાદવે આભારવિધિ કરી હતી.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી (બી.એ.)-૩૩૩, આચાર્ય (એમ.એ.)-૧૮૪, પી.જી.ડી.સી.એ.-૧૭૪, શિક્ષાશાસ્ત્રી (બી.એડ.) ૫૧, તત્ત્વાચાર્ય (એમ.ફિલ.)-૦૯ અને વિદ્યાવારિધિ (પીએચ.ડી.)-૦૫ મળીને કુલ ૭૫૬ ડીગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. આ પદવીદાન સમારોહમાં કુલ ૨૦ ગોલ્ડ મેડલ  અને ૪ સિલ્વર મેડલ  એમ કુલ મળીને ૨૪ જેટલા પદકો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
આ દિક્ષાંત સમારોહમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી.કે લહેરી, સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી જયશંકર રાવલ, વેરાવળ-પ્રભાસ પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી સહિતના મહાનુભાવો અને પદવી મેળવનાર છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પૃથ્વી પર પ્રલય આવી રહ્યો છે ,ઘરતી પર સર્વનાશની ૫ પ્રવૃત્તિઓની શરૂઆત થઈ ગઈ છે

saveragujarat

આપ ઈન્ડિયા સાથે પણ પંજાબ પોલીસની કાર્યવાહી નહીં અટકે ઃ અરવિંદ કેજરીવાલ

saveragujarat

લીફ્ટમાં માસુમ બાળકીને રાજકોટના શખસે બોટલથી માર માર્યાનો CCTV ફૂટેજ વાયરલ, પોલીસે શખસની કરી અટકાયત.

saveragujarat

Leave a Comment