Savera Gujarat
Other

ગુજરાતના 39 તાલુકામાં છુટા છવાયા વરસાદની હેલી : ખુશનુમા માહોલ

બુધવારથી જ ગુજરાતમાં તેજ પવનો ફૂંકાઈ રહ્યાં છે. ત્યારે ગુરુવારે મિની વાવાઝોડાની તોફાની અસર જોવા મળી છે. રાજ્યભરમાં સતત બીજા દિવસે માવઠું રહ્યું છે. આજે સવારથી 39 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. તો છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં વરસાદ  થયો છે. જેમાં સૌથી વધુ બોડેલીમાં પોણા ઈંચ વરસાદ પડ્યો છે. તો છોટાઉદેપુર, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, આણંદ, પંચમહાલ, નવસારીમાં વરસાદ નોંધાયો છે. ગઈકાલે પણ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહ્યો હતો. અનેક શહેરો અને જિલ્લામાં જનજીવન માવઠાના કારણે પ્રભાવિત થયુ છે. તાપમાનનો પારો પવન સાથેના વરસાદ (rains) ને કારણે નીચે જતા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં હિલ સ્ટેશન  જેવો માહોલ છવાઈ ગયો છે. કમોસમી વરસાદથી ઠંડીનો પારો પણ ઉંચો ચઢ્યો છે. રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનમાં 4 ડીગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. વાતાવરણમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જેથી લોકો છત્રી અને સ્વેટર સાથે લઈને ઘરની બહાર નીકળવા મજબૂર બન્યા છે. યાત્રાધામ પાવાગઢ ખાતે પણ હાલ ઠંડાગાર પવન વચ્ચે હિલ સ્ટેશન જેવો માહોલ છે. અહી આવેલા શ્રદ્ધાળુઓ ઠંઠીમાં ઠુઠવાયા છે.

બીજી તરફ, ગીર સોમનાથના દરિયામાં ભારે કરંટ અને પવન વચ્ચે ગત રાત્રે 15 જેટલી બોટ દરિયામાં ડૂબી હતી. આ ઘટનામાં કેટલાક ખલાસી લાપતા થયા છે. જેમને બચાવવા માટે હાલ ઉનામાં વહીવટી તંત્ર એલર્ટ બન્યુ છે. આ માટે નેવીના હેલિકોપ્ટરની પણ મદદ લેવાઈ છે. તો પ્લેન દ્વારા સતત દરિયામાં રેસ્ક્યૂ કામગીરી ચાલુ કરાઈ છે. જેમાં 4 ખલાસીનો આબાદ બચાવ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથના નવાબંદર પર વાવાઝોડા અને વરસાદને કારણે માછીમારી માટેની પાંચ બોટમાં રહેલા 14 જેટલા ખલાસી માછીમારો પૈકીના 8 જેટલા વ્યક્તિઓના સમુદ્રમાં ગુમ થઈ જવાની ઘટના અંગે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી હતી. સાથે જ બચાવ રાહત માટેની તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીની આ સૂચના ને પગલે  કોસ્ટ ગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટ ગાર્ડની બોટ અને બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી છે. ગુમ થયેલા માછીમારોને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ઉપાડવામાં આવી છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ કુમારને પરિસ્થતિ પર નજર રાખવાની પણ સૂચનાઓ આપી છે.

રાજ્યમાં ભરશિયાળે આવેલો વરસાદ ખેડૂતો માટે પાકની બરબાદી લઈને આવ્યો છે. શિયાળામાં માંડ માંડ ઉભો કરેલો ખેડૂતોનો પાક બરબાદ થયો છે. શાકભાજી, ઘઉં, કપાસ, શેરડીના પાકને નુકસાન થતા ખેડૂતો પાયમાલ થઈ શકે છે. સુરતમાં માવઠાના કારણે શેરડીની કાપણી અટકી પડતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. શેરડીને કાપીના હાલ સુગર મિલમાં પહોંચાડવાની હોય છે. પરંતુ હાલ વરસાદની સ્થિતિના કારણે કાપણી અટકી પડી છે. શેરડીની સાથે કપાસના પાકને પણ માવઠાના કારણે અસર પડી રહી છે. 40 હજાર એકરમાં કપાસની વાવણી કરવામાં આવી છે. જે હાલ બગડી રહ્યો હોવાથી ખેડૂતોને 25 કરોડ જેટલાનું નુકસાન થઈ શકે છે.

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદથી કેળનો પાક ઢળી પડ્યો છે. છેલ્લા બે દિવસથી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદ સાથે મોડી રાત્રે વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાતા કેળના પાકમાં વ્યાપક અસર પહોંચી છે. જેસર ગામે વાડીમાં કેળનો પાક ભારે પવનના કારણે ઢળી પડતાં ખેડૂતને લાખોનું નુકશાન થયુ છે.

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડીડીઆરસી સેન્ટરનું કેન્દ્ર સરકાર દ્વારા આદર્શ ડીડીઆરસી (ડિસ્ટ્રિક્ટ ડિસેબિલિટી રીહેબિલેશન) સેન્ટર તરીકે નવીનીકરણ

saveragujarat

ગાંધીનગર RTOમાં આર્મીના નામે ૧૦૦૦થી વધુ બોગસ લાયસન્સ ઈશ્યૂ કર્યા

saveragujarat

જીવનમાં કામ સિવાય ઘણું બધું છેઃ બિલ ગેટ્‌સ

saveragujarat

Leave a Comment