Savera Gujarat
Other

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં ડીસા શહેરમાં રેલી યોજાઇઃડીસાવાસીઓએ પુષ્પવર્ષા કરી ઠેર ઠેર મંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત કર્યુ

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે. આજે બીજા દિવસે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી અને ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યાની ઉપસ્થિતિમાં ડીસા શહેરમાં રેલી યોજાઇ હતી. આ રેલીનું ડીસાવાસીઓએ ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરતાં મંત્રીશ્રી પર પુષ્પવર્ષા કરી, ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જૂના ડીસા પાંજરાપોળમાં પશુઓ માટે બનાવાયેલ નવિન શેડ અને ડીસાના ધારાસભ્યશ્રીના કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યુ હતું. તથા રાજપુર પાંજરાપોળની મુલાકાત લઇ જીવદયા માટે કામ કરનાર સ્વ. પ્રકાશભાઇ વીરવાડીયાના સ્મારક પર પુષ્પાજંલિ આપી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. શ્રી જુના ડીસા જૈન સંઘ અને જુના ડીસા મહાજન પાંજરાપોળ દ્વારા મંત્રીશ્રીનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જૈન સમાજ સહિત વિવિધ સમાજો દ્વારા પણ મંત્રીશ્રીનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ પૂજ્ય સુબોધ સાગર મહારાજ સાહેબને યાદ કરી પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, જૂના ડીસાની ધરતીમાં મારું બાળપણ સમાયેલું છે ત્યારે જૂના ડીસાની આ પાવન ભૂમિનું ઋણ અદા કરવાનું અને તેના સર્વાગી વિકાસ માટે હંમેશા તત્પર રહીશ. તેમણે રાજ્ય સરકારશ્રીની વતન પ્રેમ યોજના અન્વયે વતનનું ઋણ અદા કરવા જૈન સમાજના અગ્રણીઓને આહવાન કરી વતનના વિકાસમાં ભાગીદાર બનવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ કહ્યું કે, જૂના ડીસા ગામના વિકાસ માટે જૈન બંધુઓ સહિત અન્ય સમાજ અને લઘુમતિ સમાજના લોકો હળીમળીને વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બને. તેમણે અબોલ પશુઓ માટેની જીવદયાની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે, જૂના ડીસા ખાતે વર્ષો જુની પાંજરાપોળના માધ્યમથી મૂંગા પશુઓ માટે જીવદયાનું શ્રેષ્ઠ કાર્ય થઇ રહ્યું છે. આ પવિત્ર કાર્યમાં જોડાયેલ સૌ કોઇ અગ્રણીઓને કોટી કોટી વંદન કરું છું. તેમણે કહ્યું કે, મને એ વાતનો આનંદ છે કે, જૂના ડીસાના લોકો સરકારની મહત્વની જગ્યાઓ પર ફરજ બજાવી રહ્યાં છે. મંત્રીશ્રીએ લોકોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, ડીસા, જૂના ડીસા, રાજપુરના લોકોએ મારું ભવ્ય સ્વાગત કરી મને ખુબ પ્રેમ આપ્યોક છે જેનો હું કાયમ ઋણી રહીશ. તેમણે જણાવ્યું કે, ગુજરાતની શાંતિ, સલામતિ અને ભાઇચારા માટે અમારી સરકાર સંકલ્પબધ્ધ છે. રાજયના લોકો ગમે તે જગ્યાએ ભયમુક્ત વાતાવરણમાં હરી ફરી અને રહી શકે તે અમારી સરકારની પ્રાથમિકતા છે. મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, લોકોના આશીર્વાદથી અમારા મોવડી મંડળે મને રાજયના ગૃહ મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે ત્યારે લોકોની તમામ મદદ કરવા તત્પર છું. તેમણે પોલીસ જવાનોની ફરજને બિરદાવતાં કહ્યું કે, દિવાળીના તહેવારોમાં પણ પોલીસના જવાનો લોકોની સેવામાં ખડેપગે છે. પોલીસ વિભાગમાં આવનારી તમામ ભરતીઓ સંપૂર્ણ પારદર્શક રીતે કરવામાં આવશે. તેની તૈયારીમાં યુવાનો લાગી જાય તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. ડીસા આદર્શ વિધાસંકુલની પણ મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી. શાળા પરિવાર દ્વારા મંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજયસભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયા, ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, જિલ્લા ભાજપ પ્રભારીશ્રી સુરેશભાઇ શાહ અને શ્રી નંદાજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહાણ, અગ્રણીઓ સર્વશ્રી ભારતસિંહ ભટેસરીયા, શ્રી રાજુભાઇ ઠક્કર, શ્રી રજનીભાઇ જૈન, જૂના ડીસાના સરપંચશ્રી બબાભાઇ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

લીંબુનો રેકોર્ડ ભાવ : હવે 10-15 રૂપિયાના નંગ મુજબ વેચાવા લાગ્યા

saveragujarat

સાળંગપુરમાં હનુમાન દાદાની મૂર્તિ રૂ. ૪ કરોડના ખર્ચે તૈયાર

saveragujarat

૧ લાખ પરિવારો ૩ દિવસ ભૂખ્યાં-તરસ્યાં રઝડ્યાં

saveragujarat

Leave a Comment