Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

જય જય ગરવી ગુજરાત: ૭૫મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની

સવેરા ગુજરાત, અમદાવાદ  ,તા.30

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે.

તેમના દિશાદર્શનમાં રાજ્ય સરકારે ૨૦૦૬થી ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરીને તેને વિશ્વફલક પર પ્રસ્થાપિત કર્યું હતું. ધોરડો આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે.

આ ઓળખના પરિણામરૂપે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ કરીને ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’નો એવોર્ડ ૨૦૨૩માં એનાયત કરવામાં આવ્યો છે.


ગુજરાતને મળેલા આ ગૌરવ સન્માન ‘ધોરડો વર્લ્ડ ટુરીઝમ વિલેજ-UNWTO’ની થીમ આધારિત ઝાંખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ૭૫મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરવામાં આવી હતી.

૭૫મા પ્રજાસત્તાક પર્વની આ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને પરેડમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોનની પ્રેરક ઉપસ્થિતિમાં કર્તવ્ય પથ પર રજૂ થયેલી રાજ્યોની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલા આ નયનરમ્ય ટેબ્લોને પીપલ્સ ચોઈસ એવોર્ડઝ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે.

પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રતિવર્ષ દેશભરના રાજ્યો અને વિવિધ વિભાગો દ્વારા ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવે છે. ર૦ર૪ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના રાજ્યો, કેન્‍દ્રશાસિત પ્રદેશ તથા મંત્રાલયો મળીને કુલ ૨૫ ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી.

આ ટેબ્લોઝની ઝાંખીમાં ગુજરાતના ટેબ્લોને સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ-જનતા જનાર્દનની પસંદગીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. એટલું જ નહીં, ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યુરીની ચોઈસમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ બીજો ક્રમ મેળવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતને સતત અગ્રેસર રાખવાની પરંપરાને વધુ ગતિ અપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં થયેલા સરાહનીય પ્રયાસોને વધુ એક સફળતા આ ટેબ્લોના વિજેતા થવાથી મળી છે.

ગુજરાતના ટેબ્લોમાં કચ્છની ઓળખ સમા ‘ભૂંગા’, રણોત્સવ, ટેન્ટ સિટી અને કચ્છના વિવિધ ભરતગૂંથણ, ગ્રામીણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિને દર્શાવતાં નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. ટેબ્લોની સાથે UNESCOના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’માં તાજેતરમાં જ સામેલ કરવામાં આવેલા ગુજરાતના ભાતીગળ ગરબાની પ્રસ્તુતિએ ચાર ચાંદ લગાવી દીધા હતા.

આ ટેબ્લોની સાથે રજૂ થયેલા ગરબામાં કચ્છી ગાયિકા સુશ્રી દિવાળીબહેન આહિરે તેમનો કંઠ આપીને સંગીતબદ્ધ કર્યો હતો અને ટેબ્લો આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડમાં જન આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

ગુજરાતનો ટેબ્લો આ ઉપરાંત દેશની જનતા જનાર્દનની પણ પ્રથમ પસંદગીનો ટેબ્લો બન્યો છે અને દેશભરનાં રાજ્યોમાં સૌથી વધુ ૩૨ ટકા વોટ શેર સાથે સતત બીજીવાર પીપલ્સ ચોઈસ એવોર્ડમાં ગુજરાત અગ્રીમ સ્થાને રહ્યું છે.

અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ૨૦૨૨ થી ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે ”My Gov platform” મારફતે દેશની આમ જનતા પાસેથી મત મેળવીને પરેડમાં ભાગ લેનારી સૈન્ય ટુકડીમાંથી શ્રેષ્ઠ ટુકડી અને રાજ્યો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સાંસ્કૃતિક ઝાંખીમાંથી શ્રેષ્ઠ ઝાંખી પસંદ કરી ”પીપલ્સ ચોઈસ એવોર્ડ” આપવાનો પ્રારંભ કર્યો છે. આ હેતુસર નાગરિકો પાસે ઓનલાઈન વોટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

તદઅનુસાર, આ વર્ષે તા.૨૬ થી ૨૮ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાનની ઓનલાઈન વોટિંગની પ્રક્રિયામાં કુલ વોટ્સ પૈકી સૌથી વધુ ૩૨ ટકા વોટ્સ ગુજરાતની ઝાંખીને પ્રાપ્ત થયા હતા અને ગુજરાતનો ટેબ્લો પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં સતત બીજા વર્ષે અગ્રિમ વિજેતા જાહેર થયો છે. ગયા વર્ષે પણ ગુજરાતનો ટેબ્લો પીપલ્સ ચોઈસ એવોર્ડમાં પ્રથમ ક્રમે રહ્યો હતો.

આ ઉપરાંત એવોર્ડ પસંદગી સમિતિ-જ્યુરીની પણ સેકન્ડ ચોઇસ બનવાનું ગૌરવ ગુજરાતના ટેબ્લોએ હાંસલ કર્યું છે. વર્ષ ૨૦૦૮માં ગુજરાતના ટેબ્લોને જ્યુરી ચોઈસમાં સ્થાન મળ્યા પછી ફરી એકવાર આ વર્ષ એટલે કે ૨૦૨૪ના પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ગુજરાતના ટેબ્લોને જ્યુરી ચોઈસમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત થયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા બદલ સૌનો આભાર માનતા કહ્યું કે, કચ્છ સહિત ગુજરાતના પ્રત્યેક નાગરિકની આ જીત છે, પ્રવાસન અને સાંસ્કૃતિક વિરાસત ક્ષેત્રે ગુજરાતની આ આગવી સિદ્ધિ છે.

કચ્છના ધોરડોને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનું ગૌરવ સન્માન તેમજ ગુજરાતની ઓળખ સમા ગરબાને વિશ્વના અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું મળેલું સન્માન દિલ્હીમાં કર્તવ્યપથ ઉપર ઝળક્યું છે તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે તેમ તેમણે ઉમેર્યું છે.

આ પ્રતિષ્ઠિત એવોર્ડ નવી દિલ્હીમાં ૨૯ જાન્યુઆરીએ આયોજિત એવોર્ડ વિતરણ સમારોહમાં ભારત સરકારના રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટના હસ્તે ગુજરાતના માહિતી અને પ્રસારણ સચિવ તેમ જ મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે આ એવોર્ડ માહિતી નિયામક ધીરજ પારેખ સાથે સ્વીકાર્યો હતો.

ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, માહિતી નિયામક ધીરજ પારેખ, અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમા પંકજભાઈ મોદી તથા નાયબ માહિતી નિયામક સંજય કચોટનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હતું. આ ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડના સિદ્ધેશ્વર કાનુગાએ કર્યું હતું

Related posts

ઉત્તરાયણ માટે કોટ વિસ્તારની પોળોના ધાબાના ભાડા ૩ લાખ સુધી

saveragujarat

રાજ્યના ૧૧૫ સરકારી વકીલોના પ્રોબેશન પૂર્ણ થયાના હુકમો કરાયા

saveragujarat

અમે વિકાસના કામોનો મુદ્દો જનતાની વચ્ચે લઈ જઈએ છીએઃ કુશવાહા

saveragujarat

Leave a Comment