Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

અમદાવાદમાં ૨૯મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનો મુખ્યમંત્રીના હસ્તે થયો પ્રારંભ

સવેરા ગુજરાત, અમદાવાદ તા. 21

અમદાવાદ,  : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત નેટ ઝીરો તરફ મક્કમ ગતિએ આગળ વધી રહ્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં ગ્રીન બિલ્ડિંગ અને તેનાં ઝીરો ડિસ્ચાર્જ વ્યવસ્થા વિકસેલી છે. વડાપ્રધાનએ પાણીને પરમેશ્વરનો પ્રસાદ માનીને વિવેકપૂર્ણ ઉપયોગ માટે આપેલી શીખને અનુસરતા હવે ‘નેટ ઝીરો વોટર ઇનબિલ્ટ એન્વાયરમેન્ટ’ તરફ આગળ વધવું છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ અમદાવાદમાં ૨૯મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં થનારી ચર્ચા-તારણો સરકાર માટે ઉપયોગી બનશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દર્શાવ્યો હતો.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનએ મિશન લાઇફ દ્વારા આપણા રોજબરોજના જીવનમાં પણ પાણી, વીજળી બચાવવા અને પર્યાવરણ જાળવણી સાથેની જીવનશૈલી અપનાવવાનો કોન્સેપ્ટ આપ્યો છે.

તાજેતરમાં વડાપ્રધાનના હસ્તે સુરતમાં ખુલ્લું મુકવામાં આવેલું ડાયમંડ બુર્સનું વર્લ્ડક્લાસ બિલ્ડિંગ પણ ઝીરો ડિસ્ચાર્જ ટેક્નિકનું ઉત્તમ ઉદાહરણ છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગુજરાતે તો ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે આયોજન, G20ની સફળતા, રણ પ્રદેશના ધોરડો જેવા નાના ગામને વર્લ્ડ બેસ્ટ ટૂરિઝમ વિલેજ બનાવવા જેવી સિધ્ધીઓ મેળવેલી છે.

દુનિયાના વિકસિત દેશો પણ આજે ભારતની ક્ષમતા અને સામર્થ્યની નોંધ લે છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિઝનરી લીડરશિપવાળી એક વ્યક્તિ કેવા મોટાં બદલાવ લાવી શકે તે વડાપ્રધાન નરેન્દ્રભાઇએ બતાવ્યું છે.

ભૂપેન્દ્ર પટેલે પાણીનું એક પણ ટીપું વ્યય ન થાય અને ઉપલબ્ધ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ થાય તેને બિલ્ડર્સ, ઉદ્યોગકારો, પ્લમ્બિંગ સેક્ટર સાથે સંકળાયેલા વેપારીઓ સૌની સહિયારી જવાબદારી ગણાવી હતી. તેમણે કહ્યું કે, નળમાંથી ટપકતા એક એક ટીપાને અટકાવીને વર્ષે દિવસે હજારો લીટર પાણી બચાવી શકાય છે.

આ અવસરે સહકાર અને લઘુ-સુક્ષ્મ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત વરસાદી પાણીના બચાવ અને જળસંચય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જાય છે. તેમણે કહ્યું કે, વિશ્વના ત્રણ દેશોમાં જ ક્લાઈમેટ ચેન્જ વિભાગ કાર્યરત હતા, એવા સમયમાં નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં આલાયદો ક્લાઈમેટ ચેન્જ વિભાગ શરૂ કર્યો. આ સાથેજ તેમણે કહ્યું કે વર્ષ ૨૦૧૪માં નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો ત્યારે દેશમાં લોકોના ઘરોમાં માત્ર ૧૪% પાણીની લાઈનોના કનેક્શન હતા, પરંતુ તેમના સફળ નેતૃત્ત્વ હેઠળ આજે ગુજરાત અને ભારતમાં મોટા ભાગના લોકોના ઘરોમાં પાણીની લાઈનોના કનેક્શનો પહોંચાડાયા છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં તળાવોને ઇન્ટરલીન્ક કરવાનું કામ ચાલી રહ્યું છે. તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ આઈ.ટી.આઈ જેવી સંસ્થાઓમાં વોટર પ્લમ્બિંગનો કોર્સ શરૂ કરવાનું સૂચન પણ કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, નેશનલ પ્લમ્બિંગ કોન્ફરન્સમાં અહીંયા જે પણ એન્જિનિયર અને મહાનુભાવો ઉપસ્થિત છે તે તમામ આ ક્ષેત્રમાં નિષ્ણાત છે. પાણી બચાવવા અને અને ભવિષ્યમાં લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે તેમના સાર્થક પ્રયત્નો બદલ શુભેચ્છાઓ પાઠવું છું.

આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે બી.ઓ. પ્રસન્ન કુમારને IPA લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ-૨૦૨૩ એનાયત કરવામાં આવ્યો હતો. સાથોસાથ નોંધપાત્ર યોગદાન બદલ ડિસ્ટિંગવીશ પાર્ટનર એવોર્ડ પણ મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવ્યા હતાં

આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ઇન્ડીયન પ્લમ્બિંગ એસોસિયેશનના નેશનલ પ્રેસિડેન્ટ ગુરમીતસિંઘ અરોરા, HCPના ડાયરેક્ટર બિમલ પટેલ, IPA-અમદાવાદના ચેરમેન મિનેશ શાહ તેમજ પ્લમ્બિંગ ઇન્‍ડસ્ટ્રી સાથે સંકળાયેલા એન્જિનિયર, ઉદ્યોગકારો તેમજ ક્ષેત્ર તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

માસૂમને ર્નિદયતાથી મારવા બદલ આયાને ૪ વર્ષ જેલની સજા ફટકારી

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં રેકર્ડબ્રેક ત્રણ અંગદાન, સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે અવિસ્મરણીય સિધ્ધી આરોગ્યમંત્રીએ વિડીયો સંદેશના માધ્યમથી હોસ્પિટલ ટીમને પાઠવ્યા અભિનંદન

saveragujarat

ખાટુશ્યામમાં ફાટેલા જીન્સ, પાફ પેન્ટ, સ્કર્ટ પર પ્રતિબંધ

saveragujarat

Leave a Comment