Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

3 જી ડિસેમ્બર -વિશ્વ ડિસેબિલીટી દિવસ જન્મજાત દિવ્યાંગતા ધરાવતા બે ટ્વીન્સ પૈકી રાજ પટેલ મોતના મુખમાંથી બહાર આવ્યો

 

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.2 ડિસેમ્બર

હલન-ચલન સહિતની રોજીંદી ક્રિયાઓમાં તકલીફ અનુભવતા રાજને અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદીએ સફળ સર્જરીથી નવજીવન બક્ષ્યું
.8 વર્ષ પહેલા સર્વાઇકલ સ્પાઇનની સર્જરી થઇ હતી
.વર્ષ બાદ પાંચમાં અને છઠ્ઠા મણકાની ગાદી ખસી જવાના કારણે સર્વાઇકલ સ્પાઇનમાં જ તકલીફ થતા પરિજનો એકાએક હોસ્પિટલ દોડી આવ્યા
.સામાન્ય વ્યક્તિમાં રીવીઝન સ્પાઇન સર્જરી પણ સરળતાથી પાર પાડી શકાય છે પરંતુ સ્પેશયલ ચાઇલ્ડને સર્જરી પહેલા 6 કલાક ભૂખ્યા રાખવાની બાબત થી લઇ ઓપરેશન ટેબલ સુધીની સંભાળ અત્યંત ચેલેન્જીંગ બની રહી
દિવ્યાંગજનોને તેમના અધિકાર મળે સમાજમાં સમાન દરજ્જો અને તક મળે તે ઉમદા ઉદ્દેશય સાથે દર વર્ષે સમગ્ર વિશ્વમાં 3 જી ડિસેમ્બર “વિશ્વ ડિસેબિલીટી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરતો એક કિસ્સો ધ્યાને આવ્યો છે. જેમાં ઉંઝાના બે ટ્વિન્સ દિવ્યાંગ બાળકો પૈકી 27 વર્ષના રાજ દિલીપભાઇ પટેલને સર્વાઇકલ સ્પાઇનમાં વર્ષ 2016 થી તકલીફ હતી.જેના કારણે હલન-ચલન, રોજીંદી ક્રિયાઓમાં અત્યંત તકલીફ વેઠવી પડતી હતી. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમના માતા-પિતાએ જન્મજાત દિવ્યાંગતા ધરાવાતા બને સંતાનોને જીવની જેમ સાચવ્યા અને સંભાળ લીધી. વર્ષ 2016 માં રાજ પટેલને ત્રીજા અને ચોથા મણકામાં તકલીફ થઇ હતી જેને સર્જરી કરીને દૂર કરવામાં આવી હતી.


પરંતુ આ વખતે આઠ વર્ષ બાદ થોડા દિવસ અગાઉ જ્યારે રાજના માતા-પિતાને તેની સામાન્ય રોજીંદી પ્રક્રિયામાં કંઇક બદલાવ જોવા મળ્યો, રાજને લકવો થઇ રહ્યો હોય અને 8 વર્ષ પૂર્વે થયેલી તકલીફ જેવી જ પરિસ્થિતિ સર્જાઇ હોઇ તેવી ભીંતી થઇ ત્યારે તેના માતા-પિતા આ વાતને ગંભીરતાથી લઇને અમદાવાદ માં ડૉ..જે.વી. મોદી પાસે પહોંચ્યા.
રાજ આ વખતે જરાય પણ હલન-ચલન માટે સક્ષમ ન હતો જેથી તેને ઉંચકીને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. તે સ્પેશ્યલ ચાઇલ્ડ હોવાથી સામાન્ય બાળકોની સરખામણીએ તેનું બિહેવર થોડુ અલગ હતું. જેના કારણે નિદાન , સારવાર અને સર્જરી વખતે પણ ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો.
તબીબોએ રાજનું એમ.આર.આઇ. કરાવતા ખબર પડી કે ,આ વખતે તેના પાંચમાં અને છટ્ઠા મણકાની વચ્ચે ગાદી ખસી જવાના કારણે ગાદી મણકામાં દબાણ ઉદભવ્યું છે જેના પરિણામે તે લકવાગ્રસ્ત થઇ ગયો છે.
આવી પરિસ્થિતિમાં ઇમરજન્સીમાં સર્જરી કરવી પડે તેમ હતી.પરંતુ સ્પેશયલ ચાઇલ્ડ હોવાના કારણે સર્જરી પહેલા 6 કલાક ભુખ્યા રાખવા થી લઇ ઓપરેશન થીયેટરમાં લઇ જતી વખતે મનાવવા ખુબ જ મુશકેલ હતો. તેના માતા-પિતાનું વ્હાલ, લાગણીઓ અને ડૉક્ટરના અનુભવ અને વાત્સલ્યના કારણે રાજનું ઓપરેશન પ્લાન કરવામાં સફળતા મળી.પરંતુ વાત અહીંયા પૂર્ણ થાય એમ ક્યાં હતી?
ડૉ. મોદીનું કહેવું છે કે , આ પ્રકારની રીવીઝન સ્પાઇન સર્જરી ખુબ જ પડકારજનક હોય છે, એમાં પણ ખાસ કરીને સ્પેશયલ ચાઇલ્ડની આ સર્જરી કરવી ખુબ જ જોખમ ભરેલી પણ હોય છે જેમાં તકેદારી રાખવી અતિઆવશ્યક છે.
સામાન્ય બાળકો કે યુવકોમાં આ પ્રકારની સર્જરી અડધા કલાકમાં પૂર્ણ કરીને તેને સાજા કરી શકાય છે. પાંચમા છઠ્ઠા મણકામાં સામાન્યપણે એક બાજુ દબાણ ઉદભવતું હોય છે. પરંતુ આ કિસ્સામાં આખો ટુકડો દબાણ ઉભુ કરી રહ્યો હતો. જેથી સામાન્ય પણે અડધા કલાક ચાલતી સર્જરી 2 કલાક જેટલા સમય સુધી ચાલી . સર્જરી સફળ રહી. સર્જરીના અંતે હાલ રાજ સંપૂર્ણપણે સ્વસ્થ છે. હલન-ચલન કરી શકે છે. તેના પરિવારજનોના મુખ પર સંતોષનો ભાવ છે.


આ અંગે યુવકના માતા સંગીતાબહેન પટેલે જણાવ્યું હતું કે, જન્મતા જ બન્ને ટ્વિન્સ સંતાનોને દિવ્યાંગતા હતી અને એક બાળકને તે વધતી ગઇ હતી. તેને ચાલવા સહિતની રોજીંદી ક્રિયામાં તકલીફ થઇ હતી. તે સમયે તબીબોએ ઓપરેશન કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે,તે વખતે તબીબે સર્જરી કરી હતી. ત્યારબાદ થોડા દિવસો પહેલાં ફરી આવી તકલીફ થઇ હતી તે વખતે ડૉ.મોદીએ સર્જરી કરી છે અને હવે મારો દિકરો સારી રીતે ચાલી શકે છે અને રોજીંદા કામ પણ કરી શકે છે.
ઊંઝાનો યુવક જન્મજાત ડિસેબલ હોવાને કારણે તે સતત હલન ચલન કરતો હતો અને જીદ્દી છે. જેના કારણે સર્જરી કરવી જટીલ હતી. કેમ કે યુવકને એનેસ્થેસિયા કેવી રીતે આપવો તે પણ પ્રશ્ન હતો. પરંતુ તમામ પ્રશ્નો વચ્ચે બે વખત સર્જરી કરવામાં આવી છે અને બન્ને સર્જરી સફળ થઇ છે. હવે યુવક ચાલી શકે છે અને પોતાના કામ કરી શકે છે.આમ સામાન્ય પણે અમે આ પ્રકારની સર્જરી કરીએ જ છે પરંતુ સ્પેશયલ ચાઇલ્ડની આ પ્રકારની સર્જરી અમારી માટે ખુબ જ ચેલેન્જીંગ હતી.અને સર્જરી બાદ જે પરિણામ મળ્યું તે ખરેખર એક ચમત્કાર છે. (ડો.જે.વી.મોદી, સિવિલ હોસ્પિટલ પૂર્વ સુપ્રીટેન્ડટ એન્ડ સ્પાઇન સર્જન)

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૨૦૦ સિદ્ધિતપ તપસ્વીઓનો પારણોત્સવ યોજાયો

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષમાં ૧૦૦ લીવર અને ૨૦૦ કિડનીનું દાન મળ્યું

saveragujarat

એપ્રિલથી પેઈનકિલરથી લઈને એન્ટિબાયોટિક્સ દવાઓ મોંઘી થશે

saveragujarat

Leave a Comment