Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન પર

સવેરા ગુજરાત,ગાંધીનગર, તા.૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બ્લૂ ઇકોનોમીને સતત પ્રોત્સાહન અને ગુજરાત સરકારની વિવિધ પ્રોત્સાહક નીતિઓના કારણે ગુજરાતમાં માછલીઓનું ઉત્પાદન સતત વધી રહ્યું છે અને માછીમારો દિવસેને દિવસે સમૃદ્ધ થઇ રહ્યા છે. રાજ્યમાં આ બ્લૂ ઇકોનોમી તેમજ માછીમારોને વધુ પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યમાં રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરી રહી છે.ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ દર વર્ષે ૧૦ જૂલાઈના રોજ ઉજવવામાં આવે છે અને દેશના દરિયાકાંઠો ધરાવતા રાજ્યો આની ઉજવણી કરે છે. ગુજરાતમાં આ વર્ષે ૧૦ જૂલાઈના રોજ વેરાવળમાં અને ૧૧ જૂલાઈના રોજ પોરબંદર, જાફરાબાદ, માંગરોળ અને ઓખામાં આ દિવસની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્ર સાથે સંબંધિત મોર્ડન ટેક્નોલોજી વિશે માછીમારોને જાણકારી આપવામાં આવશે. રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણીના કેટલાક દિવસ પહેલાના આંકડાઓ પરથી જાણકારી મળે છે કે ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ સ્થાને છે, જ્યારે અન્ય તમામ પ્રકારના સ્ત્રોતોમાંથી થતા કુલ માછલીના ઉત્પાદનમાં દેશમાં પાંચમા સ્થાન પર છે. છેલ્લા ૪ વર્ષોની વાત કરીએ તો ગુજરાતમાં કુલ માછલીના ઉત્પાદનનો આંકડો વાર્ષિક સરેરાશ લગભગ ૮.૫ લાખ મેટ્રિક ટન રહ્યો છે.વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્યમાં પ્રોવિઝનલ દરિયાઈ માછલીનું ઉત્પાદન ૬,૯૭,૧૫૧ મેટ્રિક ટન, જ્યારે આંતર્દેશીય માછલીનું ઉત્પાદન ૨,૦૭,૦૭૮ મેટ્રિક ટન રહેવાની સંભાવના છે. આ રીતે, વર્ષ ૨૦૨૨-૨૩માં ગુજરાત રાજ્યનું કુલ માછલી ઉત્પાદન લગભગ ૯,૦૪,૨૨૯ મેટ્રિક ટન રહેવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દેશનો સૌથી લાંબો ૧૬૦૦ કિમીનો દરિયાકિનારો છે, જેનો સીધો લાભ અહીંના માછીમારો અને મત્સ્ય ઉદ્યોગને થાય છે. ગુજરાત સરકારની સકારાત્મક અને પ્રોત્સાહક નીતિઓનો સીધો લાભ માછીમારોની આવકમાં જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૪ વર્ષોમાં માછીમારોની આવકમાં લગભગ દોઢગણો વધારો થયો છે. વર્ષ ૨૦૧૮માં માછીમારોની આવક પરિવારદીઠ વાર્ષિક રૂ.૬.૫૬ લાખ હતી, જે હવે વધીને પરિવારદીઠ વાર્ષિક રૂ.૧૦.૮૯ લાખ થઈ ગઈ છે. નવીનતમ આંકડાઓ મુજબ, માછીમારોની આવકમાં વર્ષદીઠ આ રીતે વધારો થયો છે, વર્ષ ૨૦૧૮માં પરિવારદીઠ વાર્ષિક રૂ.૬.૫૬ લાખ, વર્ષ ૨૦૧૯માં રૂ.૬.૮૦ લાખ, વર્ષ ૨૦૨૦માં રૂ.૭.૩૯ લાખ, વર્ષ ૨૦૨૧માં રૂ.૮.૫૧ લાખ અને વર્ષ ૨૦૨૨માં રૂ.૧૦.૮૯ લાખ થઈ છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ રૂ.૨૮૬.૫૩ કરોડના વિવિધ ઘટકો ધરાવતા પ્રોજેક્ટ્‌સ માટે ભારત સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે. તેનાથી પણ રાજ્યમાં મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિઓને વેગ મળશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૦માં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો પ્રારંભ કર્યો હતો. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાએ ભારત સરકારની એક ફ્લેગશીપ યોજના છે જે દેશમાં મત્સ્ય પાલન ક્ષેત્રમાં કેન્દ્રિત અને ટકાઉ વિકાસ માટે તૈયાર કરવામાં આવી છે.આ યોજનાનો ઉદ્દેશ વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં મત્સ્ય ઉત્પાદનમાં વધુ ૭૦ લાખ ટનની વૃદ્ધિ કરવાનો છે તેમજ ૨૦૨૪-૨૫ સુધીમાં મત્સ્ય ઉદ્યોગ નિકાસની કમાણી વધારીને રૂ.૧,૦૦,૦૦૦ કરોડ કરવાનું પણ લક્ષ્ય છે. હાલમાં, ભારતમાં મત્સ્ય ઉત્પાદન ૧૬,૨૪૮.૨૭ હજાર મેટ્રિક ટન છે, અને નિકાસનો આંકડો ૧૩,૬૯,૨૬૪ મેટ્રિક ટન છે. આ કુલ મત્સ્ય નિકાસના જત્થામાં ગુજરાતની વાત કરીએ તો આ આંકડો ૧૬.૯ ટકા એટલે કે ૨,૩૨,૬૧૯ મેટ્રિક ટન છે. ગુજરાતના ૧૬૦૦ કિમી લાંબા દરિયાકાંઠાની સંપૂર્ણ ક્ષમતાનો લાભ લેવા માટે ગુજરાત સરકારે મત્સ્યપાલનના ક્ષેત્રમાં અનેક પ્રોત્સાહક પહેલો કરી છે. તેમાં ડીઝલમાં વેટના દરમાં ઘટાડો, કેરોસીન અને પેટ્રોલની ખરીદી પર સબસીડીની સુવિધા, ઝીંગા માછલીઓના પાલન હેઠળ આપવામાં આવતી જમીન, રસ્તા અને વીજળીની સુવિધાઓ, નાના માછીમારો માટેના બંદરોની માળખાકીય સુવિધાઓમાં વધારો કરવો, માઢવાડ, નવાબંદર, વેરાવળ-૨ અને સૂત્રાપાડામાં ચાર નવા મત્સ્ય બંદરોનું નિર્માણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત હવામાન અને સુરક્ષા સંબંધિત જાગરૂતતા જેવા પ્રયાસોથી ગુજરાતનો મત્સ્યોદ્યોગ અને માછીમારો સતત નવા શિખરો સર કરી રહ્યા છે.

Related posts

રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ની લીધી શુભેચ્છા મુલાકાત, આજે બપોરે ગાંધીનગર રાજભવન ખાતે કરશે શપથ ગ્રહણ…

saveragujarat

મફત રાશન યોજનામાં કર્યા ફેરફાર, ૮૦ કરોડ લોકોને થશે ફાયદો

saveragujarat

તૂર્કીમાં ભૂકંપના આંચકાથી ૧૩૦૦થી વધુનાં મોત,હજારથી વધારે ઘાયલ

saveragujarat

Leave a Comment