Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

એસજી હાઈવેના તમામ ઓવરબ્રિજ પર કેમેરાનું અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવાયું

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૬
અમદાવાદના એસજી હાઇવે પર આવેલા તમામ ઓવરબ્રિજ ઉપર સીસીટીવી કેમેરા લગાવેલા નહીં હોવાના કારણે હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપીને નાસી જનાર વાહનચાલકોને ઝડપી પાડવા પોલીસ માટે અશક્ય હતું પરંતુ હવે હાઇડેફિનેશનના સીસીટીવી કેમેરા લગાવવાની કવાયત હાથ ધરાતાં આવનારા દિવસોમાં અકસ્માત કરીને નાસી જતા વાહનચાલકોને જેલમાં જવાના દિવસો આવી જશે. એસજી હાઇવેના તમામ ઓવરબ્રિજને સીસીટીવી કેમેરાથી આવરી લેવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત સોલા સિવિલ હોસ્પિટલ પાસે આવેલા ઓવરબ્રિજ પર સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ પણ થઇ ગયા છે. થોડાક મહિના પહેલાં મેરેજ એનેવર્સરી ઊજવીને દંપતી પોતાના ઘરે ટુ વ્હીલર પર જતું હતું ત્યારે સોલાબ્રિજ પર પૂર ઝડપે આવી રહેલી કારે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી જાેરદાર હતી કે દંપતી ઊછળીને સીધું બ્રિજની નીચે પડ્યું હતું જ્યાં તેનું કરુણ મોત થયું હતું. સોલાબ્રિજ પર બનેલી આ કમકમાટીભરી ઘટના બાદ પોલીસ હરકતમાં આવી હતી અને સીસીટીવી કેટલા જરૂરી છે તેનો ખ્યાલ આવ્યો હતો. આ ઘટના બાદ એસજી હાઇવેના તમામ ઓવરબ્રિજને સીસીટીવી કેમેરાથી કવર કરવા કવાયત હાથ ધરાઇ હતી. સરખેજથી વૈષ્ણોદેવી સર્કલ સુધીનો હાઇવે સૌથી સમૃદ્ધ વિસ્તાર કહેવામાં આવે છે જ્યાં સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય છે. યંગસ્ટર પણ લોંગ ડ્રાઇવ પર જવા માટે આ રોડની પહેલી પસંદગી કરે છે. ૧૫ કિલોમીટરના આ હાઇવે પર માત્ર પાંચ જગ્યા ઉપર સીસીટીવી કેમેરા લગાવેલા છે. જે ઓવરબ્રિજના કારણે ઢંકાઇ જાય છે. એસજી હાઇવે પરના તમામ બ્રિજને આવરી લેવાય તે રીતે હાઇડેફિનેશન અને નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરા લગાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. જેના પર હવે અમલ થઇ રહ્યો છે. એસજી હાઇવે પર અવારનવાર અકસ્માત તેમજ બીજા અનેક ગુના પણ બની રહ્યા છે. જેનાં મૂળ સુધી પહોંચવા માટે પોલીસને ઓફિસ, મોલ, રેસ્ટોરાંની બહાર લગાવેલા સીસીટીવી ફૂટેજની મદદ લેવી પડે છે. ગુનેગારોને પકડવા માટે તેમજ કોઇ પણ ગુનાનાં મૂળ સુધી પહોંચવા માટે સીસીટીવી કેમેરા આજે પોલીસને વધુને વધુ ઉપયોગમાં આવી રહ્યા છે. સીસીટીવી પોલીસ માટેનું ત્રીજું નેત્ર છે. જે તેમને ડિટેક્શનમાં વધુને વધુ ઉપયોગી સાબિત થઇ રહ્યું છે. એસજી હાઈવેના ઈસ્ક્રોનબ્રિજ પર વહેલી પરોઢે કારચાલકે એક મહિલાને અડફેટમાં લેતાં તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું અને કારચાલક નાસી છુટ્યો હતો. આ હિટ એન્ડ રનના ચકચારી કિસ્સામાં ટ્રાફિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી પરંતુ હજુ સુધી મહિલાને ટક્કર મારનાર કોણ છે તે જાણી શકાયું નથી. અકસ્માત સ્થળ પર સીસીટીવી કેમેરા ન હોવાના કારણે પોલીસ માટે વાહનચાલક સુધી પહોંચવું પડકારરૂપ બની ગયું છે.સીસીટીવી કેમેરામાં સ્પીડ ડિટેકટર પણ રાખવામાં આવ્યા હોવાની શક્યતા છે. જાે કોઇ વાહનચાલક નક્કી કરેલી ગતિ મર્યાદા કરતાં વધુ ઝડપથી વાહન હંકારતો હશે તો પણ સીસીટવી કેમેરાથી ખબર પડી જશે અને સીધો ઇ-મેમો તેના ઘરે પહોચી જશે. રાજ્યનું કોઇ પણ વાહન હશે અને એસજી હાઇવે પરથી સ્પીડમાં નીકળશે તો તેના ચાલકને ઇ-મેમો મળી જશે. તમામ સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ ટ્રાફિક વિભાગ કરશે. સરખેજથી ગાંધીનગર હાઇવે પર આવેલા તમામ ઓવરબ્રિજને સીસીટીવી કેમેરાથી આવરી લેવાનું પ્લાનિંગ છે.

Related posts

લખનૌને હરાવી ચેન્નઈએ પ્રથમ જીતનું ખાતું ખોલાવ્યું

saveragujarat

કાનડા સ્કૂલની દીકરી સરસ્વતીબા ઝાલા પેરા ઓલમ્પિકમાં રાજ્યમાં પ્રથમ અને દેશમાં ત્રીજા નંબરે આવી

saveragujarat

રાયપુર ગાંધીનગર ખાતે બ્રહ્માણી માતાજીના રથ સાથે નગર યાત્રા યોજવામા આવી, દીગ્ગજ નેતાઓની હાજરીથી લોકોમા અનેરા ઉત્સાહ સાથે ખુશીની લાગણી જોવા મળી હતી

saveragujarat

Leave a Comment