Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં વિશ્વકર્મા સમાજનું સ્નેહમિલન યોજાયું

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૨૪
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં સરકારે ગુજરાતના વિકાસને સુદ્રઢ અને ગતિશીલ બનાવ્યો છે. છેલ્લા એક વર્ષમાં ટીમ ગુજરાતે અનેક જનહિતલક્ષી પગલાં લઈ સામાન્ય માણસોની નાની-મોટી મુશ્કેલીઓ દૂર કરી છે. મુખ્યમંત્રીગાંધીનગર ખાતે રાજ્યના વિશ્વકર્મા સમાજના અગ્રણીઓના સ્નેહમિલનમાં સંબોધન કરી રહ્યા હતા. સહકાર અને ઉદ્યોગ તથા માર્ગ-મકાન રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં વિશ્વકર્મા સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રીએ અભિવાદનનો પ્રતિસાદ આપતાં વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દરેક સમાજને એકજૂટ કરી વિકાસ કરવા અને વંચિત વર્ગોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે કાર્યરત છે. સરકારે ગરીબ, પછાત અને નબળા વર્ગોના લોકોની નાનામાં નાની જરૂરિયાતનું ધ્યાન રાખી નીતિ-રીતિઓ બનાવી છે. આવકના દાખલાની સમયમર્યાદામાં વધારો, નિશ્ચિત કાર્યવાહી માટે એફિડેવિટ-સોગંદનામાંમાંથી મુક્તિ, તેમજ સિનિયર સિટિઝનને યાત્રા માટે અપાતી સહાયમાં વધારો કરી નાગરિકોને સુશાસનની અનુભૂતિ કરાવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, કોરોનાને કારણે અનેક દેશો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા હતા, તેવા સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે કોવિડ મેનેજમેન્ટ કરી બતાવ્યું તેની નોંધ વિશ્વના દેશોએ પણ લીધી છે. કોવિડ નિયંત્રણો, વેક્સિન-નિર્માણ અને વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન, જેવાં પગલાંથી વડાપ્રધાનએ દેશને કોરોના મહામારીમાંથી સમયસર ઉગાર્યો છે.


મુખ્યમંત્રીએ કહ્યું કે, આટલા મોટા દેશમાં વ્યાપક સુધારા લાવવા શક્ય જ નથી એવી માન્યતાને તોડીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ, સ્વચ્છતા અભિયાન, ઓપન-ડિફેકેશન ફ્રી, ઉજ્જવલા અને ઉજાલા યોજના વગેરેને સફળ કરી બતાવ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનના આ અભિગમો આગળ ધપાવતા મારી ટીમ ગુજરાતે આ વર્ષે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ આપ્યું છે. આદિજાતિ વિસ્તારમાં એસ્ટોલ પ્રોજેક્ટથી ૨૦૦ માળ જેટલી ઊંચાઈ પર પાણી લઈ જવું, મા-કાર્ડ જેવી યોજનાઓને વ્યાપક બનાવવી જેવા અનેક વિકાસલક્ષી કામો આ સરકારે કરી બતાવ્યાં છે, તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશ્વકર્મા સમાજની ઉદ્યમશીલતાથી સુપેરે વાકેફ છે. વિશ્વકર્મા સમાજ રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં હજી વધુ પ્રમાણમાં યોગદાન આપે તેમજ સરકારની જી.આઈ.ડી.સી. અને સંલગ્ન નીતિઓનો લાભ મેળવે તે સમયની માંગ છે. મંત્રીએ વધુમાં કહ્યું કે સરકારની વિવિધ યોજનાનો લાભ નાગરિકોને મળે તે માટે વિવિધ કાર્યક્રમ કરવાની પહેલ સામાજીક સંસ્થાઓ કરે તો દરેક સમાજમાં અંત્યોદય ઉત્થાનને સાકાર કરી શકાય.


આ પ્રસંગે વિશ્વકર્મા સમાજના અગ્રણી શ્રી ભગવાનદાસ પંચાલે મુખ્યમંત્રીશ્રીની મૃદુ અને મક્કમ પ્રતિભાને તેમજ તેમની પ્રશાસનિક કાર્યરીતિને બિરદાવી હતી. બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઉદય કાનગડે મુખ્યમંત્રીના નેતૃત્વમાં અને વડાપ્રધાનના માર્ગદર્શનમાં રાજ્યનો જે વિકાસ થયો છે તેના પરિણામે સૌ સમાજ વર્ગોનું સમર્થન બે દાયકાથી ભાજપા સરકારને મળ્યું છે તેની વિગતો આપી હતી. આવનારા દિવસોમાં પણ વિકાસની રાજનીતિને વધાવી વિશ્વકર્મા સમાજ સરકાર પડખે રહેશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો તેમજ વિશ્વકર્મા સમાજના ઉપસ્થિત અગ્રણીઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

રમઝાન પહેલા ૧૪ કરોડમાં વેચાયો સૌથી મોંઘો ઊંટ

saveragujarat

પેશાવરમાં નમાજ બાદ મસ્જિદમાં આત્મઘાતી હુમલામાં ૪૬નાં મોત

saveragujarat

અમદાવાદ : હોળીના તહેવારમાં એસટી વિભાગે ૩ કરોડથી વધુની કમાણી કરી

saveragujarat

Leave a Comment