Savera Gujarat
Other

રાજકોટ પંથકમાં મોડી રાતથી શરૂ થયેલી મેઘસવારી બપોર સુધી ૧૧ ઇંચ વરસાદ ખાબકતાં પાણી પાણી…

સવેરા ગુજરાત, રાજકોટ તા. ૧૨
વલસાડ સહિત ઉત્તર ગુજરાતને ધમરોળી નાખ્યા બાદ મેઘરાજાએ હવે સૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને રાજકોટને ‘રડાર’ પર લીધું હોય તેવી રીતે ૧૬ કલાકમાં જ સાડા દસ ઈંચ પાણી વરસાવી દેતાં મોટાભાગનું જળસંકટ એક જ દિવસમાં તણાઈ જવા પામ્યું છે. બીજી બાજુ રાજકોટ માટે હજુ ૪૮ કલાક અતિ ભારે હોવાની આગાહીને પગલે શહેરમાં તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટમાં ગતરાત્રે ૧૦ વાગ્યાથી શરૂ થયેલી મેઘસવારી આજે બપોરે ૨ વાગ્યા સુધી યથાવત રહેતાં ઠેર-ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. લલૂડી વોંકળીમાંથી ૫૦૦ લોકોનું સ્થળાંતરઃ વૃક્ષ અને પાણી ભરાવાની સત્તાવાર ૬૫ ફરિયાદઃ રૈયા રોડ ઉપર શિવમ સોસાયટીમાં સેલરના કામને કારણે દસેક મકાનના પાયા હચમચી જતાં ૭૫ લોકોને આવાસ યોજનામાં ખસેડાયા
ખાસ કરીને વહેલી સવારે ૬થી ૭ વચ્ચે જ્યારે લોકો મીઠી નિદ્રા માણી રહ્યા હતા ત્યારે મેઘરાજાએ આક્રમક બેટિંગ કરીને અઢી ઈંચ જેટલું પાણી વરસાવી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. વહેલી સવારે ૬થી ૭ વાગ્યા દરમિયાન સેન્ટ્રલ ઝોનમાં અઢી ઈંચ, ઈસ્ટ ઝોનમાં બે ઈંચ અને વેસ્ટ ઝોનમાં બે ઈંચ પાણી પડ્યું છે. આ એક કલાક એવી હતી જેમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. બાકીની કલાકોમાં ધીમો-ઝડપી વરસાદ મહાપાલિકાના ચોપડે નોંધાયો છે. છેલ્લા ૧૬ કલાકમાં સૌથી વધુ ઈસ્ટ ઝોનમાં વરસાદ પડ્યો છે. બીજી બાજુ વરસાદ જાણે કે આફત બની રહ્યો હોય તેવી રીતે રતનપર અને રામનાથપરા પુલ પાસે તણાઈને બે મૃતદેહ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તંત્ર દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
જ્યારે એવી પણ તપાસ ચાલી રહી છે કે આ મૃતદેહો પાણીના વહેણને કારણે તણાઈ ગયા છે કે કારણ કંઈ બીજું છે ? આ ઉપરાંત થોરાળામાં નદી ઓળંગી રહેલા બે બાઈકસ્વાર પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ જતાં ફાયરબ્રિગેડ દ્વારા તેમનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો આરટીઓ પાછળના વોંકળામાં પાણી ભરાઈ જતાં તેમાં ફસાઈ ગયેલા ચાર લોકોને પણ બચાવી લેવાયા હતા. વરસાદને કારણે ઘાંચીવાડ શેરી નં.૮માં કમ્પાઉન્ડની દિવાલ ધરાશાયી થતાં ચાર બાળકોને ઈજા પહોંચતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.દર વર્ષે ચોમાસામાં જ્યાં પાણી ભરાવાની સૌથી વધુ ફરિયાદ રહે છે તે લલૂડી વોંકળી વિસ્તારમાં આ વર્ષે પણ પાણી ભરાઈ જતાં તંત્ર દ્વારા તાત્કાલિક ૫૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભોઇ સમાજનું ગાંધીનગરમાં સ્નેહમિલન યોજાયું

saveragujarat

લોકો ક્વોરન્ટાઈન થવાના ડરથી કોરોના ટેસ્ટ નથી કરાવતા

saveragujarat

બેંગ્લોરમાં યોજાયો સદાકાળ ગુજરાત કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

saveragujarat

Leave a Comment