Savera Gujarat
Other

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને જામનગર-દ્વારકાની મુલાકાત લેશે

જામનગર તા.26: આગામી એપ્રિલ માસના છેલ્લા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર અને દ્વારકાની મુલાકાતે આવી રહ્યા છે. જામનગરમાં તેઓ વિશ્વ આરોગ્ય સંસ્થાના વૈશ્વીક મથકનું ભૂમિપુજન કરશે તેમજ દ્વારકામાં ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરી ઓખા-બેટ વચ્ચે ચાલી રહેલા સિગ્નેચર બ્રીજના નિર્માણ કાર્યનું નિરિક્ષણ કરનાર હોવાનું જાણવા મળે છે. જો કે સત્તાવાર રીતે જામનગરના સત્તાવાળાઓને આ અંગે કોઇ વિધિવત જાણકારી મળી ન હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન- ડબલ્યુ.એચ.ઓ)ના વૈશ્વીક મથકની ભારતમાં સ્થાપના કરવા માટે આયુર્વેદ માટે વિશ્વ વિખ્યાત જામનગરની પસંદગી થઇ છે. અહીં ગુજરાતની સૌ પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં કાર્યરત છે. વળી ઇન્સ્ટીટયુટ ઓફ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ઇટ્રા)પણ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કેમ્પસમાં જ કાર્યરત છે. આથી સંભવત આ ડલબ્યુ.એચ.ઓ.ના સેન્ટર માટે જામનગર-ખંભાળિયા માર્ગ ઉપર જગ્યા સૂચિત કરવામાં આવી છે અને તે અંગેની નકશા સાથેની દરખાસ્ત ગુજરાત સરકારમાં ઇટ્રા દ્વારા મોકલી આપવામાં આવી છે.આગામી બે-ચાર દિવસમાં જ આ જગ્યાને ફાઇનલ કરી મંજૂરી આપવામાં આવે તેવી શકયતા છે. ડબલ્યુ.એચ.ઓ.ના આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશ્નલ મેડીસીન માટે જામનગરની પસંદગી કરતા ઇટ્રા અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પણ વધુ એક વખત ગૌરવાંકિત થશે. ખાસ કરીને આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિમાં નવા સંશોધનો માટે હવે જામનગર ભારતની જ નહી પરંતુ વિશ્વની આગેવાની લેશે. આ સેન્ટરનું ભૂમિપૂજન કરવા માટે આગામી એપ્રિલ માસના ચોથા સપ્તાહમાં અને સંભવત 24 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય આરોગ્ય મંત્રી, આયુષ મંત્રી જામનગરની મુલાકાતે આવે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.બિન સત્તાવાર સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે જામનગરની સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે પણ જશે અને ભગવાન શ્રી કાળિયા ઠાકરને શિશ ઝુકાવશે. કદાચ તેઓ દ્વારકાથી ઓખા જઇ શકે છે અને ઓખાથી બેટ દ્વારકા વચ્ચેના સમુદ્રમાં નિર્માણ પામી રહેલા સિગ્નેચર બ્રીજની કામગીરીની સમીક્ષા પણ કરશે. વડાપ્રધાનની સાથે રાજયના મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ પણ જામનગર આવી શકે છે.

Related posts

સંઘની આગેવાનીમાં પીરાણા ખાતે ૧૧મી થી ત્રિદિવસીય બેઠકનુ આયોજન

saveragujarat

વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદી ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે

saveragujarat

અલકાયદાની ધમકી અને રથયાત્રાને પગલે રાજય પોલીસ એલર્ટ

saveragujarat

Leave a Comment