Savera Gujarat
Other

સુરતની નિયોલ ચેકપોસ્ટ પાસેથી વિદ્યાર્થીના સ્કૂલ બેગમાંથી બે કિલો અફીણ પકડાયું

ગુજરાતમાં જે રીતે દારૂબંધી છે તે જ રીતે હવે ડ્રગ્સબંધી લાગુ રહી ગઈ હોય તેમ દરરોજ મોટી સંખ્યામાં ક્યાંકને ક્યાંકથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાઈ રહ્યો છે. અત્યાર સુધી તો ડ્રગ્સની હેરીફેરી માટે ‘અઠંગ’ ગણાતાં ખેલાડીઓ જ હાથ લાગી રહ્યા હતા પરંતુ હવે વિદ્યાર્થીઓ પણ ડ્રગ્સ સપ્લાયના આ દૂષણમાં સપડાયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરતની નિયોલ ચેકપોસ્ટ પાસેથી સ્કૂલબેગમાં બે કિલો અફિણ ભરીને જઈ રહેલા એક વિદ્યાર્થીને પોલીસે પકડી પાડ્યો છે.

આ વિદ્યાર્થીની પૂછપરછમાં પકડાયેલા વિદ્યાર્થીએ એવો એકરાર પણ કર્યો હતો કે ડ્રગ્સની હેરાફેરી માટે તે એકલો જ નહીં બલ્કે અન્ય વિદ્યાર્થીઓ પણ કામ કરી રહ્યા છે ! વિદ્યાર્થીએ કબૂલાત આપી કે આ અફીણ રાજસ્થાનના ચિતોડગઢથી સુરત લાવવામાં આવ્યું હતું અને અહીં લાવ્યા બાદ અલગ-અલગ વિદ્યાર્થીઓ દ્વારા જથ્થાને સ્કૂલ બેગમાં છુપાવીને તેની હેરાફેરી કરવામાં આવતી હતી. આ પ્રકારની બાતમી મળતાં પોલીસે નિયોલ ચેકપોસ્ટ ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું અને ત્યાંથી પસાર થનારા દરેક વિદ્યાર્થીનું ચેકિંગ અને કડક પૂછપરછ શરૂ કરાઈ હતી

જેમાં એક વિદ્યાર્થીની બેગમાંથી બે કિલો અફિણનો જથ્થો મળી આવતાં પોલીસ દ્વારા તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નિયોલ ચેક પોસ્ટ ઉપરથી આ પહેલાં પણ ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે. પોલીસે તાજેતરમાં જ એમડી ડ્રગ્સ સાથે એક રાજસ્થાની યુવકને પકડ્યો હતો. પોલીસે લાખો રૂપિયાની કિંમતની 58 ગ્રામ ડ્રગ્સ પણ કબજે કર્યું હતું. આ ડ્રગ્સ સરથાણાના જૈમીન સવાણીએ ઝાલોરના પ્રવિણ વાના નામના શખ્સ પાસેથી મંગાવ્યું હોવાનું ખુલ્યું હતું. તેના પહેલાં નિયોલના પાટિયા પાસેથી પસાર થઈ રહેલી કારને અટકાવી ચેકિંગ કરાતાં તેમાંથી ત્રણ શખ્સો એમડી ડ્રગ્સ સાથે પકડાયા હતા.

અત્યાર સુધી આ ધંધામાં વ્યાપ્ત શખ્સો પકડાઈ જ રહ્યા હતા ત્યારે સંભવત: પહેલી વખત કોઈ વિદ્યાર્થી ડ્રગ્સની હેરાફેરી કરતાં પકડાતાં ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ ‘રઈશ’ આવી હતી જેમાં વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલબેગમાં દારૂની બોટલો ભરીને પોલીસની સામેથી જ પસાર થઈ જતા હતા પરંતુ વિદ્યાર્થી હોવાને કારણે તેમનું ચેકિંગ કરવામાં આવતું નહોતું. આવું જ કંઈક ડ્રગ્સની હેરાફેરીમાં પણ જોવા મળી રહ્યું છે. જો કે વિદ્યાર્થીઓ અવળા માર્ગે ન ચડી જાય તે માટે પોલીસ દ્વારા બાતમીદારોનું નેટવર્ક સજ્જડ બનાવી દેવાયું છે અને શંકાસ્પદ રીતે સ્કૂલબેગ લઈને પસાર થઈ રહેલા વિદ્યાર્થીઓનું ચેકિંગ પણ કરાઈ રહ્યું છે.

Related posts

હર ઘર તિરંગા અભિયાનથી દેશના વિવિધ સમાજમાં ભેદભાવો ભૂલી સમરસતામાં વધારો થયો છ હર્ષ સંઘવી

saveragujarat

આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે

saveragujarat

લીંબુના ભાવ ફરી વધ્યા : લોકલ દેશી ક્વોલિટીના મણના રૂા.4000 થી 5000

saveragujarat

Leave a Comment