Savera Gujarat
Other

ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદે કોણ? ખેંચતાણ વચ્ચે બળવો થવાના ભણકારા

ગુજરાત કોંગ્રેસમાં નવા અધ્યક્ષની જાહેરાત થવાની છે તે પુર્વે જોરદાર ખેંચતાણ છે અને એક વર્ગ દ્વારા તો બળવો કરવા સુધીની તૈયારી રાખવામાં આવી છે ત્યારે નેતાગીરી સમયસર નવા નામો જાહેર કરી શકે છે કે કેમ તે વિશે અટકળો વ્યક્ત થવા લાગી છે.

ગુજરાતમાં પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા તથા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રાજીનામા આપી દીધા હતા. મહિનાઓ સુધી તેમની પાસે જ કાયદેસર રખાયા બાદ નવા અધિકારીઓની પસંદગી માટે ગત સપ્તાહથી કવાયત શરુ કરવામાં આવી હતી. હાઈકમાંડે તમામ નેતાઓને દિલ્હી તેડાવ્યા હતા. સંયુક્ત અને વન ટુ વન બેઠકો કરીને સર્વસંમત પસંદગીનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ બેઠકમાં જ બે જૂથની ખેંચતાણ માલુમ પડી ગઈ હતી. હવે તે આગળ વધી હોય તેમ એક જૂથ કોંગ્રેસના જી-23 ગણાતા અસંતુષ્ટ ગ્રુપના સંપર્કમાં પહોંચ્યું છે અને જરૂર પડયે અધ્યક્ષપદ મામલે બળવો કરવાની તૈયારી રાખી છે. એમ કહેવાય છે કે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે યુવા ચહેરાની પસંદગી કરવા ઈચ્છુક છે તેને કારણે સીનીયર અનુભવી નેતાઓ સમસમી ગયા છે એટલું જ નહીં.

અમુક નેતાઓ રાષ્ટ્રીય સ્તરે અસંતુષ્ટ ગણાતા જી-23 નેતાઓ સાથે સંપર્ક કરવા લાગ્યા છે. ગુજરાતના નવા અધ્યક્ષપદ માટે ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ તથા હાર્દિક પટેલના નામો છે. રાહુલ ગાંધીની પસંદ યુવા નેતા હાર્દિક પટેલ છે. વિપક્ષી નેતા તરીકે પણ યુવા નેતા જીજ્ઞેશ મેવાણીના નામની ચર્ચા છે. બન્ને મુખ્ય પદ યુવા નેતાઓના હાથમાં સરકી જવાની આશંકાથી સીનીયર નેતાઓને વાંધો છે. તેઓનું કથન એવું છે

કે સારા-નરસા દરેક સમયમાં વફાદારીપૂર્વક પાર્ટીમાં રહેવા છતાં મુખ્યપદ નવા આવેલા યુવાનોના હાથમાં સોંપી દેવામાં આવે તો પાર્ટીમાં રહેવાનો શું ફાયદો? આ હકીકતના આધારે રાહુલ ગાંધીની બેઠકમાં સામેલ થયા બાદ અમુક નેતાઓએ જી-23 ગ્રુપના નેતાઓનો સંપર્ક કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે સીનીયર નેતાઓની સાથોસાથ હાર્દીક પટેલ જુથના આગેવાનોએ પણ જી-23 નેતાઓનો સંપર્ક કર્યો હતો.

એક જૂથ રાહુલ ગાંધી સાથે શુક્રવારની બેઠક પુર્વે ગુરુવારે જ મુલાકાત કરી આપ્યુ હતું. બીજું જૂથ શુક્રવારે મળ્યું હતું. ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ નવી વાત નથી. અગાઉ ધારાસભ્યોએ પાર્ટી છોડીને સતાધારી ભાજપમાં પ્રવેશ મેળવી જ લીધો હતો. પરંતુ સંગઠનનો સંભવિત બળવો કોંગ્રેસની દશા વધુ ખરાબ કરી શકે છે. ખાસ કરીને રાજયમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે.

ગુજરાતમાં પાલિકા-પંચાયતની છેલ્લી ચૂંટણીઓમાં કોંગ્રેસ પરાસ્ત થઈ હતી એટલે ગ્રામ્ય સ્તરે પણ તેનું જોર ગાયબ થઈ ગયાની છાપ ઉપસી હતી. સાથોસાથ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પણ પડકાર રહેવાનો છે. મોંઘવારીથી માંડીને ખેડુત સુધીના પ્રશ્નો હોવા છતાં સરકાર લોકરોષનો પડઘો પાડી શકી નથી. નવા અધ્યક્ષની નિમણુંક બાદ રાજયભરમાં નવા સંગઠનની નિયુક્તિ કરવાની સાથોસાથ ચૂંટણીલક્ષી તૈયારી પણ કરવાની થાય છે. સમય ઓછો છે, કામ વધુ છે તેવા સમયે નવી નિયુક્તિ સામે બળવો થાય તો હાઈકમાંડની હાલત ખરાબ થઈ શકે છે.

Related posts

વંદે ભારત ટ્રેન ઉપર સિલિગુડીમાં પથ્થરમારો

saveragujarat

સાબરકાંઠાના ઇડર ના સાબલવાડ ના શિક્ષિત ખેડૂત પુત્રોનું નવું સાહસ

saveragujarat

આજે ભાદરવી પૂનમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર જય અંબેના જયનાદથી ગુંજી ઉઠ્યું યાત્રાધામ

saveragujarat

Leave a Comment