Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સૌરાષ્ટ્રવાસી તમિલોને આવકારવા કરાયું આહવાન

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧
વિશ્વની સૌથી મોટી ગણવામાં આવતી હિજરતમાની એક એટલે આપણા સૌરાષ્ટ્રવાસીઓનું તામિલનાડુમાં હિજરત થવું. ભારત વર્ષના તમિલનાડુ રાજ્યમાં ૨૫ લાખ કરતા વધારે સૌરાષ્ટ્રવાસી સમુદાય પોતાની જૂની સૌરાષ્ટ્રવાસી તરીકેની ઓળખ તેમજ પોતાના સૌરાષ્ટ્ર વિસ્તારની પરંપરા અને વારસાને અકબંધ રાખી નિવાસ કરી રહ્યો છે. ૧૦૨૪ની સાલમાં મોહમ્મદ ગઝનીના આક્રમણ સમયે દરિયાઈ માર્ગે સોમનાથ પ્રભાસ પાટણ, વેરાવળથી અને આજુબાજુના વિસ્તારમાંથી સામુહિક સ્વરૂપે વસતા સૌરાષ્ટ્રવાસીઓ દરિયાઈ માર્ગે હિજરત કરી ખંભાત, સુરત અને ત્યારબાદ વિજયનગર સામ્રાજ્યમાં આશરો લઈ રહ્યા હતા. વિજયનગરના પતન બાદ રેશમ વણાટ કામ અને અન્ય હસ્તકલાઓમાં કૌશલ્ય ધરાવતા આ સમુદાયને મદુરાઈના રાજવંશ મહારાજાએ રાજ્યાશ્રય આપ્યો હતો. ૧૫૦૦ની સાલથી આ સમુદાય મદુરાઈ તેમજ આજુબાજુના વિસ્તારની અંદર સ્થાયી થયો છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમએ ગુજરાત અને ભારતવર્ષમાં અભૂતપૂર્વ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ત્યારે આરોગ્ય- સંસદીય બાબતોના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે, તમિલનાડુમાં વસેલા આપણા ભાઈઓ-બહેનોમા પોતાના વતન પરત ફરવાનો, પોતાના મૂળ સાથે જાેડાવાનો અને પોતાની મૂળ સંસ્કૃતિને ઓળખવાનો અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. જ્યારે ગુજરાત સરકારના આઠ મંત્રીઓ તમિલનાડુના આઠ વિવિધ સ્થાનો પર આમંત્રણ આપવા ગયા હતા ત્યારે ત્યાં સૌરાષ્ટ્ર તમિલ સમુદાયમાં ગુજરાત આવવાનો, પોતાના મૂળ સાથે જાેડાવા માટેનો અભૂતપૂર્વ ઉત્સાહ જાેવા મળ્યો હતો. માત્ર મંત્રી તરીકે નહીં પણ એક ગુજરાતી તરીકે પણ ખૂબ આદર સત્કાર અને આવકારનો ભાવ મળ્યો હતો ત્યારે તમિલનાડુથી આવતા આ ભાઈઓ-બહેનોને આદરભાવથી આવકારી, સૌરાષ્ટ્રની મહેમાનગતિ- પરોણાગતિનો અનુભવ કરાવવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત ૧૭ એપ્રિલથી વિવિધ કાર્યક્રમ યોજવાના છે. જેમાં આપણી સંસ્કૃતિ, આપણું ભોજનથી આપણે તેમને ફરી જાેડીશુ, સાથે જ વિવિધ રમતો જે આપણા સૌરાષ્ટ્ર અને ત્યાં પણ રમાય છે તેવી વિવિધ રમતો સાથે પણ જાેડવાના છીએ. આ સાથે જ રાજકોટ ખાતે બિઝનેસ, ટેક્સટાઇલ જેવા વિવિધ સેમીનારો પણ યોજવામાં આવશે.૧૭ એપ્રિલ થી ૩૦ એપ્રિલ દરમિયાન ૧૫ દિવસના આ પ્રવાસમાં યજમાન ગુજરાત, વેબસાઇટ પર રજીસ્ટ્રેશનમાં સિલેક્ટ થયેલા મહેમાનોને સ્પેશ્યલ ટ્રેન વડે અહીં લાવશે, ત્યારબાદ સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર), જેવા સ્થળોની મુલાકાત પર લઇ જશે. કાર્યક્રમનું મુખ્ય સ્થળ સોમનાથ રહેશે જ્યાં ૧૫ દિવસ દરમિયાન, કલા, સંસ્કૃતિ, ઉદ્યોગ-વાણિજ્ય, યુવા અને અને શિક્ષણ સંબંધિત કાર્યક્રમોના આયોજન થવા જઇ રહ્યા છે.હાલ સુધીમાં તમિલ સંગમ કાર્યક્રમ માટે આશરે ૨૫ હજાર જેટલા લોકોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. જેમાં ૯૭૭૧ જેટલી સ્ત્રીઓ ૧૪,૭૪૯ પુરુષો અને ૩ (ત્રણ) ટ્રાન્સજેન્ડરનો સમાવેશ છે. રાજ્ય સરકાર દ્વારા ૩૦૦૦ જેટલાં લોકોને ટ્રેન મારફતે ગુજરાત લાવી તેમની મહેમાન ગતિ કરવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું. કલા, સંસ્કૃતિ, વાણિજ્ય-ઉદ્યોગ, યુવા અને શિક્ષણ આ સંગમ ના મુખ્ય આધાર બિંદુઓં છે. જેમાં કલા અંતર્ગત ચિત્રકામ, પર્ફોર્મિંગ આર્ટ, ડ્રામા પ્રદર્શન, સાહિત્ય, બીચ/સેન્ડ આર્ટ, પરંપરાગત લોક સંગીત હસ્તકલા સંસ્કૃતિ અંતર્ગત શિલ્પ સ્થાપત્ય, ભાષાઓ, વાનગીઓ અને હેરીટેજ વાણિજ્ય-ઉદ્યોગ અંતર્ગત શોપિંગ ફેસ્ટિવલ, કાપડ અને હેન્ડલૂમ, બિઝનેસ મીટ, પ્રદર્શન,યુવા અંતર્ગત રમતગમત, સંવાદ, શિક્ષણ અંતગર્ત શૈક્ષણિક પ્રદર્શન, ગુજરાતી અને તમિલ ભાષાના વર્કશોપ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. પંદર દિવસ ચાલનાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં રજીસ્ટ્રેશન આવી રહ્યા છે ત્યારે આ ઉત્સવની સફળતા અત્યારથી દેખાઇ રહી હોય એવું લાગી રહ્યું છે.મંત્રીએ સૌરાષ્ટ્રવાસીઓને આહવાન કરતા કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં સરકાર તો કામ કરી જ રહી છે પરંતુ લોક ભાગીદારી પણ તેમાં ખૂબ આવશ્યક છે. દાદા સોમનાથની ધરતી પર સૌરાષ્ટ્રના આપણા ભાઈઓ-બહેનોને આવકારવા, રાજા દ્વારકાધીશની ધરતીનો તેમને ફરી અનુભવ કરાવવા,રંગીલા રાજકોટવાસીઓ -સૌરાષ્ટ્રવાસીઓને તમિલથી આવતા સૌરાષ્ટ્રવાસી ભાઈઓ- બહેનોને પોતિકાપણાનો અનુભવ કરાવી, તેમને પોતાના ઘરે આવ્યાનો અનુભવ કરાવવા અનુરોધ કર્યો હતો. પૂર્વ કુલપતિ કમલેશભાઈ જાેશીપુરાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં તમિલનાડુમાં સૌરાષ્ટ્રવાસી તમિલોનું શ્રેષ્ઠ પ્રદાન છે તેમને ખાસ ગુજરાત આમંત્રિત કરવામાં આવ્યા છે.જેમાં ૨૦૦૫માં જેમણે આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો તેવા વિશ્વવિખ્યાત ગેસ્ટ્રોએન્ડ્રોલોજીસ્ટ શ્રી ચંદ્રશેખરજી, હ્યુસ્ટન સ્થિત રાધા પરશુરામનજી, ૭ જેટલા આઈએએસ, પ જેટલા હાઇકોર્ટના અધિકારીઓ અને સંસદના પી.આર.ઓ. શ્રી ગણેશ ગુજરાત આવનાર છે. આ સાથે જ તમિલનાડુના નવ સ્થાનો પર થયેલા રોડ શો અને મીટીંગ કાર્યક્રમો દરમિયાન ૧૨ ડિસ્ટ્રિક્ટ જજની કેડરના અધિકારીઓ ગુજરાત આવશે. ત્યારે સૌરાષ્ટ્રવાસી તમિલોને જાણે ગર્ભનાળ સાથે જાેડવાનો અનેરો ઉત્સવ આગામી ૧૭ એપ્રિલ સોમનાથ ખાતેથી પ્રારંભ થશે.અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાની વૈદિક સંસ્કૃતિને બચાવવા દરિયાઈ માર્ગે હિજરત કરીને તમિલનાડુ ગયેલા આ સૌરાષ્ટ્રવાસીઓ ફરીથી સૌરાષ્ટ્રમાં ભગવાન સોમનાથની નિશ્રામાં એકઠા થવાના છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ જાણે કોઈ પોતાના ગયેલા વર્ષો બાદ મળવા આવી રહ્યા હોય તેવું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. આ સમુદાયને ફરીથી વર્તમાન ગુજરાત સાથે જાેડવાના પ્રયત્નો ૨૦૦૫થી કરવામાં આવી રહ્યા હતા અને ૨૦૧૦ની અંદર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મદુરાઈ ખાતે વિરાટ સૌરાષ્ટ્ર સંગમનું આયોજન કરેલું હતું. પણ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આવો અભૂતપૂર્વ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના અને તેમની જન સમુદાયને પોતાના મૂળ સાથે જાેડવાની પરિકલ્પના આ કાર્યક્રમથી મૂર્તિમંત થવા જઈ રહી છે. વર્ષોથી તમિલનાડુમાં વસેલા આ સૌરાષ્ટ્રવાસીઓ આજે પણ સૌરાષ્ટ્રના રિતીરિવાજ, લગ્ન પદ્ધતિ, યજ્ઞ, ભજન સંસ્કૃતિ, સાંસ્કૃતિક વારસાને જાળવીને પણ ત્યાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. ૧૨૦૦ વર્ષ પછી આજે આ સમુદાયએ તમિલનાડુમાં સૌરાષ્ટ્રવાસી તમિલ તરીકે પોતાની ભૂમિ, ભાષા, સંસ્કૃતિ, સાહિત્ય, વણાટ કલા સર્વેનો વારસો જાળવી તમિલનાડુમાં દરેક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે. સામાન્ય રીતે આપણા ગુજરાતી ભાઈ-બહેનો દેશભરના અનેક રાજ્યમાં તેમજ વિશ્વમાં અનેક દેશોમાં પણ છે પરંતુ સૌરાષ્ટ્રમાંથી આ તમિલ સમુદાય અને મૂળ ગુજરાતી એવા સમુદાયની ખાસિયત વચ્ચે થોડો તફાવત એ છે કે, સૌરાષ્ટ્રવાસી આ સમુદાય સામૂહિક રીતે હિજરત કરી ગયા પછી પોતાના મૂળથી સંપૂર્ણ કપાઈ ગયો હતો. આમ છતાં તેણે પોતાની તમામ પ્રકારની સૌરાષ્ટ્રવાસી તરીકેની પ્રણાલિકાઓ અખંડ રીતે જાળવી રાખી છે.

Related posts

ઈન્સ્ટન્ટ લોન આપતી ૩૦૦ એપ પર પ્રતિબંધના સંકેત

saveragujarat

મિસિસિપીમાં ગોળીબારમાં છ લોકોનાં મોત થયાં

saveragujarat

પેગાસસ જાસૂસીની તપાસ કરવા નિષ્ણાંત કમિટી નિરમણુંક કરતી સુપ્રીમ કોર્ટ

saveragujarat

Leave a Comment