છેલ્લા કેટલાક સમયથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વારંવાર હવામાનમાં પલટો આવ્યા કરે છે. આ વર્ષે શિયાળામાં ઠંડીના દિવસોનું પ્રમાણ ઓછુ રહ્યુ છે. જ્યારે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી જ ગરમીની શરૂઆત થઈ છે.
વાતાવરણની અનિશ્ચતાને કારણે રવી પાકોના વાવેતરને સીધી અસર થઈ છે. આ વર્ષે બટાકાના વાવેતરમાં 10 થી 15 ટકાનો ઘટાડો રહ્યો છે. પરિણામે ખેડૂતોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ બિયારણ,ખાતર,દવાઓ અને મજૂરી ખર્ચ વધી રહ્યો છે અને ઉત્પાદનમાં ઘટાડો થતાં ખેડૂતોને પુરતું વળતર મળી રહ્યુ નથી. ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી જ ગરમીનો પ્રારંભ થઈ ગયો હોય માર્ચમાં ગરમીનો પ્રકોપ રહેવાની પણ દહેશત છે. ઉત્તર ગુજરાતમાં આ વર્ષે 13 લાખ હેક્ટરમાં રવી વાવેતર કરવામાં આવ્યું હતું. મોટાભાગે રવી વાવેતર તૈયાર થઈ ગયું છે અને ખેડૂતો લણણીની કામગીરી કરી રહ્યા છે. જો કે સતત વાતાવરણની અસ્થિરતાને કારણે કેટલાક રવી વાવેતરના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 1.49 લાખ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યુ હતુ અને ઠેર-ઠેર બટાકા કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ અગાઉના વર્ષોની સરખામણીએ ઉત્તપાદનમાં 10 થી 15 ટકાનો ઘટાડો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. એક તરફ બટાકાના ભાવ ખેડૂતોને ઓછા મળી રહ્યા છે અને ઉત્પાદનમાં ઘટાડો થતાં ખેડૂતોને ફટકો પડયો છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યુ હતું કે, ખાતર અને દવાઓના ભાવમાં વધારો થયો છે. અગાઉ બિયારણનું કટ્ટુ 700 થી 800 રૂપિયામાં મળતું હતું તે હવે 1700 થી 1800માં મળે છે. વહેલી ગરમી શરૂ થવાથી બટાકાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને ખર્ચમાં વધારો થતાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં વળતર મળી રહ્યુ નથી. ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનો અડધો થાય ત્યારે ગરમીની શરૂઆત થતી હતી પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં જ ગરમી શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ તાપમાન 3પ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યુ છે. જ્યારે લઘુત્તમ તાપમાન ઉચકાઈને 20 ડિગ્રીએ પહોંચ્યુ છે. માર્ચની શરૂઆતમાં જ ગરમી વધી રહી છે ત્યારે આગામી દિવસોમાં તો આગ ઓકતી ગરમી પડે તો પણ નવાઈ નહીં.
માર્ચ મહિનામાં જ હીટવેવની આશંકાઓ
ખાનગી વેબસાઈટો અનુસાર માર્ચ મહિનમાં ગરમીનું પ્રમાણ સતત વધતું રહેશે. જેમાં આ મહિનાના બીજા અઠવાડિયાથી તો મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી જાય તેવી શક્યતાઓ પણ છે. સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનમાં કાળઝાળ ગરમી પડતી હોય છે પરંતુ આ વર્ષે માર્ચ મહિનામાં જ કેટલાક દિવસો હિટવેવની સ્થિતિ રહે તેવી પણ દહેશત રહેલી છે. જ્યારે માર્ચ મહિના બાદ આકાશમાંથી અંગારા વરસતા હોય તેવી કાળઝાળ ગરમી પડવાની પણ શક્યતાઓ નકારી શકાતી નથી.
ઉ.ગુ.માં બનાસકાંઠામાં સૌથી વધુ બટાકાનું વાવેતર
વિશ્વમાં બટાકાના ઉત્પાદનમાં ભારતનો ચીન બાદ બીજો નંબર છે. જ્યારે ગુજરાત દેશમાં ચોથા નંબર છે. ઉત્તર ગુજરાતમાં દોઢ લાખ હેક્ટરમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યુ હતુ અને તેમાં સૌથી વધુ 61 હજાર હેક્ટરમાં બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર કરાયુ હતું. ગત વર્ષની સરખામણીએ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બટાકાનું વાવેતર વધ્યુ છે પરંતુ સતત બદલાતા હવામાનને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. બજારમાં ભલે બટાકા 30 થી 40 રૂપિયે કિલો વેચાતા હોય પરંતુ ખેડૂતોને કિલોનો ભાવ 12 થી 15 રૂપિયા જ મળી રહ્યો છે. બટાકાના પોક્ષણક્ષમ ભાવ ન મળતાં અનેક ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી ખેતી કરે છે અને ખેતરોમાં તૈયાર થતા બટાકા જે તે કંપની લઈ જતી હોય છે.
નવેમ્બરમાં ઠંડી પડી જ નહીં, શિયાળો ટૂંકો રહ્યો
આ શિયાળામાં નવેમ્બર માસમાં ખુબ ઓછી ઠંડી પડી છે. અગાઉના વર્ષોની જેમ આ વર્ષે શિયાળામાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ નથી. આ વર્ષે સમગ્ર શિયાળાની ઋતુ દરમ્યાન ડિસેમ્બર મહિનામાં ચાર વખત લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી કરતાં નીચે પહોંચ્યુ હતું. જેમાં 14મીએ 9.1 ડિગ્રી,1પમીએ 8.9 ડિગ્રી અને 16મીએ 9.9 ડિગ્રી અને બાદમાં 30 ડિસેમ્બરનું લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી નોંધાયુ હતું. જાન્યુઆરી મહિનામાં 8 જાન્યુઆરીએ 8.8 ડિગ્રી,9 જાન્યુઆરીએ 9.8 ડિગ્રી,13 જાન્યુઆરીએ 9.9 ડિગ્રી અને 14મીએ 9.ર ડિગ્રી તાપમાન રહ્યુ હતું. નવેમ્બર અને ફેબ્રુઆરીમાં તો સામાન્ય લઘુત્તમ તાપમાનની સરખામણીએ પારો ઉચકાયેલો રહ્યો છે.
ટેકનોલોજી વધી પરંતુ ગરમી, ઠંડી માપવાની વ્યવસ્થા નહીં
દેશભરમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. દેશના કોઈ પણ ખૂણામાં ભૂકંપનો આંચકો આવે તો તેવી તીવ્રતા અને કેન્દ્રબિંદુ સહિતની માહિતી ઘડીકભરમાં મેળવી લેવાય છે. પરંતુ ભારતના મોસમ વિભાગ પાસે દરેક જિલ્લામાં પડી રહેલી ગરમી કે ઠંડી માપવાની કોઈ જ વ્યવસ્થા નથી. મોસમ વિભાગે 150 વર્ષ પૂર્ણ કર્યા છે પરંતુ ઉત્તર ગુજરાતના 47 તાલુકા પૈકી માત્ર ડીસામાં જ ઠંડી અને ગરમી માપવામાં આવે છે. તે સિવાયના 46 તાલુકાઓ કે જિલ્લા મથકોએ ગરમી કે ઠંડી માપવાની કોઈ વ્યવસ્થા નથી. પરિણામે કેટલી ઠંડી કે ગરમી પડી રહી છે તે ચોક્કસ જાણી શકાતું નથી. લોકો માત્ર મોબાઈલના સહારે ખાનગી સાઈટોમાં બતાવતા આંકડાને આધારે ગરમી અને ઠંડીની જાણકારી મેળવે છે.