Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ઔરંગાબાદથી બે વાઘણ લાવવામાં આવી

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૮
અમદાવાદ શહેરના આબાલવૃદ્ધો માટે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય આકર્ષણનું કેન્દ્ર છે. દેશનાં પ્રતિષ્ઠિત પ્રાણી સંગ્રહાલયોમાં આપણા શહેરના પ્રાણી સંગ્રહાલયનો સમાવેશ થાય છે. આ પ્રાણી સંગ્રહાલયમાં ૨૦૦૦થી વધુ પશુ-પંખી અને સરિસૃપ લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યાં છે. હવે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના આકર્ષણમાં વૃદ્ધિ કરવા માટે મ્યુનિ. તંત્ર દ્વારા છેક મહારાષ્ટ્રના ઔરંગાબાદથી બે વાઘણને લાવવામાં આવી છે. પહેલી નજરમાં જ આકર્ષક અને તંદુરસ્ત લાગતી એવી આ બંને વાઘણને આજથી અમદાવાદીઓ પ્રાણી સંગ્રહાલયમાં નિહાળી શકશે.કાંકરિયા લેકફ્રન્ટમાં આવેલું પ્રાણી સંગ્રહાલય અને બાળવાટિકા વર્ષોથી અમદાવાદની ઓળખ બન્યા છે. શહેરની મુલાકાતે આવનારાઓ સમય કાઢીને પણ પ્રાણી સંગ્રહાલયની લટાર મારતા આવ્યા છે. આ પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, સિંહ, દીપડા જેવાં હિંસક પ્રાણીઓ છે, તો હાથી, હરણ, વાનર અને રંગબેરંગી કબૂતર, પોપટ પણ છે. મજબૂતમાં મજબૂત વ્યક્તિમાં ડર પેદા કરનારા કિંગ કોબ્રા જેવા અતિ ઝેરી સાપ પણ પ્રાણી સંગ્રહાલયમાં લોકો નિહાળી શકે છે.હાલમાં તંત્ર પાસે એક ‘પ્રતાપ’ નામનો વાઘ અને એક સફેદ વાઘણ છે અને આજે ઔરંગાબાદના પ્રાણી સંગ્રહાલયથી ખાસ આપણા શહેરના પ્રાણી સંગ્રહાલય માટે બે વાઘણ લવાઈ છે. એટલે હવે પ્રાણી સંગ્રહાલયમાં એક વાઘ અને ત્રણ વાઘણ મળીને કુલ ચાર વાઘ-વાઘણ થયાં છે. આ વાઘ-વાઘણ આવનારા ઉનાળુ વેકેશનમાં બાળકોનું મન મોહી લેશે તેમ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સુપરિટેન્ડન્ટ ડો. આર. કે. સાહુ જણાવે છે. તેઓ વધુમાં જણાવે છે, ઔરંગાબાદથી લવાયેલી બે વાઘણ પૈકી એકનું નામ ‘રંજના’ અને બીજીનું નામ ‘પ્રતિમા’ છે. આ બંને વાઘણની ઉંમર સવા બે વર્ષની છે. સામાન્ય રીતે વાઘ-વાઘણનું આયુષ્ય પંદર વર્ષનું હોય છે.તંત્ર દ્વારા સફેદ વાઘણનું હજુ નામ પડાયું નથી, કેમ કે સત્તાવાળાઓ સફેદ વાઘણને કોઈ વ્યક્તિ કે સંસ્થા દત્તક લે તેની પ્રતીક્ષા છે. પ્રાણી સંગ્રહાલયમાં વાઘને એક વર્ષ માટે દત્તક લઈ ફ્રેન્ડ્‌સ ઓફ ઝૂ બનવાનો ખર્ચ રૂ. ૧,૨૬,૨૬૦ અને વાઘણનો રૂ. ૧,૦૧,૨૬૦ છે.મ્યુનિ. તંત્ર દ્વારા ઔરંગાબાદને ત્રણ શિયાળ, બે ઈમુ, છ સ્પુનબિલ પંખી અને ૧૦ શાહુડીની ભેટ અપાઈ છે. જ્યારે અમદાવાદને બે વાઘણ ઉપરાંત છ કાળાં બતક અપાયાં છે.

Related posts

T20 વર્લ્ડ-કપમાં MS ધોની ફ્રી માં કરશે આ કામ…

saveragujarat

ઇન્દોર ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો નવ વિકેટથી પરાજય થયો

saveragujarat

વિદ્યમી યુવતિ સાથે લગ્ન કરનાર અમદાવાદના યુવકની સાબરમતી નદીમાંથી લાશ મળી ઃ પરિવારનો હત્યાનો આક્ષેપ

saveragujarat

Leave a Comment