ઉનાળાના પ્રારંભે ફરી એક વખત ઠંડીનો ચમકારો શરૂ થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાતનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યુ હતુ અને અચાનક મંગળવારે હવામાનમાં પલટો આવ્યો હતો.
મંગળવાર રાત્રે એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી ગગડી ગયુ હતું,પરિણામે જાણે શિયાળો રિટર્ન થયો હોય તેવી ઠંડી પડી હતી. એક તરફ છેલ્લા કેટલાક દિવસોથી દિવસે આકરી ગરમી અનુભવાઈ રહી છે અને રાત્રે પણ ઠંડી ગાયબ થઈ ગઈ છે ત્યાં ફરીથી ઠંડી શરૂ થતાં લોકો પણ અચંબામાં મુકાઈ ગયા હતા. સતત બે દિવસથી ઠંડાગાર પવન ફૂંકાઈ રહ્યા હોય ઠંડીનો ચમકારો શરૂ થયો છે અને હજુ બે દિવસ આ પ્રકારનું વાતાવરણ રહી શકે છે. તિવ્ર ગતિથી પવન ફૂંકાઈ રહ્યો હોય ખેતરોમાં તૈયાર ઘઉં આડા પડી જવાનો ભય પણ ખેડૂતોને સતાવી રહ્યો છે.
છેલ્લા 15 વર્ષમાં પ્રથમ વખત માવઠા વગર શિયાળો પૂર્ણ થયો છે. પરંતુ શિયાળાના અંતમાં અને ઉનાળાના પ્રારંભે જ કુદરતે કરવટ બદલી છે અને હવામાનમાં પલટો આવ્યો છે. છેલ્લા 20 દિવસથી રાત્રિનું તાપમાન સતત વધી રહ્યુ છે અને ઠંડીમાં સતત ઘટાડો થઈ ગયો છે. મહત્તમ તાપમાન પણ 35 ડિગ્રીની આસપાસ પહોંચી જતાં દિવસે ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. બપોરે તો આકરી ગરમી પણ પડવા લાગી છે. ઉનાળાનો વિધિવત પ્રારંભ થઈ ગયો હોય તે રીતે ગરમીના વાતાવરણ વચ્ચે અચાનક ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. મંગળવાર સવારથી હવામાન પલટાયુ હતું અને દિવસભર 16 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાયા બાદ સાંજથી જ ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો હતો. જ્યારે મોડી રાત્રે તો શિયાળો ફરીથી જામ્યો હોય તેમ કડકડતી ઠંડી પડી હતી. સોમવારે રાત્રે ડીસાનું રાત્રીનું લઘુત્તમ તાપમાન 20.6 ડિગ્રી નોંધાયુ હતું પરંતુ મંગળવારે રાત્રે તેમાં 7.1 ડિગ્રીનો ઘટાડો થયો હતો અને પારો ગગડીને 13.5 ડિગ્રી નોંધાયો હતો. એક જ રાતમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી ગગડી જતાં ઠંડીના ચમકારાથી લોકો ઠુંઠવાયા હતા અને કાતિલ ઠંડા પવનનથી લોકો પરેશાન થયા હતા.
સતત બીજા દિવસે બુધવારે પણ સવારથી જ પવનની ગતિમાં વધારો અનુભવાયો હતો અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 15 થી 16 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાં સતત ધૂળની ડમરીઓ ઉડી હતી અને ધૂળધાણી થયુ હતું. પવનની સાથે ધૂળ ઉડતાં લોકો પરેશાન થયા હતા અને મકાનોમાં પણ ધૂળ ભરાઈ ગઈ હતી. હજુ આગામી બે દિવસ સુધી હવામાનમાં પલટો રહેવાની શક્યતાઓ રહેલી છે. બાદમાં પવનની ગતિમાં ઘટાડો થશે અને ગરમીનું જોર વધવા માંડશે.
અચાનક ઠંડી શરૂ થઈ જતાં લોકોને ગરમ વસ્ત્રો પહેરવાં પડયાં
ફેબ્રુઆરી મહિનો અડધો થતાં જ ઠંડીમાં ઘટાડો થવા લાગ્યો હતો અને માર્ચ મહિનો શરૂ થાય ત્યાં સુધીમાં તો ગરમીએ પીકઅપ પકડી લીધી હતી. ઉનાળો શરૂ થઈ જતાં લોકોએ ગરમ વસ્ત્રો ધોઈને મુકી પણ દીધાં હતા અને પંખા તેમજ એસી ચાલુ થઈ ગયા હતા. જો કે મંગળવારે હવામાનના પલટાએ ઉનાળાને એક જ દિવસમાં ફરી પાછો શિયાળામાં લાવી દીધો હતો અને ઠંડીનો માહોલ આવી જતાં લોકોએ મુકી દીધેલાં ગરમ વસ્ત્રો ફરીથી બહાર કાઢી પહેરવાં પડયાં હતાં.
12 ફેબ્રુઆરીથી લઘુતમ તાપમાન ઊચકાવા માંડયું હતું
આ વર્ષે ગરમીની શરૂઆત વહેલી થઈ છે. આ શિયાળામાં છેલ્લે 11 ફેબ્રુઆરીએ લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયુ હતું. ત્યાર બાદ લઘુત્તમ તાપમાન સતત ઉચકાતું રહ્યુ હતુ. છેલ્લે 4 માર્ચ મંગળવારે સૌથી ઉંચુ 20.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. દિવસે-દિવસે પારો ઉચકાતાં ઠંડીએ વિદાય લઈ લીધી હતી અને ગરમીની શરૂઆત પણ થઈ ગઈ હતી. પરંતુ 20 દિવસ બાદ ફરીથી 5 માર્ચે લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયુ હતું. જેના કારણે લોકોને ઉનાળાના પ્રારંભે જ કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો.
અચાનક ઠંડી શરૂ થવાનું કારણ શું ?
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે હાલ ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. પરિણામે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. ઉત્તર ગુજરાતમાં જ એક રાતમાં 7 ડિગ્રી લઘુત્તમ તાપમાન ગગડયુ છે. જો કે આગામી બે દિવસ આ પ્રકારનું તાપમાન રહેશે અને બાદમાં પારો ઉચકાશે. એકાએક ગરમી શરૂ થયા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને ગરમીમાં હાલ રાહત મળી છે પરંતુ આગામી બે દિવસ બાદ તાપમાન ઉચકાશે અને ગરમીનો પ્રકોપ શરૂ થવાની વકરી રહેલી છે.
બેવડી ઋતુને કારણે લોકોના આરોગ્ય ઉપર અસર થશે
ગરમીની શરૂઆત બાદ ઓચિંતી ઠંડી પડવા લાગી છે અને આગામી દિવસોમાં હવામાન ખુલ્લું થતાં ફરીથી ગરમીમાં વધારો થશે. ત્યારે ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુને કારણે લોકોના આરોગ્ય ઉપર અસર થશે અને વાયરલ બિમારીઓમાં વધારો થવાનો પણ ભય રહેલો છે. ઠંડાગાર પવનો ફૂંકાતાં શરદી-ઉધરસ સહિતની બિમારીઓમાં વધારો થઈ શકે છે. વૃધ્ધો અને બાળકોને આવી બેવડી ઋતુમાં સૌથી વધુ અસર થવાનો ભય રહેલો છે.