ભાજપે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાની જાહેરાત કર્યા પછી, MCD ઓફિસમાં પોડિયમ અને માઈકની તોડફોડ કરતો તેમનો જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો વર્ષ 2023નો છે અને ભાજપે આરોપ લગાવ્યો હતો કે ગુપ્ત મતદાન દરમિયાન કાઉન્સિલરો તેમના મોબાઇલથી બેલેટ પેપરના ફોટા લઈ રહ્યા હતા. ત્યારબાદ આ ઘટના બની હતી. પરંતુ રેખા ગુપ્તાના વાયરલ વીડિયો મામલે હવે જનતા પોતાના મંતવ્ય સોશિયલ મીડિયા પર આપી રહ્યા છે.
વાયરલ વીડિયો વિશે વિગતો
ભારતીય જનતા પાર્ટી એ શાલીમાર બાગના ધારાસભ્ય રેખા ગુપ્તાને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા છે. ભગવા પક્ષ દ્વારા જાહેરાત કર્યા પછી તરત જ દિલ્હીના નવા મુખ્યમંત્રીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં રેખા ગુપ્તા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે MCDમાં સ્થાયી સમિતિના સભ્યોની ચૂંટણી દરમિયાન પોડિયમ અને માઈકની તોડફોડ કરતા જોવા મળે છે. આ વીડિયો વર્ષ 2023નો છે અને ભાજપે આરોપ લગાવ્યો હતો કે, ગુપ્ત મતદાન દરમિયાન કાઉન્સિલરો તેમના મોબાઇલથી બેલેટ પેપરના ફોટા લઈ રહ્યા હતા. જે બાદ રોષમાં આવતા આ ઘટના બની હતી.
આ ઘટના દરમિયાન બંને પક્ષના કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે MCD ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. કારણ કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોએ સ્થાયી સમિતિના સભ્યોની ચૂંટણીને લઈને હોબાળો મચાવ્યો હતો.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાબતે “સંદેશ ન્યુઝ” કોઇપણ પ્રકારની પુષ્ટી કરતું નથી.